ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રીત,

ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની પર્ફેક્ટ રીત

સામગ્રી

1 કી.ગ્રા કાચી કેરી (ચાર વાટકી કાચી કેરીને છોલીને સમારેલા મીડીયમ સાઇઝના ટૂકડા)

125 ગ્રામ થી 150 ગ્રામ મેથી (એક વાટકી)

125 ગ્રામથી 150 ગ્રામ ચણા (એક વાટકી)

500 ml સીંગ તેલ (4 વાટકી)

2-3 ચમચી મીઠું

2-3 ચમચી હળદર

અથાણું બનાવાની રીત-


1 કીલો કાચી કેરીને પહેલા બરાબર ધોઈ લેવી ત્યાર બાદ તેની છાલ ઉતારી લેવી. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કેરી બીલકુલ કાચી હોવી જોઈએ. હવે છાલ ઉતારેલી કેરીના મિડિયમ સાઇઝના કડકા કરી લેવા. ગોટલાની આસપાસનો ભાગ પણ લઈ લેવો. માત્ર ગોટલું જ બાકી રાખવું. મોટી સાઇઝ ન રાખવી કારણ કે કેરી ગળતા વાર લાગે છે અને અથાણામાં કેરી ગળેલી હોય તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.


અહીં તમારે જો ચોક્કસ માપની જરૂર હોય તો તમારી રેગ્યુલર સાઇઝની એક વાટકી ચણા, એક વાટકી મેથી અને સામે ચાર વાટકી કાચી કેરીને ધોઈને કાપેલા મીડીયમ સાઇઝના ટુકડા લેવા. તમે મથીનું પ્રમાણ થોડું ઘટાડી પણ શકો છો.


હવે ચણા અને મેથીને એક-એક અલગ બોલમાં લો. તેને બે-ત્રણ પાણીમાં વ્યવસ્થીત થોઈ લેવા. હવે તેને પાણીમાં પલાળી લેવા. પલાળવા માટેનું પાણી ચણા-મેથીના પ્રમાણ કરતાં બેવડું રાખવું.


હવે કાચી કેરીના કાપેલા ટૂકડાને એક મોટા પાત્રમાં લઈ તેમાં 2 ચમચી મીઠુ અને 2 ચમચી હળદર નાખો. હવે કેરીને બરાબર હલાવી લેવી. મીઠું હાલ ઓછું નાખવાનું છે. જરૂર પડ્યે તમે અથાણું બનાવશો ત્યારે ઉમેરી શકો છો.


હવે ધોયેલા ચણા, ધોયેલી મેથીને છ- સાત કલાક પલાળી રાખવા અને હળદર મીઠા વાળા કેરીના ટુકડાને છ-સાત કલાક માટે ઢાંકીને મુકી રાખવા.


સાતથી આંઠ કલાક બાદ તમે જોશો કે મેથી અને ચણા બરાબર પલળી ગયા હશે. અને ફુલીને તેની સાઇઝ વધી ગઈ હશે.


હવે મેથી અને ચણામાંનું જે વધારાનું પાણી છે તેને ચારણીની મદદથી કાઢી લેવું. હવે તે બન્નેને એક મોટા પાત્રમાં કાઢી લેવા. હવે તેને મીક્ષ કરી લેવા.


હવે તમે મીઠા હળદર વાળી કેરી જોશો તો તેમાંથી પણ પાણી છૂંટી ગયું હશે અને કેરી પણ નરમ થઈ ગઈ હશે. હવે કેરીને પણ ચારણીની મદદથી પાણીથી અલગ કરી લેવી. પણ આ પાણીને તમારે ફેંકી નથી દેવાનું. તમારે તેને એક વાટકીમાં કાઢી સાંચવી રાખવું.


કેરીને તમે એક અલગ બોલમાં મુકી દો. હવે કેરીનું જે આ ખાટુ પાણી વધ્યું છે તેને તમારે મેથી-ચણાના મિશ્રણમાં ઉમેરી દેવું. અને તેને બરાબર હલાવી લેવું. જો તમને હળદર મીઠા ઓછા લાગતા હોય તો તમે તેમાં અરધી ચમચી હળદર અને અરધી ચમચી મીઠું ઉમેરી ફરી હલાવી મુકી દો. હવે આ મેથી-ચણા-કેરીના ખાટા પાણીના મીશ્રણને 5-6 કલાક રાખી મુકવા.


તે દરમિયાન મીઠા હળદરવાળા કેરીના ટુકડા જેમાંથી આપણે પાણી નીતારી લીધું છે તેને કોટનના કપડા પર પાથરીને સુકવી લેવા. બધા જ ટુકડા એકબીજાથી છૂટ્ટા રાખવા. તેને આમ જ 12 કલાક ડ્રાઇ થવા દેવા. પણ તેને તડકા કે પંખા નીચે સુકવવાની જરૂર નથી. તેને તમારા ઓરડામાં પંખો ચાલુ કર્યા વગર સુકવી દો.


મેથી-ચણા જે કેરીના ખાટ્ટા પાણીમાં પલળવા રાખ્યા છે તેને સમયાંતરે હલાવતા રહેવું. હવે 5-6 કલાક બાદ કેરીના ખાટા પાણીમાં મેથી હળદર પલળી ગયા હશે. હવે તેને પણ ચારણીની મદદથી પાણીથી છુટ્ટા કરી લેવા. હવે તેને પણ કેરીની જેમ જ કેટનના કપડા પર છુટ્ટા છુટ્ટા સુકવી દેવા. આમ કેરીના ટુકડા અને મેથી-ચણા સુકાઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે તમારે મેથી-ચણાને થોડા ફેરવતા રહેવું. 6-7 કલાક બાદ તમે જોશો કે મેથી ચણા અને કેરીના ટુકડા બરાબર સુકાઈ ગયા હશે. આમ મેથી ચણાને 6-7 કલાક સુકવવાના છે જ્યારે કેરીના ટુકડાને 12-13 કલાક સુકવવાના છે.


હવે મેથી ચણાને સુકવેલા કપડામાં જ ભેગા કરી લેવા અને કાચી કેરીના ટુકડાને તેને જે કપડામાં સૂકવવામાં આવ્યા હતા તેમાં ભેગા કરી લેવા.


હવે રામદેવનો આચાર મસાલો 250 ગ્રામ લેવાનો છે. ટૂંકમાં એક કીલો કાચી કેરી સામે 250 ગ્રામ રેડીમેઈડ આચાર મસાલો લેવો. અને આગળ આપણે વાટકીનું જે માપ લીધું મેથી ચણા અને કેરીના ટુકડા માટે તે પ્રમાણે જો માપ લેવું હોય તો તે પ્રમાણે બે વાટકી તૈયાર આચાર મસાલો લેવો.


હવે એક મોટું વાસણ લેવું તેમાં કાચી કેરીના હળદર મીઠાવાળા પાણીમાં પલાળીને સૂકવેલા મેથીચણા લેવા. તેમાં કાચી કેરીના ટુકડા કરી હળદર મીઠામાં પલાળીને સુકવેલા ટુકડા એડ કરવા અને તેમાં 2 વાટકી તૈયાર આચાર મસાલો એડ કરવો. જો તમને અથાણું તીખું ગમતું હોય તો તમે મસાલાનું પ્રમાણ થોડું વધારી શકો છો.


હવે આ બધી જ વસ્તુને બરાબર મીક્ષ કરી લેવી. બરાબર મીક્ષ થઈ ગયા બાદ તેને બાજુ પર મુકી દેવું.


હવે તમે જે માપની વાટકી લીધી હોય એટલે કે મેથી ચણા અને કેરીના ટુકડા માટે જે વાટકી વાપરી હતી તેજ માપ પ્રમાણે તમારે ત્રણ વાટકી સીંગ તેલ લેવું. અને જો વજન જોવા જઈએ તો 500 ml તેલ લેવું. તેલમાં કંજૂસાઈ ન કરવી જરૂર પડશે તો પાછળથી બીજી એક વાટકી પણ ઉમેરવી પડે.


હવે આ તેલને ધીમા ગેસે ગરમ થવા દેવું. તેલને બહુ ગરમ ન કરવું પણ તેમાંથી વરાળ નીકળે તેટલું જ ગરમ કરવું. હવે તેલને ગેસ પરથી ઉતારી રૂમ ટેમ્પ્રેચર પર આવવા દેવું. ત્યાર બાદ ચણા-મેથી-કાચીકેરી-તૈયાર આચાર મસાલાના મિશ્રણમાં એડ કરી લેવું. અને બરાબર હલાવી લેવું. તેલ ઉપર આવતા સમય લાગશે. હવે તપેલીમાંના આ મિશ્રણને તમારે તેમ જ ઢાંકીને 12 કલાક માટે મુકી રાખવું. 12-14 કલાક બાદ તમને જો તેલ ઓછું લાગે તો તમે બીજી એક વાટકી તેલ ગરમ કરીને ઠંડુ પાડીને ઉમેરી શકો છો. અથાણાના સ્વાદને તેમજ તેની શેલ્ફ લાઇફનો આધાર તેલ પર રહેલો હોય છે માટે તેલ વાપરવામાં કંજૂસાઈ કરવી નહીં. કારણ કે આપણે આ અથાણું આખું વર્ષ ખાવાના છીએ. મટે અથાણું તેલમાં ડૂબેલું રાખવું.


હવે તૈયાર થયેલુ અથાણું કાચની બરણીમાં કાઢી લેવું. અને તમે જોશો કે ઉપરનું 1-2 ઇંચનું તેલનું લેયર થઈ ગયું હશે. જે તમારા અથાણાને બારેમાસ સાંચવી રાખશે. તેમ છતાં વર્ષ દરમિયાનના વપરાશથી જો તેલ ઘટી ગયું હોય તો તમે વર્ષમાં ગમે ત્યારે તેલને ગરમ કરીને અથાણામાં ઉમેરી શકો છો.


આ અથાણાને તમે ભાખરી, પૂરી, રોટલી, ખીચડી વિગેરે સાથે ખાઈ શકો છો. અને તમારા રેગ્યુલર ભોજનમાં નવી ફ્લેવર એડ કરી શકો છો.

સૌજન્ય : ફૂડ ગણેશા, નિધિ પટેલ (યુટ્યુબ ચેનલ)

સંપૂર્ણ વિગતવાર રેસીપી શીખો આ વિડીઓ પરથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *