ચોકલેટ બરફી – નાના મોટા દરેકને ભાવતી ચોકલેટ, હવે બનાવો ચોકલેટ બરફી તમારા રસોડે…

મિત્રો, ચોકલેટનું નામ સાંભળતા જ નાના-મોટા સૌના મોમાં પાણી આવી જાય, તેમાંય આજ-કાલના બાળકો તો ચોકલેટના શોખીન છે. તેમજ બરફી પણ સૌ હોંશે હોંશે ખાય એવી સૌની માનીતી સ્વીટ છે. દરેક શુભ પ્રસંગોમાં આજે પણ બરફીનું આગવું સ્થાન છે. માટે જ આજે હું બરફી અને ચોકલેટનું કોમ્બિનેશન એવી ચોકલેટ બરફીની યુનિક રેસિપી શેર કરવા જઈ રહી છું. જે ખુબ જ ઓછા સમયમાં આસાનીથી અને માત્ર ચાર જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતી રેસિપી છે, આઈ હોપ આપ સૌને મારી આ રેસિપી ખુબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ ચોકલેટ બરફી

સામગ્રી :


* 500 ગ્રામ માવો

* 200 ગ્રામ દળેલી ખાંડ

* 2 ટેબલ સ્પૂન કોકો પાવડર

* 1 ટેબલ સ્પૂન ઘી

ખાંડ આપણા સ્વાદ મુજબ વધ-ઘટ કરી શકાય

તૈયારી :

* માવાને ખમણી લેવો.

રીત :


1) સૌ પ્રથમ જાડા તળિયાવાળી કડાઈમાં એક ટેબલ સ્પૂન ઘી નાંખો, સાથે જ ખમણેલો માવો નાખી બે મિનિટ માટે મીડીયમ ફ્લેમ રાખી ઘી સાથે શેકો.


2) બે મિનિટ પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો અને મીડીયમ ફ્લેમ રાખીને સતત હલાવતા રહો.


3) ખાંડ બરાબર મિક્સ થઈ ગયા પછી કોકો પાવડર ઉમેરો અને હલાવીને બરાબર મિક્સ કરો. કોકો પાવડર ઉમેર્યા બાદ ઝડપથી હલાવો જેથી તેમાં લમ્પસ ના રહે. સરસ સ્મૂથ કન્સિસ્ટન્સી મેઈન્ટેઈન કરવાની છે.


4) કોકો પાવડર ઉમેર્યા બાદ મીડીયમ ફ્લેમ રાખીને 5 થી 7 મિનિટ સતત હલાવતા રહો, સાતેક મિનિટ પછી કન્સિસ્ટન્સી સરસ થિક થઈ જાય છે. હવે સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.


5) તેને ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઢાળી દો. ઢાળવા માટે મનપસંદ શેઈપના મોલ્ડ પણ લઈ શકાય. થપથપાવીને બરાબર સેટ કરી લો. સેટ કરવા તાવીથો અથવા ફ્લેટ તળિયાવાળું વાસણ યુઝ કરી શકાય. બરાબર સેટ કર્યા બાદ ઠંડુ પડવા દો, થોડું ઠંડુ પડે એટલે કટર અથવા છરીથી કાપા પાડી જામવા દો.


6) બરાબર જામી જાય પછી પીસીસ અલગ કરી લેવા, જામવા માટે લગભગ એકાદ કલાક જેટલો સમય લાગે છે. તો તૈયાર છે ચોકલેટ બરફી

મિત્રો, ખુબ જ આસાનીથી અને ઓછા સમયમાં બનતી આ ખુબ જ ટેસ્ટફૂલ સ્વીટ છે. જે બાળકોને ચોકલેટના ઓપ્શનમાં પણ આપી શકાય. બાળકોને ખુબ જ ટેમ્પટિંગ કરે એવી આ મસ્ત યુનિક સ્વીટ છે. તો જરૂર બનાવજો બધાને ખુબ જ પસંદ આવશે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વીડીયો જોવા અહીં ક્લિક કરો:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *