ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા બનાવો હેલ્ધી-ટેસ્ટી બાજરીના લોટના વડા…

વરસાદની સિઝનમાં સવારે તેમજ સાંજના નાશ્તા માટે બનાવો હેલ્ધી ટેસ્ટી બાજરીના લોટના વડા. વરસાદની ભેજવાળી સિઝનમાં હંમેશા માનવ શરીરની પાચનશક્તિ મંદ પડી જતી હોય છે અને ઘઉં કરતાં બાજરીનો લોટ પચવામાં ઘણો સરળ હોય છે તો આ રેસિપિ નોંધી લો અને બનાવો બાજરીના લોટના વડા.

બાજરીના લોટના વડા બનાવવા માટે સામગ્રી

1 વાટકી બાજરીનો લોટ

½ વાટકી મેથીની ભાજીના પાન

2-3 ચમચી ચણાનો લોટ

1 ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ

4-5 નંગ મીઠા લીંમડાના પાન જીણા સમારેલા

1-2 ચમચી જીણી સમારેલી કોથમીર

2-3 ચમચી તાજી મલાઈ

2 ચમચી તેલ મોણ માટે

½ ચમચી ખાંડ

3 ચમચી તલ

2 ચપટી અજમો, ચપટી હીંગ, ½ ચમચી લાલ મરચુ પાઉડર, ½ ચમચી ધાણાજીરુ, ¼ ચમચી હળદર

સ્વાદ પ્રમાણે મીઠુ

તળવા મટે તેલ

બાજરીના લોટના વડા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક વાટકી મેથીના પાંદડા વિણિ લેવા. હવે તેને બને તેટલા જીણા સમારી લેવા. બધી જ મેથી જીણી સમારી લીધા બાદ તેને બે-ત્રણ પાણીએ બરાબર ધોઈ લેવી. તેના માટે થોડીવાર મેથીને પાણીમાં પલાળી રાખવી જેથી કરીને તેમાંની માટી નીચે વાસણમાં બેસી જાય. અને આ રીતે મેથી સ્વચ્છ કરી લેવી.

હવે એક મોટો બોલ લેવો અથવા કથરોટ લેવી જેમાં એક વાટકો બાજરીનો લોટ ઉમેરવો. તેની સાથે જ 2-3 ચમચી ચણાનો લોટ ઉમેરવો સાથે-સાથે જ જીણી સમારેલી મેથી, જીણી સમારેલી થોડી કોથમીર ઉમેરી દેવી.

હવે તમે જેટલું તીખું ખાતા હોવ તે પ્રમાણે લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ ઉમેરવી. હવે તેમાં ફ્રેશ મીઠા લીંમડાના પાનના જીણા ટુકડા ઉમેરવા. તેને પણ છરીથી એકદમ બારીક સમારી લેવા. આ મીઠા લીંમડાથી વડામાં સરસ ટેસ્ટ પણ આવશે અને સોડમ પણ આવશે.

હવે તેમાં બે-ત્રણ ચમચી જેટલી તાજી મલાઈ ઉમેરવી. જો તમે ઘરે દૂધ ગરમ કરીને મલાઈ ભેગી કરતા હોવ તો બે-ત્રણ દીવસની મલાઈ જે 2-3 ચમચી ભેગી થઈ હોય તે ઉમેરી શકો છો. તેની સાથે જ બે ચમચી મોણ માટે તેલ પણ ઉમેરી દેવું તેમાં મોણ નાખવાની વધારે જરૂર નહીં પડે કારણ કે મલાઈ પણ ઉમેરવામાં આવી છે.

હવે તેમાં ત્રણ ચમચી તલ ઉમેરવા, તેની સાથે જ બે ચપટી અજમો હાથમાં મસળીને ઉમેરી દેવો, ત્યાર બાદ તેમાં હીંગ, લાલ મરચુ પાઉડર, મીઠુ, ધાણાજીરુ, થોડી હળદર ઉમેરી દેવા.

હવે તેમાં અરધું લિંબુ નીચોવી લેવું અને સાથે સાથે જ તેમાં અરધી ચમચી ખાંડ ઉમેરી દેવી. જો તમે ખટ-મીઠુ ખાવા માગતા હોવ તો ખાંડ ઉમેરવી નહીંતર ખાંડને સ્કીપ કરી શકો છો.

હવે બધી જ સામગ્રી પાણી ઉમેર્યા વગર જ એકબીજામાં બરાબર મિક્સ કરી લેવી. આ વખતે તમારે ચેક કરી લેવું કે મોણ બરાબર પડ્યું છે કે નહીં, મોણ તમારે મુટ્ઠી પડતું રાખવાનું છે.

હવે ખુબ જ ઓછા પ્રમાણમાં પાણી ઉમેરીને લોટ બાંધવો છે. અહીં તમારે લોટ કઠણ બાંધવોનો છે, જેમ ભાખરીનો લોટ હોય તેમ બાંધવો. વધારે પડતો પોચો ન બાંધવો. નહીંતર વડા ટીપતા ફાવશે નહીં.

હવે એક બાજુ ગેસ પર તેલ ગરમ કરવા માટે મુકી દેવું. અને તેલ ગરમ થાય તે દરમિયાન વડા ટીપી લેવા.

વડા બનાવવા માટે એક નાનો લુઓ લેવો અહીં બતાવ્યું છે તે પ્રમાણે તેને ટીપી લેવા. તેના માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે તે એકદમ સમતળ ટીપાવા જોઈએ જેથી કરીને તળતી વખતે તે કાચા પાકા ન રહી જાય.

અહીં વડાની જે થીકનેસ બતાવવામા આવી છે તે પ્રમાણે વડાની જાડાઈ રાખવી. જેથી કરીને તળ્યા બાદ તે અંદરથી કાચી ન રહે. બધા જ વડાની સાઇઝ અને જાડાઈ એકસરખી જ રાખવી જેથી કરીને તે સમાન રીતે તળાઈ જાય.

હવે તેલ આવી ગયા બાદ તેમાં ધીમે ધીમે ટીપેલા વડા ઉમેરતા જવા. અહીં તમે એક સાથે 10-12 વડા તળી શકો છો. માટે તમારે વડા બનાવતા પણ વાર નહીં લાગે અને તેને તળવામાં પણ વાર નહીં લાગે.

વડા તળતી વખતે ગેસ મિડિયમ રાખવો. ફાસ ન રાખવો. તેને શરૂઆતમાં ચમચા કે ચમચીની મદદથી જ ઉથલાવવા. જેથી કરીને તે જારાને ચોંટે નહીં.

હવે વડા એક બાજુથી તળાવા લાગે એટલે તેને વચ્ચે વચ્ચે ફ્લિપ કરતા રહેવા અને ઘેરા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળાવા દેવા.

હવે બધી જ બાજુથી વડા પર્ફેક્ટ તળાઈ જાય અને વડા ડાર્ક બ્રાઉન રંગના થઈ જાય એટલે વડાને તેલમાંથી કાઢી લેવા.

તો તૈયાર છે સ્વાદિષ્ટ-હેલ્ધી બાજરીના વડા. વડા ગરમ પણ સારા લાગે છે અને ઠંડા પણ સારા લાગે છે તે સવારની ચા જોડે પણ સ્વાદિષ્ટ લાગે છે અને સાંજના નાશ્તામાં દહીં સાથે પણ તેને ખાવાની મજા આવે છે.

આ વડાને તમે ત્રણ-ચાર દિવસ ફ્રીજ વગર જ સાંચવી શકો છો. ઉનાળામાં પણ તમે ઓછામાં ઓછા 2 દિવસ આ વડાને સાંચવી શકો છો. પ્રવાસમાં આ વડા ઘણા સારા રહે છે અને તમને પ્રવાસ દરમિયાન પણ હેલ્ધી નાશ્તો મળી રહે છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

સ્વાદિષ્ટ-હેલ્ધી બાજરીના વડા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *