ફરાળી સમોસા – વ્રતના ઉપવાસ માટે ઘરે જ બનાવજો બધાને ખુબ પસંદ આવશે..

ફરાળી સમોસા ….

સ્ટ્રીટ ફુડ તરીકે બહુ જ ફેમસ તેમજ ઘરમાં પણ અવારનવાર બનતા સમોસા બધાનું ખૂબજ મનપસંદ ફરસાણ છે. તેથી સ્વાભાવિક છે કે વ્રતના ઉપવાસમાં પણ ચટપટું ખાવાનું મન થાય. તો અહીં હું ફરાળી રાજગરાના સમોસાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે ફરાળમાં કઠોળ, અનાજ કે પછી ઓનિયન, ગાર્લીક જેવી વસ્તુઓ એવોઇડ કરવામાં આવતી હોય છે તેના બદલે ફરાળી સામગ્રીનો ઉપયોગ કરીને ફરાળી સ્વીટ અને ફરસાણ બનાવવામાં આવતું હોય છે. જેવાકે ફરાળી લોટ, સામો, સાબુદાણા, રાજગરાનો લોટ કે આખો રાજગરો, ડ્રાય ફ્રૂટ કે ફ્રેશ ફ્રૂટ, મિલ્ક કે માવો બટેટા, શક્કરિયા વગેરે જેવી સામગ્રી ફરાળ માટે વાપરવામાં આવે છે.

આજે હું અહીં ફરાળી સમોસા માટે રાજગરાના લોટનું આઉટર લેયર અને સ્ટફ્ફિંગ માટે બટેટા સાથે થોડા સ્પાયસીસનો ઉપયોગ કરીને બનાવેલી રેસિપિ આપ સૌ માટે આપી રહી છું. તમે પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી ફરાળી સમોસા( રાજગરાના), વ્રતના ઉપવાસ માટે ઘરે જ બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

ફરાળી સમોસા બનાવવા માટેની સામગ્રી :

 • 5 નાની સાઇઝ્ના બટેટા- બાફેલા
 • ½ ટમેટું બારીક સમારેલું
 • 10-12 પાન બારીક સમારેલા મીઠા લીમડાના પાન
 • 2 મરચા બારીક સમારેલા + 1 ઇંચ આદુની મિક્ષ અધકચરી પેસ્ટ
 • સિંધવ મીઠું- સ્વાદ મુજબ
 • 1 ટી સ્પુન મરી પાવડર
 • ½ ટી સ્પુન સુગર (ઓપ્શનલ)
 • ½ ટી સ્પુન આખુ જીરુ
 • 3 ટેબલ સ્પુન શિંગના ફાડા ( શેકીને ફોતરા કાઢેલા)
 • 2 ટેબલ સ્પુન કાજુના ટુકડા
 • 10 – 15 કીશમીશ
 • 1 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે

સમોસાના આઉટર લેયર માટે સામગ્રી :

 • 1 કપ રાજગરાનો લોટ
 • 3 ટેબલ સ્પુન આરાલોટ
 • 1 ટેબલ સ્પુન ઓઇલ – મોણ માટે
 • 1 ટી સ્પુન દહીં
 • સિંધાલુણ – સોલ્ટ સ્વાદ મુજબ
 • ½ ટી સ્પુન ઓઇલ હથેળી ગ્રીસ કરવા માટે
 • અટામણ માટે રાજગરાનો લોટ

ફરાળી સમોસા બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ બટેટાને પ્રેશર કૂક કરી લ્યો. કુકર ઠરે એટલે બટેટાની છલ ઉતારીને મિક્ષિંગ બાઉલ માં લઇ મેશ કરી લ્યો.

હવે તેમાં 10-12 પાન બારીક સમારેલા મીઠા લીમડાના પાન, 2 મરચા બારીક સમારેલા, સિંધવ મીઠું- સ્વાદ મુજબ, 1 ટી સ્પુન મરી પાવડર અને ½ ટી સ્પુન સુગર( ઓપ્શનલ ) ઉમેરી દ્યો.

હવે એક પેન માં 1 ટેબલ સ્પુ ઓઇલ ગરમ મૂકી વઘારવા જેવું થાય એટલે તેમાં ½ ટી સ્પુન આખુ જીરું અને આદુ મરચાની અધકચરી કરેલી પેસ્ટ ઉમેરી સાંતળી લ્યો.

ત્યારબાદ તેમાં3 ટેબલ સ્પુન શિંગના ફાડા ( શેકીને ફોતરા કાઢેલા), 2 ટેબલ સ્પુન કાજુના ટુકડા અને 10 – 15 કીશમીશ કેશમીશ ઉમેરી મિક્ષ કરી દ્યો. બધું સતાત હલાવતા રહી બદામી કલરનું થાય ત્યાંસુધી સ્લો ફ્લૈમ પર કૂક કરી લ્યો.

હવે તેમાં બટેટાનું મસાલાવાળું મિશ્રણ ઉમેરી મિક્ષ કરી લ્યો. તેમાં વઘાર બરાબર ભળી જાય ત્યાંસુધી હલાવી મિક્ષ કરી લ્યો. સ્લો ફ્લૈમ પર હલાવતા જઈ 2 મિનિટ કૂક કરો, જેથી બધું સરસ મિક્ષ થઈ જાય. હવે ફ્લૈમ બંધ કરી ઠરવા દ્યો. (બીજી પ્લેટમાં ટ્રાંસફર કરી લેવાથી જલ્દીથી ઠરી જશે. ઠર્યા પછી જ સમોસામાં સ્ટફ કરો. તો હવે સમોસામાં સ્ટફ કરવા માટેનું સ્ટફીંગ રેડી છે.

સમોસાના આઉટર લેયર માટે બાંધવાના લોટ માટેની રીત :

એક બાઉલમાં 1 કપ રાજગરાનો લોટ લઇ તેમાં સાથે 3 ટેબલ સ્પુન આરા લોટ, 1 ટેબલ સ્પુન ઓઇલ અને સ્વાદ મુજબ સીંધાલુણ ઉમેરો. જરુર મુજબ પાણી તથા ઉમેરી 1 ટેબલ સ્પુન દહીં ઉમેરી મિક્ષ કરી લોટ બાંધી મસળી લ્યો. રોટલી કરતા થોડો ટાઇટ લોટ બાંધો. ઉપર ½ ટી સ્પુન ઓઇલ ઉમેરી લોટને કવર કરી 5 મિનિટ રેસ્ટ આપી ફરીથી મસળી લ્યો.

હવે ફરીથી મસળી, હથેળી ઓઇલથી ગ્રીસ કરી લોટમાંથી 6 એકસરખા લુવા બનાવો.

તેમાંથી મિડિયમ થીક રોટલી બનાવી, તેને વચ્ચેથી કટ કરી બે ભાગ કરી લ્યો.

હવે એક ભાગમાંથી કોન બનાવી ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ) તેમાં ઠરી ગયેલું સ્ટફિંગ સ્ટફ કરી દ્યો. ( બહુ વધારે ભરવું નહી, તેમ કરવાથી સમોસાના લેયરમાં ક્રેક પડશે).

હવે ઉપરની બન્ને કિનાર પર જરુર પડે તો પાણી લગાડીને સ્ટીક કરી બરાબર સીલ કરી દ્યો.

આ પ્રમાણે બધા સમોસા બનાવી લ્યો.

ડીપ ફ્રાય :

એક ફ્રાય પેનમાં સમોસા ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો. ઓઇલ તળવા જેવું બરાબર ગરમ થાય એટલે મિડિયમ ફ્લૈમ રાખી તેમાં 2-3 સમોસા મૂકી ફ્રાય કરો.

નીચેની બાજુ સમોસા ડીપ ફ્રાય થઈને ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે સમોસા ફ્લીપ કરી બીજી બાજુ પણ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લ્યો. આ પ્રમાણે બધા સમોસા ડીપ ફ્રાય કરી લ્યો.

હવે ઓઇલમાંથી સમોસા જારામાં લઈ ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

સર્વ કરવા માટે ગરમા ગરમ ફરાળી સમોસા (રાજગરાના) રેડી છે. આ સમોસા ગ્રીન ચટણી અને ફ્રાય કરેલા લીલા મરચા અને મસાલા દહીં સાથે વધારે ટેસ્ટી લાગશે અને બધાને ખૂબજ ભાવશે.

બનાવવામાં ખૂબજ સરળ અને સ્વાદિષ્ટ એવા આ ફરાળી સમોસા તમે પણ તમારે રસોડે ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *