જાંબુની સીઝનમાં જાંબુના ગુણનો લાભ લેવા બનાવી લો ઇન્સ્ટન્ટ જાંબુ શરબત બનાવવા માટેનું જાંબુ સીરપ

ચોમાસુ બેસી ગયું છે. ભલે ગુજરાતમાં હજુ ધોધમાર વરસાદ ન પડ્યો હોય. પણ સીઝનમાં આવતા ફળો તેમજ શાકભાજીએ તો માર્કેટમાં પોતાની જગ્યા બનાવી જ લીધી છે. ચોમાસામાં જે ફળની સૌથી વધારે રાહ જોવાતી હોય તેવા જાંબુ પણ બજારમાં આવી ગયા છે તો આખુ ચોમાસું જાંબુનું શરબત પીવા માટે આજે જ બનાવી લો જાંબુનું સીરપ અને મન થાય ત્યારે ફ્રીઝમાંથી સીપ કાઢી તૈયાર કરી લો જાંબુનું ઇન્સ્ટન્ટ શરબત.

જાંબુનું સીરપ બનાવવા માટેની સામગ્રી

1 વાટકો જાંબુનો પલ્પ

1 વાટકી ખડી સાકર

1 ચમચી સંચળ

બે લીંબુનો રસ

1 ચમચી શેકેલા જીરાનો પાઉડર

જાંબુનું સીરપ બનાવવાની રીત

સૌ પ્રથમ જાંબુના કટકા કરી લેવા. અને તેના બીયાને એક બાજુ મુકતા જવા.

જાંબુના ટુકડા થઈ ગયા બાદ તે ટુકડાને મિક્સરના જારમાં નાખી દેવા અને તેનો પલ્પ બનાવી લેવો. જો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી દેવું.

તમે જોશો કે જાંબુ બરાબર ક્રશ થઈ ગયા હશે અને સરસ મજાનો પર્પલ રંગ વાળો પલ્પ તૈયાર થઈ ગયો હશે.

હવે જેટલા પ્રમાણમાં જાંબુનો પલ્પ તૈયાર થયો હોય તેટલા પ્રમાણમાં સામે ખડી સાકર લેવી.

હવે આ સાકરને એક તપેલીમાં લઈ લેવી અને તેમાં સાકર ડૂબે તેટલું પાણી ઉમેરવું અને ગેસ પર ગરમ કરી તેને ઓગાળી લેવી. અહીં તમે સાકરના ટુકડાની જગ્યાએ સાકરનો ભુક્કો પણ એડ કરી શકો છો.

આ ઉપરાંત જો સાકર અવેલેબલ ના હોય તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ખાંડના પાઉડરને જાંબુના પલ્પમાં ઉમેરી તેને બરાબર હલાવી મિક્સ કરીને એક એરટાઇટ ડબ્બામાં ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકો છો. પણ ચાસણી વાળું શરબત વધારે સ્વાદિષ્ટ લાગે છે.

પણ કોઈ પણ શરબતમાં જો ખાંડની જગ્યાએ ખડી સાકર વાપરવામાં આવે તો જ તે તમારા સ્વાસ્થ્યને પહોંચે છે. જાંબુના શરબતમાં તમે ખાંડ ઉમેરીને તેના ગુણ ઓછા કરી દેશો માટે તમને સાકર લેવાની જ સલાહ આપવામાં આવે છે.

હવે સાકરવાળુ પાણી ઉકળવા લાગ્યું હશે. અહીં તમારે ચાસણી નથી બનાવવાની પણ બધી જ સાકરને બરાબર ઓગળવા દેવાની છે. સાકર ઓગળી જાય એટલે તેમાં જાંબુનો પલ્પ ઉમેરી લેવો અને તેને સાકરના પાણી જોડે ધીમા તાપે ઉકળવા દઈ મિક્સ થવા દેવો.

હવે તેને ધીમા ગેસે થોડું ગરમ થવા દેવું અને તેને આંગળીએ અડતાં તે ચોંટે નહીં ત્યાં સુધી તેને ગરમ કરવું. આ સ્ટેજ પર તમે ખાંડની મીઠાશને ટેસ્ટ કરીને વધારાની સાકર પણ ઉમેરી શકો છો.

થોડીવાર ઉકાળ્યા બાદ સીરપમાં ચીકાસ આવી ગઈ હશે અને પા ભાગનું પાણી પણ બળી ગયું હશે. એટલે કે સીરપની કોન્ટીટી પણ ઘટી ગઈ હશે.
હવે ગેસ બંધ કરી દેવો. કારણ કે સીરપ જેમ જેમ ઠંડુ થશે તેમ તેમ ઘાટું થતું જશે. તેને થોડી વાર માટે ઠંડુ થવા દેવું.

હવે જાંબુનું સીરપ થોડું ઠંડુ થાય એટલે તેમાં બે લીંબુનો રસ ઉમેરી દેવો. લીંબુ અહીં ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો જ નાખજો.

હવે તેમાં બે ચમચી સંચળનો પાઉડર એડ કરવો અને તેને બરાબર સીરપમાં મિક્સ કરી લેવો. સંચળ ન હોય તો તમે મીઠુ પણ એડ કરી શકો છો.

સંચળ મિક્સ કરી લીધા બાદ તેમાં બે ચમચી શેકેલા જીરાનો પાઉડર ઉમેરવું.

આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી લેવી.

હવે શરબતનો ટેસ્ટ ચેક કરવા માટે તમારે એક વાટકીમાં એક ચમચી જેટલું સીરપ લેવું. તેમાં થોડું પાણી એડ કરવુ અને એક બરફનો ક્યુબ એડ કરવો. તેને બરાબર હલાવીને ટેસ્ટ કરી લેવું.

જે કંઈ પણ તમને ઓછું લાગે જેમ કે મીઠું, સંચળ કે જીરુ તો આ સ્ટેજ પર તમે તે એડ કરી શકો છો. જેથી કરીને તમારે શરબત બનાવતી વખતે પાણી અને બરફ સીવાય બીજું કશું જ ઉમેરવાની જરૂર ન પડે. હવે તૈયાર થઈ ગયેલા સીરપને એક કાચની બરણીમાં ભરી લેવું અને તેને ફ્રીઝરમાં સ્ટોર કરવા મુકી દેવું.

તો તૈયાર છે ઇન્સ્ટન્ટ જાંબુનું શરબત બનાવવા માટે જાંબુનું સીરપ. તમને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે ફ્રીઝરમાંથી જાંબુનું સીરપ કાઢી તમે ઇન્સ્ટન્ટ શરબત બનાવી શકો છો.

હવે શરબત બનાવવા માટે બે ગ્લાસ લેવા તેમાં બે-બે ચમચી સીરપ એડ કરવું.

ત્યાર બાદ તેમાં પાણી અને આઇસ ક્યુબ એડ કરી બરાબર હલાવી લેવું. તૈયાર છે જાંબુનું શરબત

રસોઈની રાણીઃ નીધી પટેલ

જાંબુનું શરબત બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *