તમારું કંકોડાનું શાક બરોબર નથી બનતું ? તો આ રીતે બનાવો કંકોડાનું પર્ફેક્ટ શાક…

બધાંના હાથે બધી જ વાનગીઓ કંઈ સારી જ બને તેવું નથી હોતું. કેટલાક લોકો કેટલીક વાનગીઓ બનાવવામાં સ્પેશિયાલિસ્ટ હોય છે તો કેટલાક બીજી. બધી જ ગૃહિણીની કોઈને કોઈ વાનગીમાં માસ્ટરી હોય છે. પણ કેટલીક વાનગીઓ તેમનાથી પણ સારી નથી બનતી. તેવી જ રીતે કેટલાકના હાથનું કંકોડાનું શાક બહુ ભાવે તો કેટલાકનું જરા પણ નહીં. પણ જો તમે પર્ફેક્ટ કંકોડાનું શાક બનાવવા માગતા હોવ તો આ રેસીપીથી તે એકદમ પર્ફેક્ટ બનશે.

કંકોડાનું શાક બનાવવા માટેની સામગ્રી

250 ગ્રામ કંકોડા

3-4 ચમચી તેલ

½ ચમચી લાલ મરચુ

½ ચમચી હળદર

½ ચમચી ધાણાજીરુ પાઉડર

સ્વાદ પ્રમાણે મીઠુ

કંકોડાનું શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 250 ગ્રામ કંકોડા લેવા અને તેને 5-10 મિનિટ સુધી ચોખ્ખા પાણીમાં પલાળી રાખવા જેથી કરીને તેની ખરબચડી છાલ પર જે પણ કચરો કે ચંતુનાશકો લાગેલા હોય તે ઉખડી જાય. પલાળી લીધા બાદ તેને વ્યવસ્થીત રીતે ધોઈ લેવા.

જો કંકોડાની સ્કીન થોડી વધારે પડતી જ કડક હોય તો ઉપરથી થોડી છાલ ઉતારી લેવી. જ્યાં જ્યાં કડક લાગે ત્યાં ત્યાં જ છાલ ઉતારવી. હવે તેની ચીપ્સ જેવા ટુકડા કરી લેવા. અહીં બતાવ્યા છે તે પ્રમાણે. અહીં તેને બીયા સાથે જ લેવામાં આવ્યા છે. કારણ કે કુણા બિયા છે. પણ જો કંકોડુ અંદરથી લાલ થઈ ગયું હોય બીયા પણ મોટા થઈ ગયા હોય તો તેનો અંદરનો બિયાવાળો ભાગ કાઢી લેવો.

હવે શાક બનાવવા માટે એક પેન લેવું અને તેમાં 3-4 ચમચી તેલ ગરમ કરવા મુકવું. કંકોડાનું શાક બનાવતી વખતે તેમાં પાણી ઉમેરવામાં નથી આવતું પણ તેને તેલથી જ ચડાવવાનું હોય છે માટે તેમાં તેલનું પ્રમાણ સામાન્ય શાકની જેમ વધારે લેવું. ભીંડાનું શાક બનાવતી વખતે જેટલું લઈએ તેટલું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડી રાઈ, જીરુ અને હીંગ ઉમેરવા.

ત્યાર બાદ તેમાં સમારેલા કંકોડા ઉમેરી દેવા. હવે જો તમે લસણ ખાતા હોવ તો તમે અહીં કંકોડા ઉમેરતા પહેલાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી શકો છો. પણ અહીં નથી ઉમેરવામાં આવ્યા.

હવે કંકોડાને તેલમાં બરાબર હલાવી લીધા બાદ તેમાં. મસાલા ઉમેરવા. મસાલામાં અરધી ચમચી લાલ મરચુ, અરધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરુ પાઉડર, અને થોડું મીઠુ ઉમેરવું. મીઠુ ઉમેરતી વખતે ધ્યાન રાખવું કારણ કે શાક જ્યારે તૈયાર થશે ત્યાંરે સાવ જ ઓછું થઈ જશે અને જો વધારે મીઠુ નાખ્યું હશે તો શાક ખારુ થઈ જશે.
હવે આ બધી જ સામગ્રીને બરાબર હલાવી લેવી અને શાકને 2-3 મિનિટ ઢાંકીને ચડવા દેવું. ઢાંકવું જરૂરી છે કારણ કે અહીં શાકમાં પાણી ઉમેરવામાં નથી આવતું તેને તેના જ પાણી તેમજ તેલમાં ચડાવવાનું છે. ગેસ મિડિયમ રાખવો.

2-3 મિનિટ બાદ પેન ખોલીને શાકને એકવાર હલાવી લેવું. કંકોડાનું શાક મિડિયમ ગેસે 7-8 મિનિટમાં ચડી જાય છે.

આ સ્ટેજ પર કંકોડા અરધો અરધ ચડી ગયા હશે ફરી તેને ઢાંકી દેવું. ત્યાર બાદ ફરી ઢાંકણું હટાવીને શાક હલાવી લેવું. કેટલાકને કંકોડા ક્રીસ્પી ભાવતા હોય છે તો કેટલાકને ઢીલા ભાવતા હોય છે.

હવે 2-3 મિનિટ બાદ તમે જોશો તો કંકોડા લગભગ સાવજ નરમ થઈ ગયા હશે. જો તમને પોચા કંકોડા ભાવતા હોય તો તમારે ગેસ બંધ કરી દેવો પણ જો ક્રીસ્પી કંકોડા ભાવતા હોય તો તેને હજુ એકાદ મિનિટ ચડવા દેવા. તેલનું પ્રમાણ ચડિયાતુ રાખવું નહીંતર શાક બળી જશે.

તો તૈયાર છે કંકોડાનું માત્ર 10 જ મિનિટમાં બની જતું શાક. ઘરમાં જ્યારે કઢી-ભાત કે દાળ ભાત બનાવ્યા હોય ત્યારે આવું કોરું શાક સારું લાગે છે. કંકોડાનું શાક ખાસ કરીને તમે જ્યારે પ્રવાસમાં જતાં હોવ ત્યારે બીજા ટાઈમે ખાવું સારું રહે છે કારણ કે તે માત્ર તેલમાં જ બન્યું હોય છે માટે સવારનું બનાવેલું કંકોડાનું શાક તમે સાંજે ખાઈ શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

કંકોડાનું શાક બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *