કાંઠિયાવાડી સ્ટાઇલમાં બનાવો ઢોકળીનું પરફેક્ટ અને સ્વાદિષ્ટ શાક…

રાજસ્થાનમાં જેમ ગટ્ટાની સબ્જી હોય છે તેમ કાંઠિયાવાડમાં ઢોકળીનું શાક બનાવવામાં આવે છે. જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો ચોક્કસ કરજો અને જો તમે ભૂતકાળમાં ક્યારેય બનાવ્યું હોય પણ સ્વાદિષ્ટ ન બન્યું હોય તો ફરી એકવાર આ રીતે ઢોકળીનું શાક બનાવી જુઓ. ખુબ જ સ્વાદિષ્ટ બનશે.

ઢોકળીનું શાક બનાવવા માટેની સામગ્રી

1 વાટકી ચણાનો લોટ

3 વાટકી છાશ (પાતળી છાશ લેવી)

½ ચમચી ધાણાજીરુ પાઉડર

1 ચમચી મરચુ

10-12 કળી લસણ

½ ઇંચ આદુનો ટુકડો

1 જીણું સમારેલું લીલુ મરચુ

વઘાર માટે – રાઈ, જીરુ, હીંગ

2 ચમચા તેલ

1 ચમચી જીણી સમારેલી કોથમીર

ઢોકળીનું શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ તો ત્રણ વાટકી છાશ જે ઉપરની સામગ્રીમા લખવામાં આવી છે તેને અરધી કરી લેવી એટલે કે ડોઢ-ડોઢ વાટકી અલગ કરી લેવું. કારણ કે ડોઢ વાટકી છાશનો ઉપયોગ ઢોકળી બનાવવા માટે કરવામાં આવશે અને બાકીની ડોઢ વાટકી છાશનો ઉપયોગ ઢોકળીને વઘારવા માટે કરવામાં આવશે.

સૌ પ્રથમ ઢોકળી બનાવવા માટે જાડું વાસણ લેવું અથવા તો નોન સ્ટીક પેન લેવું તેને ગરમ કરવા મુકી દેવું.

તે દરમિયાન એક પહોળુ પાત્ર લેવું. તેમાં ડોઢ વાટકી છાશ અને એક વાટકી ચણાનો લોટ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું. અહીં તમે બ્લેન્ડરથી પણ મિક્સ કરી શકો છો.

હવે 5-6 લસણની કળી લેવી તેને વાટી લેવી અને તેની પેસ્ટને છાશ-ચણાના લોટ વાળા મિશ્રણમાં ઉમેરી દેવી. અહીં તમે આદુ અને મરચા પણ ઉમેરી શકો છો પણ આ રીતમા તેને પાછળથી ઉમેરવામાં આવશે.

હવે પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, અને થોડી હીંગ ઉમેરી દેવા.

વઘાર તતડી જાય એટલે તેમાં છાશ-ચણાના લોટવાળુ મિશ્રણ ઉમેરી દેવું.

અને તેમાં થોડી હળદર, ઢોકળી પુરતું મીઠું, થોડું ધાણાજીરુ, અરધી ચમચી જેટલું લાલ મરચુ પાઉડર ઉમેરી તેને ફટાફટ હલાવી લેવું.

પાણી તરતને તરત શોષાવા લાગશે. તેને એકધારું હલાવતા રહેવું જેથી કરીને તે પેનના તળીયે ચોંટી ન જાય.

ચણાનો લોટ એકદમ રોટલીના લોટ જેવો જાડો ન થઈ જાય ત્યાં સુધી તેને શેકતા રહેવું. તમે જોશો કે ચણાનો લોટ બરાબર બફાઈ જવાથી તે પેનને ચોંટશે નહીં અને છુટ્ટો રહેશે.

હવે ઢોકળી બનાવવા માટે લોટ બફાઈ ગયો છે. હવે તેના પર થોડું તેલ ઉમેરી દેવું. અને તેને હલાવી લેવું. હવે જે ડીશમાં ઢોકળી પાથરવાની છે તેમાં પણ થોડું તેલ ચોપડી દેવું.

હવે બફાઈ ગયેલા લોટને તેલ લગાવેલી ડીશમાં ફટાફટ પાથરી લેવો તેને ગરમગરમ જ પાથરી લેવો ઠંડો થવાની રાહ ન જોવી.

ચમચાથી સ્પ્રેડ ન થતું હોય તો તમે વાટકી નીચે તેલ લગાવીને તેનાથી પણ સ્પ્રેડ કરી શકો છો. અહીં ઢોકળીને જાડી રાખવામાં આવી છે પણ તમારે તેને પાતળી રાખવી હોય તો તમે મોટી થાળી લઈ તેને સ્પ્રેડ કરશો તો તે પાતળી બનશે.

હવે ઢોકળી ઠંડી થાય ત્યાં સુધી વઘારમાં નાખવા માટે 4-5 કળી લસણ, એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચુ, થોડું જીરુ ખાઈણીમાં ઉમેરી તેને વાટી લેવા. અને ચટનીને બાજુ પર મુકી દેવી.

હવે એક પેન લેવું તેને ગરમ થવા મુકી દેવું. તેમાં 2-3 ચમચી તેલ ઉમેરવું અને તેને ગરમ થવા દેવું.

તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સ્પ્રેડ કરેલા બાફેલા ચણાના લોટમાં ઢોકળી માટે કાપા પાડી દેવી. ઠંડી પડ્યા બાદ સરસ રીતે કાપા પણ પડી જશે અને તે ઉખડી પણ જશે.

હવે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ, જીરુ, હીંગ, લાલ મરચુ અને લસણની ચટની ઉમેરી તેને 1 મીનીટ માટે સાંતળી લેવી.

હવે તેમાં મીઠો લીંમડો અને જીણા સમારેલા આદુ મરચા ઉમેરવા.

ત્યાર બાદ તરત જ બાજુ પર રાખેલી ડોઢ વાટકી છાશ ઉમેરી દેવી. તેને થોડું ગરમ થવા દેવું.

હવે તેમાં થોડી હળદર, થોડું મરચું, થોડું ધાણાજીરુ અને સ્વાદ પ્રમાણે એટલે કે છાશના પ્રમાણમાં મીઠુ ઉમેરી દેવું કારણ કે ઢોકળીમાં ઓલરેડી મીઠુ નાખવામાં આવ્યું છે.

હવે તેમાં તૈયાર કરેલી ઢોકળી ઉમેરી દેવી. અહીં ઢોકલી છાશમાં ડુબી જાય તેટલી છાશ લેવી.

ઢોકળી ઉમેર્યા બાદ ગેસને ફુલ કરી દેવો. અને છાશ થોડી ઘાટ્ટી થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવું.

ઢોકળીનું શાક થોડું સ્પાઇસી સારું લાગશે અને આ શાકમાં થોડું ચડિયાતું તેલ સારું લાગે છે.

હવે થોડી જ મિનીટમાં ઢોકળી સોફ્ટ થઈ જશે. છાશ ઉકળી જાય અને થોડી થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

હવે ગેસ બંધ કરી દીધા બાદ તેના પર લીલી કોથમીર ઉમેરી દેવી.

તો તૈયાર છે ઢોકળીનું કાંઠિયાવાડી સ્ટાઈલમાં શાક. એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમને ખુબ જ ભાવશે. ઢોકળીના શાક સાથે તમે બાજરી કે મકાઈને રોટલો લઈ શકો છો અથવા તો ઘઉંના જાડા લોટની ભાખરી પણ તેની સાથે ખુબ સારી લાગે છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

ઢોકળીનું કાંઠિયાવાડી સ્ટાઈલમાં શાક બનાવવા માટેની વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *