હવે ઘરે જ બનાવો ચણાજોર ગરમ અને તેમાંથી બનતી ચટપટી ચાટ…

અમદાવાદના કોઈ પણ પિકનિક સ્પોટ તે પછી ઔડાનું કોઈ ગાર્ડન હોય કે પછી કોઈ ફન પાર્ક હોય તમને ત્યાં કંઈ નહીં મળે તો ચણાચટપટી વાળો તો ચોક્કસ જોવા મળી જ જશે. દેશી ચણા ચોક્કસ સ્વાસ્થ્ય માટે સારા હોય છે પણ બજારમાં મળતી ચણાચટપટી કે પછી પેકેટમાં મળતા ચણાજોર ગરમને બનાવવાની રીત કેટલી હાઈજેનીક છે તે આપણે નથી જાણતા. તો પછી શા માટે આ ચણાજોર ગરમ જાતે જ બનાવી ઘરે જ ચણાચટપટી ના બનાવીએ ? હા, આજની આ રેસીપી દ્વારા તમે ઘરે જ ચણાજોર ગરમ બનાવો.

ચણા જોર ગરમ બનાવવા માટેની સામગ્રી

ડોઢ કપ દેશી ચણા

1 ડુંગળી જીણી સમારેલી

1 ટામેટુ જીણું સમારેલું

¼ ચમચી સંચળ

¼ ચાટ મસાલો

¼ ચમચી મીઠુ આ ઉપરાંત બાફતી વખતે ચણામાં મીઠુ ઉમેરો તે અલગ

1 લીંબુ

તળવા માટે તેલ

ચણા જોર ગરમ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ ડોઢ કપ દેશી ચણા લેવા તેને એક રાત પાણીમાં પલાળી રાખવા. ત્યાર બાદ તેને બે-ત્રણ પાણી વડે ધોઈ લેવા. દેશી ચણા બે પ્રકારના હોય છે મોટા અને નાના. ખાસ ચાટ બનાવવા માટે મોટા ચણા લેવા. જેથી કરીને ચણા બફાયા બાદ દાબવાથી મોટા બને.

ચણા ધોઈ લીધા બાદ તેને બાફી લેવા. બાફતી વખતે તેમાં મીઠુ ઉમેરવું. અહીં ચણાને બાફવા માટે બે વ્હિસલ વગાડવામાં આવી છે.

મીઠું ઉમેર્તયા બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દેવું. તમારા કૂકર પ્રમાણે સીટી વગાડી શકો છો. પણ ચણા વધારે પડતા બાફી ન નાખવા અને કાચા પણ ન રાખવા. બસ દબાવાથી દબાઈ જાય એટલા બાફવા

હવે ચણા બફાઈ ગયા બાદ કૂકરને બરાબર ઠંડુ થઈ જવા દેવુ. ત્યાર બાદ ચણાને તેમાંથી બહાર કાઢી ચારણીમાં લઈ બધુ પાણી નીતારી દેવું. ત્યાર બાદ તેને અરધો કલાક માટે ઠંડા થવા દેવા. જેથી કરીને તેમાંનું પાણી ચૂંસાઈ જાય.

ચણા ઠંડા થઈ ગયા બાદ ચણાને દબાવવા માટે તમે ચોખ્ખા પ્લેટફોર્મનો અથવા તો ચોપીંગ બોર્ડનો ઉપયોગ કરી શકો છો. અહીં ચોપીંગ બોર્ડ લેવામાં આવ્યું છે. હવે ચણા લેવા અને તમારી પાસે જો ખાઈણી હોય તેના દસ્તાથી ચણાને આ રીતે ચપટા કરતા જવા.

ચણાને પુરા વજનથી દબાવી જ દેવા તેને જાડા પાતળા કરવાની જરૂર નથી.

બજારમાં મળતા ચણાજોર ગરમને મશીનથી ચપટા કરવામાં આવે છે. જો આ રીતમાં ચણા દબાવવામાં વાર લાગતી હોય તો આ રીતે તમારે એક સાથે ચાર-પાંચ ચણા ચોપીંગ બોર્ડ પર મુકવા અને વાટકી જેવું પાત્ર લઈ તેને એક સાથે જ દબાવી દેવા. દબાવવામાં જાડા પાતળા ન થાય તેનું ધ્યાન રાખવું. નહીંતર તળવામાં પ્રોબ્લેમ થાય છે.

અને હજી વધારે પ્રમાણમાં તમારે એક સાથે ચણાને ચપટા કરવા હોય તો ચોપીંગ બોર્ડ પર 20-25 ચણા મુકી દેવા અને તેને થાળી કે પ્લેટ વળે દબાવી લેવા.

સાથે સાથે તેને એક પ્લાસ્ટિક પર બરાબર પાથરતા જવા અને તેને સુકવતા જવા. તેને તેમ જ પાંચ-છ કલાક માટે સુકાવા દેવા.

પાંચ-છ કલાક બાદ ચણા બરાબર સુકાઈ ગયા હશે. અને તે ક્રીસ્પી થઈ ગયા હશે. તેને અડવાથી અવાજ આવશે. આ રીતે તમે ચણાને સ્ટોર કરીને તમને ઇચ્છા થાય ત્યારે તેને તળીને ચાટ બનાવી શકો છો.

હવે તેને તળતા પહેલાં એક મસાલો તૈયાર કરી લેવો તેના માટે અહીં એક વાટકીમાં પા ચમચી મીઠુ પા ચમચી સંચળ, પા ચમચી ચાટ મસાલો અને પા ચમચી લાલ મરચુ ઉમેરી બધું જ હલાવી લેવું. અહીં તમે છોકરાઓ તીખુ ન ખાતા હોય તો મરચુ સ્કીપ કરી શકો છો. મસાલો મિક્સ કરી લીધા બાદ તેને બાજુ પર મુકી દેવો.

હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ આવી જાય એટલે તેમાં ત્રણ ભાગે અથવા તમારા પેનની કેપેસીટી પ્રમાણે ચણા ઉમેરી તેને તળી લેવા. મિડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવી. ધીમો ગેસ ન રાકવો.

માત્ર બે-ત્રણ મિનિટ બાદ તમે જોશો કે ચણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા હશે. હવે તેને તેલમાંથી બહાર કાઢી લેવા. તેમાંથી તેલ બરાબર નિતારી લેવું. અને તેને ટીશ્યુ પેપર પર કાઢી લેવા. જેથી કરીને વધારાનું તેલ સોશાઈ જાય.

હવે બધા જ ચણા તળાઈ ગયા બાદ તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી ચણાજોર ગરમને સરસ રીતે હલાવી લેવા જેથી મસાલો દરેક દાબેલા ચણાને અડી જાય. તો દાબેલા ચણા એટલે કે ચણા જોર ગરમ તૈયાર છે. બહાર પેકેટમાં મળતાં ચણાજોર ગરમ જેવા જ ચણા બનશે.

હવે આ ચણાજોર ગરમને એક બોલમાં લેવા તેમાં 1 જીણી સમારેલી ડુંગળી ઉમેરવી, સાથે સાથે એક ટામેટું પણ જીણું સમારેલુ ઉમેરી દેવું. હવે તેમાં લીંબુ ઉમેરી દેવું. અને જરૂર પડે તો સંચળ પણ ઉમેરી દેવું.

ત્યાર બાદ તેમાં જીણી નાઇલોન સેવ ઉમેરી દેવી. અને તેને બરાબર હલાવી લેવું. આ સિવાય તમે તેમાં કાચી કેરીની સીઝન હોય તો કાચી કેરી પણ ઉમેરી શકો છો. હવે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.

હવે તેમાં ચટણી તરીકે અહીં ટોમેટો કેચપ ઉમેરવામાં આવ્યો છે. પણ તમારા સ્વાદ પ્રમાણે તમે લીલી- લાલ ચટની ઉમેરી શકો છો. ત્યાર બાદ ફરી બધું બરાબર મીક્સ કરી લેવું. હવે તેને ટેસ્ટ કરી લેવું. તેમાં તમને ખટાશ કે પછી ખારાશ ઓછા લાગતા હોય તો તે પ્રમાણે ઉમેરી દેવા. મીઠું ઓછું લાગતું હોય તો મીઠાની જગ્યાએ સંચળ ઉમેરવું તેનાથી સ્વાદ સરસ આવે છે.

તો તૈયાર છે બહાર મળે તેના કરતાં પણ સ્વાદિષ્ટ અને શુદ્ધ ચણા ચટપટી. હવે તેને સર્વ કરવા માટે એક પ્લેટ લેવી. તેમાં ચણાજોર ગરમ ચાટ ઉમેરવો.

હવે તેના પર ગાર્નિશિંગ માટે જીણી સેવ ઉમેરવી. તમે જીણી સમારેલી કોથમીર પણ ઉમેરી શકો છો.

ચણા હેલ્થ માટે ખુબ જ સારા હોય છે, અને આ ચટપટા સ્વાદ વાળા ચણાજોર ગરમ ચાટ તો ઘરના નાના મોટા બધાને ભાવશે જ.

રસોઈની રાણીઃ સીમાબેન

ચણા ચટપટી બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *