લીલી તુવેરનું શાક – હજી પણ માર્કેટમાં સારી તુવેર મળે છે તો આજે જ બનાવો આ મસાલેદાર શાક…

મિત્રો, શિયાળો વિદાય લઇ ચુક્યો છે, છતા પણ હજુ માર્કેટમાં શિયાળુ શાકભાજી આસાનીથી મળી જાય છે. લીલી તુવેર શિયાળામાં મળે છે જે બધાને ખુબ ભાવે છે. તેમાંથી જાત-જાતની વાનગીઓ બનાવી શકાય છે. આજે હું લીલી તુવેરનું મસાલેદાર શાક બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. હજુ પણ તુવેર આસાનીથી મળી રહે છે તો ચોક્કસ આ રીતે શાક બનાવજો. જો આ રીતે શાક બનાવશો તો સ્વાદ દાઢમાં ચોક્કસ રહી જશે. તો લીલી તુવેરની સીઝન પુરી થાય તે પહેલા અચૂક બનાવજો. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો લીલી તુવેરનું શાક.


સામગ્રી :

* 1 કપ લીલા તુવેર દાણા

* 1 મીડીયમ સાઇઝની ડુંગળી

* 2 મીડીયમ સાઈઝના ટમેટા

* 1/2 કપ લીલું અથવા સૂકું લસણ

* થોડી કોથમીર

* અડધો ઇંચ આદુ


* 1 લાલ મરચું

* 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર

* 1/2 ટેબલ સ્પૂન હળદર

* ચપટી રાઈ-જીરું

* ચપટી હિંગ

* મીઠું સ્વાદ અનુસાર

* વઘાર માટે તજ, તમાલપત્ર, બાદિયા અને સૂકું મરચું

* તેલ

તૈયારી :

* આદુ, લાલ મરચું , લસણ અને થોડી કોથમીરની પેસ્ટ બનાવો.થોડી કોથમીર બારીક સમારીને ગાર્નિશિંગ માટે બચાવવી.

* 1/4 કપ તુવેર દાણાને હાફ ક્રશ કરી લો.

* ડુંગળી અને ટમેટાની પેસ્ટ બનાવી લેવી.

રીત :


1) સૌ પ્રથમ એક નાની તપેલીમાં થોડું પાણી ગરમ કરો, પાણી ઉકળે એટલે તેમાં તુવેરના દાણા ઉમેરો. ઢાંકીને બફાઈ જવા દો, વચ્ચે-વચ્ચે ચેક કરતા રહેવું. દાણાને પ્રેસ કરીને ચેક કરવું, દાણા સોફ્ટ થાય ત્યાં સુધી બાફવા.


2) સીઝનિંગ માટે કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લો. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરું, તજ, તમાલપત્ર, બાદિયા અને સૂકું મરચું નાખો. રાયદાણા તતડી જાય પછી તેમાં હિંગ અને આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી એકાદ મિનિટ સુધી સાંતળો. કાઠિયાવાડી શાક ખુબજ ચટાકેદાર હોય છે તેમાં લસણનો ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે. લીલું લસણ તુવેરના શાકને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે માટે મેં લીલું લસણ યુઝ કરેલ છે. સૂકું લસણ પણ લઇ શકાય તેમજ લીલું અને સૂકું બંને સાથે પણ લઇ શકાય.


3) હવે તેમાં હાફ ક્રશ કરેલા તુવેરના દાણા, લાલ મરચું પાવડર, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.


4) ત્યારબાદ તેમાં ડુંગળી અને ટમેટાની પેસ્ટ ઉમેરી મિક્સ કરો અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ્સ માટે ચડવા દો, વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.


5) 5 મિનિટ્સ પછી તેલ છૂટું પડતું દેખાશે, મતલબ ગ્રેવી બરાબર ચડી ગઈ છે તેમાં બાફેલા તુવેરના દાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકીને 2 મિનિટ્સ માટે ચડવા દો જેથી તુવેરના દાણામાં મસાલા તેમજ ગ્રેવીનો સ્વાદ ચડી જાય.


6) તો તૈયાર છે તુવેરનું મસાલેદાર શાક, જેને કોથમીરથી ગાર્નિશ કરી રોટલી, પુરી કે પછી બાજરીના રોટલા સાથે સર્વ કરો.

આ શાકમાં લીલું-લસણ ભરપૂર માત્રામાં હોવાથી બાજરીના રોટલા સાથે ખાવાની મજા પડશે.

જો શાક થોડું રસાવાળું પસંદ હોયતો, તુવેર દાણા બાફીને જે પાણી નીકળે તે થોડું નાખી શકાય.

આપણે કોથમીરને ક્રશ કરીને નાખેલ છે જે આ શાકને સ્વાદિષ્ટ અને યુનિક બનાવે છે.

તો જરૂર ટ્રાય કરજો લીલી તુવેરનું મસાલેદાર શાક, સૌ આંગળા ચાટતા રહી જશો.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *