મેંગો કોકોનટ લાડુ – ટેસ્ટી અને હેલ્ધી મેંગો કોકોનટ લાડુ તમે ક્યારે બનાવશો…

મિત્રો, અત્યારે ફળોના રાજા કેરીની સીઝન છે અને માર્કેટમાં સરસ મજાની પાકી કેરીઓ આવી ગઈ છે. પાકી કેરીની ઘણીબધી વરાઈટીઓ તમે બનાવતા પણ હશો પરંતુ ક્યારેય કેરીનો રસ યુઝ કરી કોકોનટ લાડું બનાવ્યા છે?

મિત્રો, આ લાડુ ખુબ જ ટેસ્ટી બને છે તો જો તમે ના ખાધા હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો તમને પણ ચોક્કસ પસંદ આવશે અને બાળકોને તો ખુબ ભાવશે. તો ચાલો બતાવી દઉં મેંગો કોકોનટ લાડું હું કઈ રીતે બનાવું છું.

સામગ્રી :

v 1 કપ પાકી કેરીનો રસ

v 1 કપ કોપરાનું ઝીણું ખમણ

v 1/2 કપ દૂધ

v 1/2 કપ દૂધ મલાઈ

v 1/2 કપ ખાંડ

v 1 ટેબલ સ્પૂન ઘી

v ચપટી ઈલાયચી પાવડર

v થોડા ડ્રાય-ફ્રૂટ્સ

રીત :

1) સૌ પ્રથમ આપણે કોપરાને હળવું શેકી લઈશું, તે માટે કડાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી લઈ કોપરાને સતત હલાવતા રહી શેકી લો. કોપરું કડાઈમાં બેસી ન જાય તેનું ધ્યાન રાખવું તેમજ સ્ટવની આંચ સ્લો રાખી કોપરાને ઘી સાથે એકાદ મિનિટ માટે હળવું એવું જ શેકવાનું છે.

2) કોપરું શેકાઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી સેઈમ કડાઈમાં દૂધ લો, સાથે મલાઈ એડ કરી મિક્સ કરી લો અને હલાવતા રહી દૂધ ને ગરમ થવા દો. સ્ટવની આંચ થોડીવાર માટે ફાસ્ટ કરી લો.

3) દૂધ બરાબર ગરમ થાય અને ઉભરો આવે એટલે ખાંડ ઉમેરી દો. બરાબર મિક્સ કરો અને થોડીવાર માટે ઉકાળો જેથી દૂધ ઘટ્ટ થાય. દૂધ ઉકળતા કડાઈની સાઈડમાં જે મલાઈ બને તેને તાવીથાની મદદથી અંદર લઇ લેવી આ મલાઈથી લાડુમાં સરસ ટેસ્ટ આવશે.

4) દૂધ બળીને ઘટ્ટ થાય તેમજ દૂધમાં બબલ્સ થવા માંડે એટલે તેમાં કેરીનો રસ ઉમેરી દો. કેસર કેરી એ કેરીમાં સૌથી સ્વાદિષ્ટ જાત છે તો બને તો કેસર કેરીનો રસ એડ કરજો જેથી લાડુ વધુ ટેસ્ટી બને. કેરીનો રસ એડ કરી બરાબર મિક્સ કરી લો.

5) કેરીનો રસ મિક્સ કરી થોડા કેસરના તાંતણા ઉમેરી દો, કેસર એ ઓપ્શનલ છે પણ કેસર ઉમેરવાથી ફ્લેવર આવશે. બરાબર મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ તેમજ ફ્લફી થાય ત્યાં સુધી મીડીયમ ફ્લેમ રાખી ઉકાળો.

6) મિશ્રણ ઘટ્ટ થાય તેમજ બબલ્સ થવા માંડે એટલે કોપરાનું ખમણ ઉમેરી દો અને ફરી ચડવા દો.

7) મિશ્રણમાંથી તેલ છૂટું પડે એટલે ઈલાયચી પાવડર ઉમેરી દો તેમજ થોડું મિશ્રણ લઈ લાડુ વાળી જુઓ, જો લાડું વાળી શકાય તો સ્ટવની ફ્લેમ ઑફ કરી દો નહીતો લાડુ વળે તેવી કન્સીસ્ટન્સી બને ત્યાંસુધી ચડવા દો.

8) લાડુ વળે તેવી કન્સીસ્ટન્સી બને એટલે સ્ટવ ઓફ કરી મિશ્રણને હાથથી અડી શકાય તેટલું ઠંડુ થવા દો અને પછી નાના નાના લાડુ વાળી લો. લાડુ વાળી સૂકા કોપરાના છીણમાં રોલ પણ કરી શકાય. તેમજ મનપસંદ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી શકાય.

9) તો તૈયાર છે આ ટેસ્ટી અને હેલ્ધી મેંગો કોકોનટ લાડુ તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને બનાવતા પહેલા રેસિપીનો વિડીયો જોઈ લેજો જેથી લાડુ પરફેક્ટ બનાવી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

રેસિપી વિડીયો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *