મટર પનીર (ડુંગળી, લસણ વિના) – બધાને ભાવતું આ શાક હવે તૈયાર થઇ જશે થોડી જ મિનીટમાં…

હોટેલ માં લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક મટર પનીર ખાધું જ હશે અને વળી પનીર તો લગભગ બધા ને જ ભાવતું હોય છે. પણ દર વખતે લાંબી પ્રોસેસ થી ગ્રેવી બનાવી ને શાક બનાવું નથી ગમતું.

તો આજે હું લાવી છું, એક એવું પનીર નું શાક જે ઝાટપટ 20 મિનિટ માં તૈયાર થઈ જશે અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે. વળી , આ રેસિપી માં મેં ડુંગળી , લસણ નો ઉપયોગ નથી કર્યો. જોકે આપ ચાહો તો ઉમેરી શકો.

સામગ્રી ::

• 250 gm તાજું પનીર

• એક મોટા વાડકા જેટલા લીલા વટાણા

• 3 ચમચી ઘી અને 3 ચમચી તેલ

• 1 તજ પત્તુ

• 2 લવિંગ

• 2 ઈલાયચી

• 1 મોટો ટુકડો તજ

• 4 થી 5 લાલ ટામેટા

• 1 લીલું મરચું

• 1 ચમચી આદુ પેસ્ટ

• 2 લાલ મરચું

• હળદર

• ધાણાજીરું

• પોણી ચમચી ગરમ મસાલો

• 1 મોટી ચમચી સૂકી મેથી

• 1/4 વાડકો ફ્રેશ ક્રીમ

રીત ::

સૌ પ્રથમ ટામેટા ને બ્લાન્ચ કરીશું. બ્લાન્ચ કરવા માટે પોહળા તપેલા માં પાણી ગરમ કરો.. પાણી જ્યારે ઉકાળવા માંડે ત્યારે ટામેટા ઉમેરો. ઉમેરતા પહેલા ટામેટા પર આડો અને ઉભો કાપો કરો, ફોટો માં બતાવ્યા મુજબ.

આમ કરવા થી ટામેટા ની છાલ સરસ રીતે ઉતારી શકાશે. ટામેટા ઉમેર્યા બાદ 1 મિનિટ માટે ઉકાળો , ત્યારબાદ ટામેટા ને બહાર કાઢી સંપૂર્ણ ઠરવા દો.

ત્યારબાદ ટામેટા ની છાલ ઉતારી લો. ટામેટા ના નાના ટુકડા કરી એકદમ સ્મૂધ ક્રશ કરી લો..

ધ્યાન રહે ટામેટા ના ટુકડા રહી ન જાય. કડાય માં ઘી અને તેલ ગરમ કરો . પનીર ના નાના ટુકડા કરી શેલો ફ્રાય કરો. આ સ્ટેપ પુરી રીતે optional છે. આપ ચાહો તો સીધા પનીર ના ટુકડા પણ શાક માં ઉમેરી શકાય.

હવે એજ કડાય માં ગરમ ઘી +તેલ માં તજ પત્તુ , લવિંગ , તજ અને ઈલાયચી ઉમેરો..

બધું બરાબર શેકાય જાય એટલે ટામેટા ની ગ્રેવી ઉમેરો. જો ગ્રેવી માં ટામેટા ના બીજ લાગતા હોય તો ગાળી ને ઉમેરવી.. ત્યારબાદ એમાં આદુ ની પેસ્ટ અને લીલુ મરચું ઉમેરવું. સરસ મિક્સ કરી , મધ્યમ આંચ પર શેકો .

તેલ છૂટું પડે ત્યારે એમાં બધા મસાલા – લાલ મરચું , હળદર ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો.

એકાદ મિનિટ શેકયા બાદ, પનીર ના ટુકડા અને લીલા વટાણા ઉમેરો. મેં અહીં ફ્રોઝન વટાણા ઉમેર્યા છે. જો આપ તાજા વટાણા ઉમેરો તો અધકચરા બાફી ને ઉમેરવા.. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરો. કડાય ઢાંકી ને ધીમા તાપે 5 થી 8 મીનીટ પકાવો.

ત્યારબાદ એમાં સૂકી મેથી હાથ થી ક્રશ કરી ઉમેરો.

છેલ્લે એમાં ફ્રેશ ક્રીમ / મલાઈ ઉમેરો. આ સ્ટેપ optional છે. ક્રીમ કે મલાઈ ઉમેર્યા વિના પણ આપ આ શાક બનાવી શકાય.

ગરમ ગરમ પીરસો. રોટી , પરાઠા , નાન સાથે આ સ્વાદિષ્ટ મટર પનીર પીરસી શકાય..

નોંધઃ

• ફ્રેશ ક્રીમ ના બદલે દૂધ ની મલાઈ પણ ચાલે.

• મસાલા નું પ્રમાણ આપના ટેસ્ટ પર રાખવું.

• જે મિત્રો આદુ નથી વાપરતા , તેઓ સૂંઠ નો ભૂકો ઉમેરી શકે. આ માપ પ્રમાણે 1 નાની ચમચી સૂંઠ નો ભૂકો ઉમેરવો.

• ફ્રોઝન વટાણા વાપરો તો સીધા શાક માં ઉમેરવા . અને જો તાજા વટાણા વાપરો તો મીઠા સાથે અધકચરા બાફી ને ઉમેરવા..

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *