મેથી સોજી પરોઠા – સવારના નાસ્તામાં ચા કે ચટણી, સોસ અને દહીં સાથે લઈ શકાય.

મેથી સોજી પરોઠા :

સામાન્ય રીતે આપણે બધા ઘઊં કે મેંદાના લોટમાંથી પરોઠા બનાવતા હોઇએ છીએ. સાદા, મસાલા વાળા કે વેજીટેબલના સ્ટફીંગવાળા કે પનીર, ચીઝ, આલુ- ઓનિયનના સ્ટફીંગવાળા પરોઠા પણ ઘરના રસોડે વારંવાર બનતા હોય છે. આજે હું અહીં સોજી-મેથીના કોમ્બીનેશન વાળા પરોઠાની રીત આપી રહી છું.

સાદા ઘઊં કે મેંદાના લોટમાંથી બનતા પરોઠા અને સોજીમાંથી બનતા પરોઠાનો લોટ બાંધવાની રીત અલગ અલગ હોય છે. ઘઊં કે મેંદાના લોટમાંથી લોટ બાંધતી વખતે તેમાં ઉપરથી જરુર મુજબ સાદું પાણી ઉમેરીને લોટ બાંધવામાં આવતો હોય છે. જ્યારે સોજીમાંથી પરોઠાનો લોટ બાંધવામાં આવે ત્યારે જરુર મુજબના પ્રમાણનું પાણી લઈ મસાલા ઉમેરી ઉકાળી પછી તેમાં સોજી ઉમેરી લોટ બાંધવામાં આવે છે. આ પરોઠા ખૂબજ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે. ઘરના નાના મોટા બધાને ખૂબજ ભાવશે.

બાળકોને નાસ્તા બોક્ષમાં પણ આપી શકાય છે. સવારના નાસ્તામાં ચા કે ચટણી, સોસ અને દહીં સાથે લઈ શકાય. ડીનરમાં તમારી મનપસંદ સબ્જી સાથે સર્વ કરી શકાય. ટ્રાવેલિંગમાં અથાણા સાથે ખાઈ શકાય.

ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી બની જતા ખૂબજ ટેસ્ટી મેથી-સોજી પરોઠાની રેસિપિ આજે હું અહીં આપ સૌ માટે આપી રહી છું, તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરી તમારા ઘરના રસોડે ચોક્કસથી બનાવજો.

મેથી સોજી પરોઠા બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ જીણી સોજી
  • 1 ટી સ્પુન કોર્નફ્લોર
  • 1 ટેબલ સ્પુન કસુરી મેથી
  • 2-3 ટેબલ સ્પુન ઓઇલ
  • ½ ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન અજમા
  • 1 ટેબલ સ્પુન લસણ-મરચાની પેસ્ટ
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • પિંચ હિંગ
  • 2 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ
  • સૂકો લોટ – અટામણ માટે – મેંદો કે ઘઊંનો લોટ
  • ઓઇલ જરુર મુજબ

મેથી-સોજી પરોઠા બનાવવા માટેની રીત :

ડો બનાવવા માટે ની રીત:

એક મોટા વાસણમાં કે પેનમાં 1 કપ પાણી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરો. તેમાં સાથે ½ ટી સ્પુન અજમા અને પિંચ હિંગ ઉમેરી મિક્ષ કરો. હવે પાણીને ઉકળવા દ્યો.

હવે 1 ¼ કપ સોજી અને 1 ટી સ્પુન કોર્નફ્લોર લઈને તેને મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ ફ્લૈમ સ્લો કરી ઉકળતા પાણીમાં તેને ઉમેરો. તવેથા વડે તેને મિક્ષ કરી લ્યો. મિક્ષ થઈ જાય એટલે ફ્લૈમ ઓફ કરીને, ફ્લૈમથી નીચે ઉતારી તેને 10-15 મિનિટ ઢાંકી રાખો. જેથી સોજી બરાબર ફુલી જાય.

15 મિનિટ બાદ તેને મોટા વાસણમાં ટ્રાંસફર કરી લ્યો, જેથી સારી રીતે મસળી શકાય.

હવે તેમાં 1 ટેબલ સ્પુન કસુરી મેથી, 1 ટેબલ સ્પુન લસણ- મરચાની પેસ્ટ અને ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ઉમેરો. બધું મિક્ષ કરી બરાબર મસળીને તેનો સોફ્ટ લોટ બાંધી લ્યો. 10 મિનિટ રેસ્ટ આપો એટલે મસાલા બરાબર તેમાં ભળી જાય.

ત્યારબાદ જો બાંધેલો લોટ જરા ઢીલો લાગે તો તેમાં 2 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્બ્સ ઉમેરી ફરીથી મસળી હથેળીમાં થોડું ઓઇલ લગાડી લોટ બાંધી લ્યો. બ્રેડ ક્રમ્બ્સ ઉમેરવાથી ટેસ્ટમાં પણ પરોઠા વધારે સ્વાદિષ્ટ બનશે. હવે મેથી-સોજી પરોઠા બનાવવા માટે લોટ બંધાઈને રેડી છે.

હવે આ બાંધેલા લોટમાંથી એકસરખા 6-7 લુવા બનાવી લ્યો. હવે મેંદાનો કે રોટલીનો સુકો લોટ અટામણ માટે લઈ તે લોટ્માં એક લુવુ રગદોળી લ્યો.

હવે રોલીંગ બોર્ડ પર મૂકી જાડી-મોટી પુરી જેવું વણી લ્યો. ત્યારબાદ આ મોટી પુરીને બન્ને બાજુ લોટનું અટામણ લગાડી વચ્ચેથી બેંડ કરી ડબલ કરી લ્યો. ( પીકચરમાં બતાવ્યા પ્રમાણે ).

ડબલ કરયા પછી ફરીથી ડબલ કરી ત્રિકોણ શેઇપ બનાવી લ્યો. ( પીકચરમાં બતાવ્યા પ્રમાણે ).

હવે રોલિંગ પીન વડે તેનું તમારી મનપસંદ સાઈઝનું ત્રિકોણ શેઈપનું મેથી સોજી પરોઠું બનાવી લ્યો.

આ પ્રમાણે બધા ત્રિકોણ પરોઠા બનાવે લેવા. હવે મેથી –સોજી પરોઠા વણાઇને ઓઇલમાં શેકવા માટે રેડી છે.

હવે તવાને મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકી થોડાં ઓઇલથી તવો ગ્રીસ કરો. તવો ગરમ થાય એટલે તેમાં પરોઠું મૂકો. નીચેની સાઈડ થોડા ગોલ્ડન બ્રાઉન સ્પોટ થાય એટલે તેને ફ્લીપ કરી લ્યો. તેના પર થોડું ઓઇલ લગાવી લ્યો.

ફ્લીપ કરેલી બાજુ પણ મેશરથી પ્રેસ કરી, થોડી ગોલ્ડન બ્રાઉન કલરની ડીઝાઇન પડે એ રીતે શેકી, શેકાઈ જાય એટલે ફરી ફ્લીપ કરી લ્યો. તેના પર પણ ઓઇલ લગાવી લ્યો.

હવે એજ પ્રમાણે નીચેની ઓઇલ લગાડેલી બાજુ પર પણ બરાબર ગોલ્ડન બ્રાઉન કલરની ડીઝાઇન પડી શેકાઈ જાય એટલે ફરી ફ્લીપ કરી ઓઇલ લગાડેલી બાજુ ફ્લીપ કરી લ્યો. એ બાજૂ પર પણ બરાબર શેકી લ્યો. આમ બન્ન્ને બાજુ બરાબર શેકાઈને મેથી સોજી પરોઠું રેડી થઈ જાય એટલે એક પ્લેટમાં ટ્રાંસફર કરો. આ રીતે બાકીના બધા જ ત્રીકોણ મેથી –સોજી પરોઠા ગોલ્ડન બ્રાઉન શેકી લ્યો. ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

ઉપરથી ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ હેલ્ધી પરોઠા બધાને ખૂબજ ભાવશે.. ગરમા ગરમ મેથી-સોજી પરોઠા મસાલા દહીં, બટર, ગ્રીન ચટણી, અથાણું કે ચા સાથે પણ ખૂબજ ટેસ્ટી લાગશે. તમારી મનપસંદ સબ્જી સાથે પણ સર્વ કરી શકાય છે. તો તમે પણ ચોક્કસથી આ મેથી –સોજી પરોઠા બનાવજો અને ટેસ્ટ કરજો અને કરાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *