અમદાવાદ-બરોડા-સુરત-રાજકોટ એમ સમગ્ર ગુજરાતમાં ભરપૂર ચોમાસુ ચાલી રહ્યું છે તો બનાવો સાત શાકના મિક્સ વેજ ક્રીસ્પી-ક્રન્ચી મિક્સ વેજ ભજિયા

ચોમાસામાં આપણે કંઈ કેટલીએ જાતના ભજીયા ખાતા હોઈએ છીએ પણ મિક્સ વેજ ભજીયા ક્યારેય ટ્રાય કર્યા છે. તમને થતું હશે મિક્સ વેજ પુલાઉ સાંભળ્યું છે, મિક્સ વેજ સબ્જી સાંભળી છે, મિક્સ વેજ સેન્ડવીચ સાંભળી છે પણ આ મિક્સ વેજ ભજીયા વળી શું છે. આ મિક્સવેજ ક્રીસ્પી ક્રંન્ચી ભજીયા જો તમે એકવાર બનાવ્યા તો પછી વારંવાર બનાવતા રહેશો.

મિક્સ વેજ ક્રીસ્પી ક્રન્ચી ભજીયા બનાવવા માટેની સામગ્રી

1 કેપ્સીકમ

100 ગ્રામ ફણસી

1 મિડિયમ સાઇઝની અમેરિકન મકાઈ

1 મિડિયમ ગાજર

1 મિડિયમ ડુંગળી

25 ગ્રામ કોથમીર

100 ગ્રામ પાલક

તીખાશ પ્રમાણે લીલા મરચા

પોણી વાટકી ચણાનો લોટ

ચપટી સોડા

½ નાની ચમચી હળદર

1 નાની ચમચી ધાણાજીરુ

½ નાની ચમચી હીંગ

સ્વાદપ્રમાણે મીઠુ

ચપટી ખાવાનો સોડા

અરધું લીંબુ

મિક્સ વેજ ક્રીસ્પી ક્રન્ચી ભજીયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ તો પાલકને બરાબર ચૂંટી લેવી તેને ધોઈ લેવી અને તેના જીણા ટુકડા સમારી લેવા. તેની સાથે સાથે જ કોથમીરને પણ જીણી સમારી લેવી. આ બધી જ સમાગ્રીને એક બોલમાં ભેગા કરતાં જવું.

હવે ગાજરને જીણું નથી સમારવાનું પણ તેને જીણું છીણી લેવાનું છે. અને સાથે સાથે કેપ્સીકમને પણ જીણું સમારી લેવું. તેને પણ પાલક કોથમીરવાળા બોલમાં મુકી દેવા.

હવે ફણસીને પણ ગોળ ગોળ જીણી સમારી લેવી અને મકાઈને બાફ્યા વગર જ અહીં તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે છરીથી સમારી લેવી. મકાઈને જીણી સમારી લેવી જેથી કરીને તમારે તેને ક્રશ કરવી ન પડે. તમે બે લેયરમાં મકાઈને કાપી શકો છો.

હવે ડુંગળીને જીણી નથી સમારવાની પણ તેની બધી રીંગ છુટ્ટી કરી દેવી એટલે કે તેને ગોળગોળ કાપીને તેમાંથી રીંગ છુટ્ટી કરી લેવી તેને પણ બીજી સબ્જીઓ સાથે ઉમેરી દેવી. અને સાથે સાથે તમને જેટલું તીખું જોઈતું હોય તે પ્રમાણે તેમાં લીલા મરચા પણ જીણા સમારીને ઉમેરી દેવા.

હવે તમે જોશો તો આ બધી જ સબ્જીનું પ્રમાણ લગભગ એક કપ જેટલું થયું હશે હવે તે સબ્જીઓને એક મોટો બોલમાં લઈ લેવી અને તે કપમાં પોણો ભાગ ચણાનો લોટ ઉમેરવો.

હવે ચણાના લોટને પણ મોટા બોલમાં જે બધા વેજિટેબલ્સ મુક્યા છે તેમાં ઉમેરી દેવો હવે તેમાં મસાલામાં ½ નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણાજીરુ, ½ નાની ચમચી હીંગ, સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવા.

હવે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરવાનો. અહીં ખાવાનો સોડા ન ઉમેરો તો પણ ચાલે પણ અહીં ઉમેરવામાં આવ્યો છે.

હવે ચપટી ખાવાનો સોડા ઉમેર્યા બાદ તેને એક્ટિવેટ કરવા માટે તેના પર અરધા લીંબુને રસ નીચોવી લેવો. હવે બધી જ સામગ્રીને બરાબર હલાવી લેવી.

બધી જ સામગ્રીને બરાબર હલાવી લેવી તે પહેલાં તેમાં પાણી ન ઉમેરવું અને અહીં પાણીને ખુબ જ ઓછી જરૂર પડશે.

હવે બધી જ સમાગ્રી મિક્સ થઈ જાય એટલે તેમાં ધીમે ધીમે કરતાં થોડું થોડું પાણી ઉમેરતા જવું અને ભજીયા પડે તે પ્રકારની કન્સીસ્ટન્સી વાળુ ખીરુ તૈયાર કરવું.

ધીમે ધીમે પાણી એડ કરવાથી તમને ભજીયા માટેની યોગ્ય થીકનેસ મળી જશે. ભજીયાનું ખીરુ તૈયાર કરો તે દરમિયાન તમારે ગેસ પર તેલ પણ ગરમ કરવા મુકી દેવું.

હવે તેલ ગરમ થઈ ગયા બાદ ભજીયા પાડવા માટે તમારે ભજીયાને ગોળ નથી બનાવવાના એટલે કે તમે જેમ દાળવડા કે દહીંવડાના વડા બનાવો તેમ ગોળ ખીરુ નથી પાડવાનું પણ ચપટુ ખીરુ પાડવાનું છે એટલે કે સીક્કા જેવું ખીરુ પાડવાનું છે ખીરાને વચ્ચેથી દબાવીને તેવા ભજીયા તમારે તેલમાં પાડવા.

આમ કરવાથી ભજીયા વચ્ચેથી કાચ્ચા નહીં રહી જાય પણ સરસમજાના ક્રીસ્પી થશે. ભજીયાને અહીં મિડિયમ તાપ પર જ તળાવા દેવાના છે. એક મીનીટ થાય એટલે ભજીયાને ઉથલાવી લેવા.

આમ ત્રણથી ચાર મિનિટ માટે ભજીયાને બરાબર તળાવા દેવા. ભજીયા ગોલ્ડન રંગના થાય એટલે તેને તેલમાંથી બહાર કાઢી લેવા. તમે જોશો તો ભજીયા સરસમજાના અંદરથી પણ તળાઈ ગયા હશે.

તો તૈયાર છે મિક્સ વેજ ક્રીસ્પી-ક્રન્ચી ભજીયા. અહીં સાત શાક લેવામાં આવ્યા છે તમે અહીં મેથી પણ ઉમેરી શકો છો. આ ભજીયાને અહીં ખજૂરની ચટની સાથે સર્વ કરવામાં આવ્યા છે તમે તેને સોસ કે અથાણા તેમજ કેરીના રસ સાથે પણ ખાઈ શકો છો

રસોઈની રાણીઃ નીધી પટેલ

સાત શાકના મિક્સ વેજ ક્રીસ્પી-ક્રન્ચી ભજીયા બનાવવા માટે વિગતવાર વિડિયો


Leave a comment

Your email address will not be published. Required fields are marked *