મોદક – ઘઊંના લોટમાંથી બનતા ટ્રેડીશનલ મોદક (લાડુ) ગણપતિ બાપ્પાને જરૂર ધરાવજો..

મોદક

ખૂબજ પોપ્યુલર એવી ટ્રેડીશનલ સ્વીટ એટલે મોદક – લાડુ…ખાસ તો પરંપરા ગત રીતે ભુદેવોને ભોજન કરાવવા માટે સ્વીટ તરીકે મોદક બનાવવામાં આવતા હોય છે. કેમેકે એવું કહેવાય છે કે ભુદેવોને મોદક વધારે પ્રિય હોય છે. ઉપરાંત નાના મોટા પ્રસંગો એ પણ જમણ માં મોદક પીરસવામાં આવતા હોય છે.

ખાસ ગણેશ ચતુર્થીમાં ગણેશજીને પ્રસાદમાં મોદક ધરાવવામાં આવતા હોય છે. મોદક એક હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ છે. ટ્રેડીશનલ મોદક બનાવવા માટે મુખ્યત્વે ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સોજીના મોદક, માવાના મોદક, ચણાના લોટના, ડ્રાય ફ્રુટ – ખજુર –અંજીર….વગેરેમાંથી બનાવવામાં આવતા હોય છે. ડ્રાય ફ્રુટ અને માવાના મોદક ફરાળમાં લઈ શકાય છે.

અહીં હું આપ સૌ માટે ઘઊંના લોટમાંથી બનતા મોદકની રેસિપિ આપી રહી છું. જેમાં સોજી અને થોડા પ્રમાણમાં બેસનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી મોદક સ્વાદમાં વધારે સ્વાદિષ્ટ બને છે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને મોદક ચોક્કસથી બનાવજો.

મોદક બનાવવા માટેની સામગ્રી :

 • 1 ½ કપ ભાખરીનો લોટ
 • ½ કપ રવો
 • ¼ કપ બેસન
 • 4 ટેબલ સ્પુન જામેલું દેશી ઘી – મોણ માટે
 • હુફાળું ગરમ પાણી લોટ બાંધવા માટે – જરુર મુજબ ( ¾ કપ લગભગ )
 • 2 ટેબલ સ્પુન કાજુના ટુકડા
 • 25-30 કીશમીશ
 • 1 ટી સ્પુન ખસખસ
 • 1 ટેબલ સ્પુન કોપરાનું જીણુ ખમણ
 • 1 ટી સ્પુન એલચી પાવડર
 • 1 કપ ગોળ
 • 4 ટેબલ સ્પુન સુગર પાવડર
 • મુઠિયા ડીપ ફ્રાય કરવા માટે ઘી અથવા ઓઇલ
 • 4 થે 5 ટેબલ સ્પુન ઘી ગોળને મેલ્ટ કરવા માટે

મોદક બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ એક મિક્ષિંગ બાઉલમાં 1 ½ કપ ભાખરીનો લોટ, ½ કપ રવો અને ¼ કપ બેસન ઉમેરી ને મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 4 ટેબલ સ્પુન જામેલું દેશી ઘી ઉમેરી મિક્ષ કરી લ્યો. (અથવા લોટનો કલર ચેંજ થાય એટલું ઘી ઉમરી મિક્ષ કરો. અથવા મૂઠી પડતું ઘીનું મોણ લોટના મિશ્રણમાં મિક્ષ કરો).

હવે એક પેનમાં પાણી હુંફાળું ગરમ કરીને તેનાથી મોદકનો લોટ બાંધો.

લોટ બાંધતી વખતે તેમાં થોડું – થોડું હુંફળું ગરમ પાણી ઉમેરીને ટાઇટ લોટ બાંધો.

ત્યારબાદ બાંધેલા લોટમાંથી થોડો લોટ લઈ તેના ટાઈટ મુઠિયા બનાવો અને આંગળીઓથી પ્રેસ કરી મુઠિયાને થોડા દબાવી દ્યો. જેથી બરાબર અંદર સુધી કૂક થઈ જાય. તમારી મન પસંદ સાઇઝના નાના- મોટા મુઠીયા બનાવી શકો છો. આ પ્રમાણે બધા મુઠિયા બનાવી લ્યો. આ બાંધેલા લોટમાંથી મોટી સાઈઝના 7 મુઠિયા બનશે.

હવે એક લોયામાં મુઠિયા ડીપ ફ્રાય કરવા માટે ઘી અથવા ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ( બે માંથી ગમે તે લઈ શકાય).

ઓઇલ બરાબર ડીપ ફ્રાય કરવા જેવું ગરમ થઈ જાય એટલે ફ્લૈમ મિડિયમ સ્લો રાખી તેમાં મુઠિયા ડીપ ફ્રાય કરો.

તમે ફ્રાય કરવા માટે મૂકેલા ઓઇલ કે ઘીના લોયામાં સમાય તે પ્રમાણે 3-4 મૂઠિયા ઉમેરી ડીપ ફ્રાય કરો. વધારે ઉમેરવાથી બરાબર ફ્રાય નહી થાય. મુઠિયા એક બાજુ ફ્રાય થઈને ક્રીસ્પી ગોલ્ડન બ્રાઉન થાય, એટલે તેને બીજી બાજુ પલટાવીને ફ્રાય કરો. એ બાજુ પણ બરાબર કૂક થઈને ક્રીસ્પી અને ગોલ્ડ્ન બ્રાઉન થઈ જાય એટલે ઓઇલ કે ઘીમાંથી જારામાં લઈ નિતારીને પ્લેટ કે મોટા બાઊલમાં ટ્રાંસફર કરો.

હવે ફ્રાય કરેલા બધા મુઠિયાને મોટા ટુકડામાં ભાંગી લ્યો.

ત્યારબાદ થોડા થોડા ટુક્ડા ગ્રાઇન્ડર જારમાં ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી ભૂકો કરી લ્યો. આ પ્રમાણે બધા મુઠિયાને વારફરતી ગ્રાઈન્ડ કરી ભૂકો એક મોટા મિક્ષિંગ બાઉલમાં કાઢી લ્યો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન કાજુના ટુકડા, 25-30 કીશમીશ, 1 ટેબલ સ્પુન કોપરાનું જીણુ ખમણ, 1 ટી સ્પુન એલચી પાવડર અને 4 ટેબલ સ્પુન સુગર પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ લોયામાં 4-5 ટેબલ સ્પુન ગરમ મૂકી ઘી મૂકી તેમાં 1 કપ ગોળ ઉમેરી, સ્લો ફ્લૈમ પર રાખી મિક્ષ કરો. સતત હલાવતા રહો.

ગોળ બરાબર મેલ્ટ થાય એટલે ઘી સાથે સ્પુનથી બરાબર મિક્ષ કરી ગ્રાઇંડ કરેલા લોટના મિશ્રણમાં પોર કરી દ્યો.

ગરમ હોવાથી સ્પુન વડે મિક્ષ કરો. થોડી વાર બધું મિશ્રણ ભેગું કરીને દબાવી દ્યો. જરા ઠરે એટલે મોદકના મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ તેમાંથી તમારી મન ગમતી સાઇઝના મોદક વાળો. આ પ્રમાણે ઘીથી લચપચતા બધા મોદક બનાવી લ્યો. ( મોદકના મોલ્ડનો ઉપયોગ કરીને પણ મોદકબનાવી શકાય છે).

હવે મોદક ગરમ હોય ત્યારેજ તેના પર થોડા ખસખસ લગાવી લ્યો. સાથે કાજુ અને કોપરાથી ગાર્નીશ કરો.

ગણેશજીને પ્રસાદમાં ધરાવો. અથવા ઘરે આવેલા મહેમાનોને ભોજનમાં સર્વ કરો.

આ હેલ્ધી અને ટેસ્ટી મોદક નાના મોટા બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *