મોઢામાં મુકતાં જ ઓગળી જાય તેવા મીક્ષ દાળના સ્પોન્જી દહીંવડા…

મોઢામાં મુકતાં જ ઓગળી જાય તેવા મીક્ષ દાળના સ્પોન્જી દહીંવડા

મીત્રો તમે દહીંવડા અવારનવાર ખાતા જ હશો ક્યારેક ઘરે બનાવીને તો ક્યારેક બહાર ચાટવાળાની દુકાન પર. પણ તે હંમેશા અડદની દાળના હોય છે.

પણ આજે અમે તમને મીક્ષ દાળના દહીંવડા બનાવવાની રેસીપી શીખવવા જઈ રહ્યા છે. જે સ્વાદીષ્ટ તો છે જ પણ એટલા નરમ અને મોઢામાં ઓગળી જાય તેવા સોફ્ટ બને છે કે તમે ખાતા જ રહી જશો.

તો ચાલો બનાવીએ મીક્ષ દાળના સ્પોન્જી દહીંવડા

સામગ્રી

1 વાટકી અડદની દાળ

¼ વાટકી મગની મોગર (ફોતરા વગરની મગની દાળ)

¼ વાટકી ચોળાની દાળ

સ્વાદ અનુસાર મીઠું

50 ગ્રામ ખાંડ

આઇસ ક્યૂબ

જીણા સમારેલા મરચા 1 ટેબલસ્પૂન

જીણું સમારેલું આદુ 1 ટેબલસ્પૂન

500 ગ્રામ પાણી વગરનું મલાઈદાર જાડું દહીં

બનાવવાની રીત :


ઉપર સામગ્રીમાં જણાવેલી ત્રણે દાળને મીક્ષ કરવી અને તેને બેથી ત્રણવાર પાણીમાં ધોઈ લેવી.


ત્યાર બાદ તેને બે-થી ત્રણ કલાક પલળવા દેવી. દાળ પલળીને નરમ થઈ ગયા બાદ તેને ઠંડા પાણીએ ફરી બે-ત્રણ વાર ધોઈ લેવી.


દાળને મીક્ષરમાં દળવાથી મોટે ભાગે મીક્ષરનો જાર ગરમ થઈ જતો હોય છે પણ જો તેને ધોવા માટે તમે ઠંડા પાણીનો ઉપયોગ કરશો તો મીક્ષરનો જાર ગરમ નહીં થાય.


હવે આ ઠંડા પાણીએ ધોયેલી દાળને મીક્ષરના મોટા જારમાં વાટી લેવી. એક સાથે આ પલાળેલી મીક્ષ દાળને ન વાટવી પણ તેને બે ભાગમાં વાટવી જેથી કરીને તે સરળતાથી ક્રશ થઈ જાય છે.

મીક્ષર પર લોડ ન આવે તે માટે તમારે તેને ચાલુબંધ કરીને ક્રશ કરવાનું છે અને યાદ રહે તેને એકદમ જીણું ક્રશ નથી કરવાનું પણ થોડું જાડુ ક્રશ કરવાનું છે.


અહીં ક્રશ કરતી વખતે પાણી નાખવામાં નથી આવ્યું પણ જો તમને વાટવામાં તકલીફ થતી હોય તો તમે બે-ત્રણ ચમચી પાણી નાખી તેને વાટી શકો છો.


હવે જ્યારે ખીરુ ક્રશ થઈ જાય ત્યારે તેને એક બોલમાં લઈ લેવું અને તેને હાથેથી જ હળવા હાથે ફેંટવાનું છે. ફેંટતી વખતે તમારે એક મોટો આઇસક્યુબ લેવાનો છે અને તેને હાથમાં લઈને ખીરાને ફેંટવાનું છે.


ધીમે ધીમે તમે જોશો કે ખીરાનો રંગ બદલાઈ જશે અને ખીરું એકદમ ફ્લફી બની જશે. અને તેને તમે નીચે ભજીયાની જેમ પાડવાનો પ્રયાશ કરશો અને તેને પડતા વાર લાગે તો સમજી જવું કે તે ખીરુ તૈયાર થઈ ગયું છે.


ખીરુ ફેંટાઈ જાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જીણું સમારેલું આદુ અને એક ટેબલ સ્પૂન જીણા સમારેલા મરચા નાખવા. જો તમે વધારે તીખુ ખાતા હોવ તો મરચાનું પ્રમાણ વધારી શકો છો અને જો તીખુ ન ખાતા હોવ તો મરચાનું પ્રમાણ ઘટાડી શકો છો. ફરી ખીરાને મીક્ષ કરી દેવું.


આપણે દહીંવડાના ખીરામાં ખાવાનો સોડા નથી નાખવાના. હવે ખીરુ તૈયાર થઈ ગયા બાદ તેને 15-20 મીનીટ રાખી મુકવું.


હવે ખીરુ વડા તળવા માટૈ તૈયાર થઈ ગયું છે. તમને અહીં પોસ્ટના અંતે વીડીયોની લીંક આપવામાં આવેલી છે તેમાં તમે જોઈ શકશો કે વડાને કેવી રીતે તળવા તેમજ તેની સાઇઝને એક સરખી રાખવા માટે શું કરવું.


વડાને મીડીયમથી હાઇ ફ્લેમ પર તળવા. હવે જ્યારે વડા તળાઈને તૈયાર થઈ જાય ત્યાર બાદ. એક બોલ લેવાનો છે તેમાં રૂમટેપ્રેચર વાળુ પાણી લેવું.


તેમાં એક ચમચી મીઠુ, ચપટી હીંગ, બે ચમચી ખાંડ નાખી તેને પાણીમાં મીક્ષ કરી લેવું. ખાંડ ઓગળી જવી જોઈએ.


હવે આ તૈયાર થયેલા પાણીમાં તળેલા વડા નાખી દેવા. વધેલા વડાને તમે ફ્રીજમાં મુકી શકો છો જેથી તમે તેનો ફરી ઉપયોગ કરી શકો.


વડાને પાણીવાળા બોલમાં ડુબાડી દેવા તેને ડુબાડવા માટે તેના પર કોટનનું ભારે કપડું દબાવીને ઢાંકી દેવું જેથી વડા બરાબર પલળી જાય.


વડાને આવી રીતે એકથી ડોઢ કલાક પાણીમાં પલાળીને રાખવા. તે દરમિયાન તમારે દહીં વડા માટેનું દહીં તૈયાર કરી લેવું. તે માટે મલાઈદાર જાડુ દહીં જોઈશે. જેને તમારે ચારણીમાં ચાળી લેવું જેથી તે એકદમ સ્મૂથ થઈ જાય.


અહીં 500 ગ્રામ દહીં સામે 50 ગ્રામ ખાંડ લેવામાં આવી છે. ખાંડને દહીંમાં બરાબર મીક્ષ કરી લેવી. ધ્યાન રહે કે દહીં એકદમ ચીલ્ડ હોવું જોઈએ જેથી કરીને દહીંવડા ખાવાની મજા આવે.


દહીં તૈયાર થઈ ગયું છે હવે પલાળેલા વડાને પાણીમાંથી બહાર કાઢવાનો સમય થઈ ગયો છે. તેને એક એક કરીને પાણીમાંથી બહાર કાઢી તેને બન્ને હાથે હળવા દબાવી તેમાંથી વધારાનું પાણી કાઢી લેવું. તેને વધારે દબાવવાની જરૂર નથી.


તૈયાર થઈ ગયા મીક્ષ દાળના દહીં વડા. હવે તેને સર્વ કરતી વખતે તમે એક પ્લેટમાં બેથી ત્રણ વડા લો તેના પર દહીં પાથરો તેના પર લાલમરચુ પાવડર છાંટો, થોડો સંચળ પાવડર છાંટો, શેકેલા જીરાનો પાવડર છાંટો, હવે તેના પર આંબલીની મીઠી ચટની નાખો ત્યાર બાદ તેના પર લીલી ચટની નાખો અને છેલ્લે તેના પર લીલી છમ કોથમીર ભભરાવી દો.


તૈયાર થઈ ગયા મીક્ષ દાળના મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા દહીંવડા.


સૌજન્ય : ચેતના પટેલ (ફૂડ કુટોર સ્ટુડિયો, અમદાવાદ)

રેસીપીનો વિગતવાર વિડીઓ જુઓ :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *