ઓવન વગર બનવો હેલ્ધી-ટેસ્ટી ઘઉંના લોટની ખજૂર કેક…

ભારતમાં મીઠાઈઓમાં હવે કેકને મહત્ત્વનું સ્થાન આપી દેવામાં આવ્યું છે આજે લગ્નથી માંડીને બેબી શાવર સુધી દરેક પ્રસંગોમાં સ્પેશિયલ કેકનો ખાસ આગ્રહ રાખવામાં આવતો હોય છે. પણ જો ઘરે બાળકને ગમે ત્યારે કેક ખાવાનું મન થાય અને તમને કેકમાં વપરાયેલા મેદાની બીક હોય તો તમે ઘરે જ ખુબ જ સરળ રીતે ઘઉંના લોટમાંથી ઓવન વગર પણ કેક બનાવી શકો છો. તો આજે નીધી બેન લાવ્યા છે ઘઉંના લોટની ખજૂર કેકની તદ્દન સરળ રેસિપિ તો ચાલો શીખીએ હેલ્ધી-ટેસ્ટી ઘઉંના લોટની ખજૂર કેક.

ઘઉંના લોટની ખજૂર કેક બનાવવા માટે સામગ્રી

1 વાટકી ઘઉંનો લોટ

1 વાટકી દૂધ

½ વાટકી ખજૂરના જીણા ટુકડા

¾ વાટકી ખાંડ

¼ વાટકી ઘી

½ નાની ચમચી કુકીંગ સોડા

¼ ટી સ્પુન બેકીંગ પાઉડર

1 ½ ચમચી કોકોઆ પાઉડર

ઘઉંના લોટની ખજૂર કેક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક મોટા મિક્સિંગ બોલમાં એક વાટકી ઘઉંનો રોટલીનો લોટ ઉમેરવો. તેની સાથે સાથે જ પોણી વાટકી ખાંડ ઉમેરી દેવી. અહીં નેચરલ ખાંડ લેવામાં આવી છે તમે નોર્મલ ખાંડ લઈ શકો છો અને તેને દળીને પણ લઈ શકો છો.

હવે ખાંડ નાખ્યા બાદ તેમાં અરધી વાટકી જેટલા ખજુરના નાના ટુકડા ઉમેરી દેવા. જેને તમે છેલ્લે પણ ઉમેરી શકો છો.

હવે ખજૂરના ટુકડા ઉમેર્યા બાદ તેમાં એક વાટકી જેટલું દૂધ ઉમેરી દેવું.

દૂધ ઉમેર્યા બાદ તેમાં પા વાટકી ઘી ઉમેરી દેવું. ઘીની જગ્યાએ તમે તેલ પણ ઉમેરી શકો છો.

હવે તેમાં એકથી ડોઢ ચમચી જેટલો કોકોઆ પાઉડર ઉમેરવો. સુપર માર્કેટ કે પછી કરિયાણાની દુકાનમાં તમને ઘણી કંપનીના કોકોઆ પાઉડર મળી જશે. જો તમારે ચોકલેટની ફ્લેવર વધારે જોઈતી હોય તો તમે કોકોઆ પાઉડરનું પ્રમાણ વધારી શકો છો પણ સાથે સાથે જ તમારે ખાંડનું પ્રમાણ પણ વધારવું પડશે નહીંતર કેક કડવી લાગશે.

હવે તેમાં અરધી ચમચીથી ઓછો કુકીંગ સોડા અને તેની સાથે જ પા ચમચી બેકીંગ પાઉડર ઉમેરવો.

હવે બધી જ સામગ્રીઓ ઉમેરી લીધા બાદ તેને બરાબર મિક્સ કરી લેવી. ઘણા લોકો દૂધની જગ્યાએ દહીંનો ઉપયોગ કરતાં હોય છે તો તમારે દૂધની જગ્યાએ તેટલા જ પ્રમાણમાં દહીં લઈ લેવું.

હવે બધી જ સામગ્રી મિક્સ કરતી વખતે તમને બેટર થીક લાગતું હોય તો તેમા તમારે ચમચીએ ચમચી દૂધ ઉમેરવું અહીં પાછળથી બે ચમચી જેટલુ દૂદ ઉમેરવાં આવ્યું છે. મેંદાના લોટ કરતાં ઘઉંનો લોટ વધારે જલદી મિક્સ થઈ જાય છે અને તેમાં ગાંઠા પણ નથી પડતાં માટે આ બેટર ખુબ જ સરળ રીતે મિક્સ થઈ જશે. અહીં બેટરને દસ મિનિટ સુધી મિક્સ કરવામાં આવ્યું છે. જેથી કરીને બધી જ સામગ્રી એકબીજા સાથે ભળી જાય અને કોઈ ગઠ્ઠા ન રહે.

અહીં બેટરની કન્સીસ્ટન્સી આ પ્રમાણે રાખવામાં આવી છે. કેક બનાવતી વખતે બેટરની કન્સીસ્ટન્સી યોગ્ય હોય તે જરૂરી છે તે નતો વધારે જાડી હોવી જોઈએ કે ન તો વધારે પાતળી હોવી જોઈએ.

હવે જે વાસણમાં તમારે કેક બનાવવાની છે તે ટ્રે કે પછી કોઈ સપાટ તળિયાવાળો ડબ્બો લઈ લેવો. અહીં બતાવ્યું છે તેમ તમારી પાસે કેક માટેની એલ્યુમિનિયમની ટ્રે હોય તેમાં ઘી કે તેલ લગાવીને ગ્રીસ કરીને લેવી.

અહીં કોઈ ટ્રે કે મોટું પાત્ર નથી લેવામાં આવ્યું પણ અહીં અપ્પમ માટેનું જે ખાડા-ખાડા વાળુ પેન હોય છે તે લેવામાં આવ્યું છે. અહીં તમારી પાસે અપ્પનમનું પેન ન હોય તો તમે તેની જગ્યાએ ઇડલીની ટ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં નાની-નાની કેક બનાવવી હોવાથી અપ્પમનું પેન વાપરવામાં આવ્યું છે.

હવે અહીં અપ્પમ પેનનાં બધા જ નાની-નાની વાટકી જેવડા ખાંડાને ઘીથી ગ્રીસ કરી લેવામાં આવ્યા છે. ગ્રીસ કરી લીધા બાદ તેને ઘઉંના લોટથી ડસ્ટ કરી લેવું. એટલે કે ઘી લગાવ્યા બાદ તેના પર ચપટી ચપટી ઘઉંનો લોટ છાંટીને તેને બધી જ વાટકીમાં સમાન રીતે ફેરવી લેવો. કેક બનાવતી વખતે આ પ્રોસેસ ખાસ કરવી. તમે જો કોઈ ટ્રે લેતા હોવ તો તેને ગ્રીસ કરી ને લોટથી ડસ્ટ કરી લેવી.

હવે અપ્પમ પેનના ગ્રીસ અને ડસ્ટ થયેલા ખાડામાં ચમચી-ચમચીએ તૈયાર કેરલું કેકનું બેટર ઉમેરતા જવું.

હવે બધા જ ખાના ભરાઈ જાય એટલે ગેસ ઓન કરવો. અને શરૂઆતની બે મીનીટ સીધું જ તેને ગેસ પર મુકી દેવું અન તેના પર ઢાંકણું ઢાંકી લેવું.

તે દરમિયાન ગેસના બીજા બર્નર પર લોખંડની તવી ગરમ કરવા મુકી દેવી. અને સીધી ફ્લેમ પરથી કેકને બે મીનીટ બાદ હટાવીને આ ગરમ થયેલી તવી પર કેક મુકી દેવી.

જો તમે આવી રીતે નાની-નાની કેક બનાવવા ન માગતા હોવ તો તમે એક તપેલા કે પછી કુકરમાં મીઠુ કે રેતી પાથરીને તેના પર સ્ટેન્ડ મુકીને તેને 20-25 મિનિટ પ્રિ હીટ કરીને ત્યાર બાદ ટ્રેમાં કેકનું બેટર લઈ કુકરમાં મુકી શકો છો. પણ કુકરના ઢાંકણાની સીટી અને રીંગ કાઢી લેવી.

હવે અપ્પમવાળા પેનને કે જેને તવા પર મુકવામાં આવ્યું છે તેને તેમ જ 15 મિનિટ સુધી મિડિયમ ફ્લેમે બેક થવા દેવું.

પંદર મીનીટ બાદ તમે જોશો તો આ રીતે કેક તૈયાર થઈ ગઈ હશે જેને તમારે છરી નાખીને ચેક કરી લેવી. તેમ છતાં અહીં બીજી બે મીનીટ બંધ ગેસે જ ઢાંકણું ઢાંકીને સીજવા દીધી છે.

બે મીનીટ પછી અપ્પમના પેનમાંથી બધી જ કેક ચમચીની મદદથી કાઢી લેવી. અપ્પમના પેનમાં કેક બનાવવાથી કેક ચોંટી જવાનો ભય નથી રહેતો તે સરળતાથી નીકળી શકે છે.

હવે તમે આજ અપ્પમ પેનમાં બાકીના ખીરામાંથી બીજી કેક બનાવી શકો છો તેના માટે તમારે તેને ફરી ગ્રીસ કે ડસ્ટ કરાની જરૂર નથી. અહીં તમે જોઈ શકો છો કે કેક એકદમ જાળીદાર અને નરમ બની છે. તમે બેટરમાં ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરી શકો છો.

તો તૈયાર છે ટેસ્ટી-હેલ્ધી ઘઉંના લોટમાંથી બનેલી ખજૂરની ટી કેક. આ કેકને તમે ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ રાખી શકો છો. આ કેક નાના છોકરાઓને ચોકલેટ સોસ સાથે તેમજ મોટાઓને કોફી સાથે ખુબ જ ભાવશે.

રસોઈની રાણી : નીધી પટેલ

સૌજન્ય : ફુડ ગનેશા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *