લસણિયા ચટાકેદાર ગરમાગરમ મમરા – વઘારેલા મમરા પસંદ છે તો હવે એકવાર આ મમરા બનાવજો.

મમરા આપણી જીભમાં ઉપડેલી ચટાકા કરવાની લાલસાને ઘણાઅંશે સંતોષી લે છે. જ્યારે ઘરમાં કંઈ જ નાસ્તો ન હોય ત્યારે મમરા વઘારીને ખાવાથી કંઈ ઓછો સંતોષ નથી થતો. પણ જો શિયાળાની કડકડતી ઠંડી હોય અથવા વરસતો વરસાદ હોય અને તેવામાં જો ચટાકેદાર લસણિયા મમરા મળી જાય તો ઠંડકને તમે ઓર વધારે એન્જોય કરી શકો છો. તો આજે બહારના પેકેટિયા લસણિયા મમરા નહીં પણ ઘરે જ બનાવીને ખાઓ.

લસણિયા ચટાકેદાર ગરમાગરમ મમરા બનાવવા માટે સામગ્રી

250-300 ગ્રામ મમરા

2-3 ચમચી બટાટા પૌઆના પૌઆ

5-6 કળી ફોલેલુ લસણ

સ્વાદ પ્રમાણે મીઠુ

½ નાની ચમચી હળદર

¼ વાટકી સીંગદાણા

2 લીલા મરચા

5-6 મીઠા લીંમડાના પાન

¼ નાની ચમચી હીંગ

½ ચમચી કાશ્મીરી લાલ મરચુ

½ નાની ચમચી ધાણાજીરુ પાઉડર

સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ

લસણિયા ચટાકેદાર ગરમાગરમ મમરા બનાવવાની રીત

સૌ પ્રથમ તમારે 250 ગ્રામથી 300 ગ્રામ મમરા લેવાના અને તેને ચોખાની ચારણી વડે અથવા કોઈ પણ ચારણી વડે ચાળી લેવા જેથી કરીને તેમાંથી જીણી ભુક્કી અને જીણો કચરો નીકળી જાય હવે તેને બાજુ પર મુકી દેવા.

હવે લસણની 5-6 કળી ફોલીને તેને મીક્સરમાં અથવા તો ખાઈણીમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચુ નાખીને ચટનીને એકદમ બારીક વાટી લેવી.

હવે ચટની વટાઈને તૈયાર થઈ ગયા બાદ. એક ડીશમાં 2-3 ચમચી સીંગદાણા, બે લીલા મરચાં બી કાઢેલા, અને 5-6 મીઠા લીંમડાના પાંદડા કાઢી લેવા.

હવે જે પાત્રમાં તમે મમરા વઘારતા હોવ તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું અને તેમાં તમે સામાન્ય રીતે મમરા વઘારતી વખતે જેટલું તેલ લો છો તેના કરતાં થોડું વધારે તેલ ઉમેરવું. અને તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા, લીંમડો, લીલા મરચા અને લસણની પેસ્ટ ઉમેરી દેવા.

હવે તેને ત્રીસ સેકન્ડ સુધી લસણની પેસ્ટને સાંતળવી. હવે તેમાં હીંગ ઉમેરવી અને તેને વઘારમાં બરાબર મિક્સ કરી દેવી.

હીંગ ઉમેર્યા બાદ તેમાં સીધા જ મમરા ન ઉમેરવા પણ તેની જગ્યાએ બેથી ત્રણ ચમચી બટાટા પૌઆ વાળા પૌઆ ઉમેરવા. મમરા અને પૌઆનું કોમ્બિનેશન ખુબ સરસ લાગે છે.

પૌઁઆ ઉમેરીને બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં થોડી હળદર અને થોડું કાશ્મીરી મરચુ પાઉડર ઉમેરી દેવા. અને તેને બરાબર મિક્સ કરી લેવા.

હવે બધું બરાબર મિક્સ કરી લીધા બાદ અને પૌંઆ થોડા સંતળાઈ જાય એટલે તેમાં સાફ કરીને તૈયાર રાખેલા મમરા ઉમેરી દેવા.

આ વખતે ગેસ સાવ જ ધીમો કરી દેવો. અને ધીમી આંચે જ મમરાને એકધારા હલાવી હલાવીને શેકવા. જો હલાવવામાં નહીં આવે તો તળિયાના મમરા બળી જશે. માટે તેને હલાવતા રહેવા અને જો ભેજનું વાતાવરણ હોય અને મમરા હવાઈ ગયા હોય તો મમરા વઘારતા પહેલાં મમરાને એક તપેલા કે પછી કડાઈમાં તેલ નાખ્યા વગર ધીમા ગેસે શેકી લેવા. 5-7 મિનિટમાં જ મમરા પાછા કુરમુરા થઈ જશે અને ત્યાર બાદ જ તેનો આ રીતે વઘાર કરવો.

હવે મમરા વઘારમાં બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું ધાણાજીરુ તમને જોઈતા સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરીને તમારે તેને બરાબર મિક્સ કરી લેવું. આ બધી જ પ્રોસેસ ધીમા ગેસે જ કરવી. અને તેને એકધારા હલાવતા રહેવા.

હવે મમરા બરાબર શેકાઈ જાય અને એકદમ ક્રીસ્પી થઈ જાય ત્યાં સુધી તેને એકધારા ધીમા તાપે શેકવા.

હવે ગેસ બંધ કરી દેવો અને તમારા ટેસ્ટ મુજબ તેમાં થોડી દળેલી ખાંડ ઉમેરી દેવી. ગેસ બંધ કર્યા બાદ જ ખાંડ ઉમેરવી નહીંતર ખાંડના ગઠ્ઠા થઈ જશે.

તો તૈયાર છે લસણિયા મમરા. આ મમરા શિયાળાની ઠંડી તેમજ ચોમાસાની સિઝનમાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મમરાને તમે એરટાઈટ ડબ્બામાં અઠવાડિયા સુધી સાંચવી શકો છો. તે જરા પણ બગડતા નથી. આ જ મમરામાં તમે સેવ પણ ઉમેરી શકો છો અને થોડો મકાઈનો ચેવડો પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : નીધી પટેલ

સૌજન્ય : ફુડ ગનેશા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *