પાલક પકોડા ચાટ – ગરમીના દિવસોમાં આ નવીન ચાટ ખાઈને મોજ આવી જશે…

પાલક પકોડા ચાટ

ગરમી ના દિવસો માં બહુ ભારે જમવાનું ગમતું નથી. શિયાળો હોય તો તમે બેય ટાઈમે ભર પેટ જમો તો પણ પચી જાય પણ ઉનાળા માં તો જરા પણ ના ગમે.

પણ ચાટ એવી વાનગી છે , જે કોઈ પણ ઋતુ માં કોઈ પણ ટાઈમે ચાલી જાય .

આજકાલ બજાર માં 50 જાત ની ચાટ મળે છે, તમને સૌથી વધુ કઈ પ્રિય છે , જરૂર થી જણાવશો .. આજે હું એવી ચાટ ની રીત લાવી છું, જે ખ8બ જ સરળ છે. જો તીખી અને મીઠી ચટણી તમારા ફ્રીઝ માં તૈયાર હોય તો બસ 10 મિનિટ માં આ ચાટ તૈયાર. એ છે પાલક ની ચાટ . ચાલો જોઈએ રીત…

સામગ્રી :

બેટર બનાવવા

• 1.5 વાડકો ચણા નો લોટ

• 1 નાની ચમચી અજમો

• મીઠું

• 1 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી હળદર

બીજી સામગ્રીઓ :

• 15-18 પાલક ના પત્તા

• 1 વાડકો ,નાના સમારેલા બાફેલા બટેટા

• 1/2 વાડકો બારીક સમારેલી ડુંગળી

• કોથમીર ચટણી , સ્વાદ મુજબ

• ખજૂર આમલી ની ચટણી , સ્વાદ મુજબ

• 1/2 વાડકો બારીક સેવ

• ચાટ મસાલો , જરૂર મુજબ

• મીઠું

• તળવા માટે તેલ

રીત :


પાલક ના પત્તા ને ધોઈ સાફ કરી લેવા. દાંડી નો ભાગ કાપી લેવો. પાલક હંમેશા તાજી અને કૂણી પસંદ કરવી. ડાઘા વાળા ને તૂટેલા પાન ના લેવા . દરેક પત્તા ને ધોઈ કોરા કરી લેવા .

હવે બેટર બનાવીએ.. ચણા ના લોટ ને એક બાઉલ માં લો . હવે એમા અજમો, હળદર , મિઠું અને લાલ મરચું ઉમેરો. થોડું પાણી ઉમેરી મિક્સ કરતા જાઓ અને ફેેંટો.

ચાટ ના બેટર માં સોડા વિગેરે ઉપયોગ ના કરવો. બેટર ની consistency બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી રાખવી..

પોહળી કડાય માં તેલ ગરમ મુકો.. પાલક ના એક એક પત્તા ને બેટર માં ડુબાડી તરત ગરમ તેલ માં મુકો. ધ્યાન રાખવું આ સ્ટેજ પર. તેલ ઉડે નહીં. કડક થાય એટલે બીજી બાજુ ઉથલાવી કડક કરો … કડક થાય એટલે ઉતારી લો.

એક પ્લેટ માં તળેલા પાલક પકોડા લો. પાલક ના પાન નાના હોય તો આખા લેવા નહીં તો એક પાન માંથી 2 કટકા કરવા …

બાફેલા બટેકા ના બટકા અને ડુંગળી મિક્સ કરો (થોડી ડુંગળી સજાવટ માટે સાઈડ પર રાખવી)… મીઠું , લાલ મરચું અને થોડા ટીપા લીંબુ ઉમેરી મિક્સ કરો.

પ્લેટ માં ગોઠવેલા પાલક ના પાન પર બટેટા ડુંગળી નો મસાલો 1-1 ચમચી મુકો. એના પર તીખી ચટણી અને મીઠી ચટણી મુકો.

એના પર બારીક સેવ અને ડુંગળી થી સજાવટ કરો. આપ ચાહો તો ખાંડ ઉમેરેલું દહીં પણ ઉમેરી શકો. ચાટ બનાવ્યા પછી તરત પીરસો.

આશા છે પસંદ આવશે

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *