આ રીતે બનાવો પાલક પકોડા અને તેની સાથે સર્વ કરો કાકડી-ટામેટાનું રાયતુ. મજ્જા આવી જશે!

આપણે મેથીના ગોટા તો અવારનવાર ખાતા હોઈએ છીએ અને પાલકના ગોટા પણ ટ્રાય કર્યા હશે પણ આ વખતે પાલકના પકોડા આ રેસિપીથી બનાવો અને તેની સાથે સર્વ કરો કાકડી, ટામેટાનું રાઈતું. પાલકના ગોટાની મજા બેગણી થઈ જશે. તો નોંધી લો પાલક પકોડા અને વેજ રાઇતાની રેસિપિ.

પાલક પકોડા બનાવવા માટેની સામગ્રી

2 કપ બેસન

¼ કપ જાડો ચણાનો લોટ

¼ કપ સોજી

1 કપથી વધારે પાલક

1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ

2 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર

3 જીણા સમારેલા મરચા, તમને ગમતી તીખાસ પ્રમાણે

1 ટી સ્પુન સ્વાદ પ્રમાણે મીઠુ

2 ટેબલ સ્પૂન કાળા મરી અને આખા ધાણાનો અધકચરો ભુક્કો

½ ટી સ્પૂન સોડા

½ લીંબુનો રસ

2 ટેબલ સ્પૂન ગરમ તેલ

તળવા માટે તેલ

રાઈતુ બનાવવા માટેની સામગ્રી

1 ½ કપ ઘાટુ દહીં

2 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર

2 ટેબલ સ્પૂન જીણી સમારેલી કાકડી

2 ટેબલ સ્પૂન જીણા સમારેલા ટામેટા

½ ટી સ્પૂન સંચળ, ½ ટી સ્પૂન લાલ મરચુ પાઉડર, ½ ટી સ્પૂન શેકેલા જીરાનો પાઉડર, મીઠુ સ્વાદ પ્રમાણે

પાલક પકોડા બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટો બોલ લેવો તેમાં બે કપ બેસન, ¼ કપ જાડો ચણાનો લોટ, ¼ કપ સોજી ઉમેરી દેવા. સોજી અને ચણાના જાડા લોટથી પકોડાનું બહારનું લેયર ક્રિસ્પી થશે એટલે તેને ખાવાની મજા આવશે.

હવે તેમાં 1 કપથી પણ થોડી વધારે પાલકની ભાજીને જીણી સમારીને લઈ લેવી. ત્યાર બાદ તેમાં 1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ, 2 ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર, તમને ગમતી તીખાશ પ્રમાણે જીણા સમારેલા લીલા મરચા ઉમેરી દેવા.

ત્યાર બાદ તેમાં આખા મરી અને આખા ધાણાનો અધકરચો ભુક્કો વાટીને લઈ લેવો. અહીં બે ટેબલ સ્પૂન લેવામાં આવ્યો છે તેનાથી ગોટાના સ્વાદમાં ઘણો ફરક પડે છે. તમે તમને ગમતી તિખાશ પ્રમાણે લઈ શકો છો.

હવે આ બધી જ સામગ્રીને બરાબર હલાવીને મિક્સ કરી લેવી.

હવે તેમાં ધીમે ધીમે પાણી નાખીને ખીરુ તૈયાર કરી લેવું. અહીં ખીરુ પાતળુ નથી બનાવવાનું પણ ગોટા પડે તેવું થીક રાખવાનું છે. ખીરુ તૈયાર કરી લીધા બાદ તરત જ ગોટા બનાવી લેવા કારણ કે ખીરાને વધારે પડ્યું રહેવા દેવાથી સોજી ફુલી જશે અને ગોટા ક્રીસ્પી નહીં બની શકે.

આ દરમિયાન તેલ ગરમ કરવા મુકી દેવાનું. હવે તેલ ગરમ થાય એટલે તેમાંથી બે ટેબલ સ્પૂન તેલ લઈને તૈયાર કરેલા ખીરામાં ઉમેરી દેવું. તેલ ગરમ જ ઉમેરવું.

હવે તેમાં ½ નાની ચમચી બેકીંગ સોટા ઉમેરી દેવો અને તેને એક્ટિવેટ કરવા માટે તેના પર અરધુ લીંબુ નિચોવી લેવું. હવે તેને બરાબર મિક્સ કરી લેવું.

હવે તેલ ગરમ થાય એટલે ખીરામાંથી એક જ સાઇઝના ગોટા તેલમાં પાડી લેવા. ગોટા તળતી વખતે ગેસની ફ્લેમ મિડિયમ ટુ હાઈ રાખવી અને તેવી જ રીતે ગોટાને તળાવા દેવા.

ખીરુ બનાવવામાં જે ચણાનો જાડો લોટ અને સોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી તેનું પડ ક્રીસ્પી થશે અને અંદરથી ગોટા સોફ્ટ બનશે.

વચ્ચે વચ્ચે ગોટાને હલાવતા રહેવા એટલે તે બધી જ બાજુથી તળાઈ ગયા હશે અને અંદરથી પણ કાચા નહીં રહે.

હવે પાલકના ગોટા બરાબર તળાઈ જાય એટલે તેને પ્લેટ પર લઈ લેવા. કોઈ પણ ભજિયા હંમેશા ગરમ જ સારા લાગે છે.

રાઈતુ બનાવવાની રીત

એક બોલમાં 1 ½ કપ ઘાટું-ઠંડુ-મોળુ દહીં લેવું, તેમાં બે ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, 2 ટેબલ સ્પૂન જીણી સમારેલી કાકડી, બે ટેબલ સ્પૂન જીણા સમારેલા ટામેટા ઉમેરવા,

હવે તેમાં મસાલાઓ કરી દેવો. તેના માટે તમારે તેમાં અરધી નાની ચમચી જીરા પાઉડર, અરધી નાની ચમચી લાલ મરચુ, અરધી ચમચીથી ઓછું સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. અને આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી લેવી. અહીં તમે ડુંગળી પણ ઉમેરી શકો છો.

તો તૈયાર છે પાલકના ક્રીસ્પી ગોટા અને સ્વાદિષ્ટ ખાટ્ટુ ચટાકેદાર રાઈતુ. સામાન્ય રીતે આપણે ભજીયા સાથે ડુંગળી, તળેલા મરચા અને ચટની ખાતા હોઈએ છીએ પણ પાલકના પકોડા સાથે રાઈતું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

પાલક પકોડા વિથ દહીં રાયતા બનાવવા માટેની વિગવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *