પાલક ચીઝ-બટર ચકરી – આ હેલ્થી ચકરી સવારે ચા સાથે કે સાંજે કોફી સાથે પણ તમે ખાઈ શકશો…

ગુજરાતમાં ચકરી ઘઉંના લોટ કે ચોખાના લોટમાંથી બનતી હોય છે.ઘણા તેમાં ચણાના લોટનો ભાગ પણ લેતા હોય છે. ઘઉંના લોટની ચકરી માટે લોટને કોરો જ વરાળથી બાફીને પણ બનાવતા હોય છે. ચકરી ઘણી બધી જાતની ને સ્વાદની બનતી હોય છે. આદું-મરચા વાળી, તો ક્યારેક લીંબુ-ખાંડ વાળી ખાટી-મીઠી, તો ઘણીવાર મેથીની ભાજી વાળી. એ જ રીતે ભારતના અલગ-અલગ રાજ્યોમાં પણ તેની બનાવટમાં વિવિધતા જોવા મળે છે. મહારાષ્ટ્ર માં આ જ ચકરી ભજની ના લોટમાંથી બનાવતા હોય છે.

એવી જ એક છે ખાલી ચોખા અને અડદના લોટની બટર નાખીને બનતી ચકરી કે જેને સાઉથ ઇન્ડિયા માં મુરુક્કુ પણ કહે છે. મુરુક્કુ નો તામિલમાં અર્થ જ ટ્વીસ્ટેડ થાય છે. તેમાં થોડો ફેરફાર કરીને ઉમેરીને આ ચકરી મેં બનાવી છે. બટર સાથે સારું એવું ચીઝ પણ ઉમેર્યું છે. અને પાલખની પ્યુરીથી લોટ બાંધ્યો છે. તો પાલખનો લીલો કલર અને ચીઝનો મસ્ત સ્વાદ આમાં ઉમેરાય છે.એકદમ ખસ્તા ને ચીઝી બની છે. નાસ્તામાં ચા-કોફી સાથે ખૂબ મજા આવે છે ખાવાની.

સમય: ૪૫ મિનિટ, ૪૦-૫૦ નંગ બનશે

ઘટકો:

  • • ૩૦૦ ગ્રામ ચોખાનો લોટ
  • • ૧૦૦ ગ્રામ મેંદો
  • • ૧૦૦ ગ્રામ બટર
  • • ૧૦૦-૧૫૦ ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ
  • • ૨૫૦ ગ્રામ પાલખની ભાજી
  • • ૧ ટીસ્પૂન અજમો
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • ૧+૧/૨ ટેબલસ્પૂન લાલ મરચું
  • • ચપટી હીંગ
  • • ૧ ટેબલસ્પૂન તલ
  • • જરૂર મુજબ તળવા માટે તેલ

પધ્ધતિ:

🥬પાલક ના પાનને સારી રીતે ધોઇ લેવા.તપેલીમાં પાણી લઇ તેને ઊકાળવું. ઉકળે એટલે ગેસ બંધ કરી ૫ મિનિટ માટે પાલખને તેમાં રાખી બાફી લેવી. આ પધ્ધતિને પાલખ બ્લાન્ચ કરી કહેવાય. પછી તેમાંથી બધું પાણી નિતારી લઇ મિક્સરમાં પીસીને પ્યુરી બનાવી લેવી. પીસતી વખતે બિલકુલ પાણી નથી ઉમેરવાનું.

🥬ચોખાનો લોટ અને મેંદાને ચાળી લેવા. તેમાં બટર, છીણેલું ચીઝ, મીઠું, મરચું, હીંગ, તલ, અજમો અને પાલખની પ્યુરી નાખી લોટ બાંધવો. બને તો ફક્ત પાલક પ્યુરી થી જ લોટ બાંધવો જેથી સારો કલર અને સ્વાદ આવે. જો પ્યુરી ઓછી પડે તો જ પાણી ઉમેરી લોટ બાંધવો.

🥬તળવા માટે તેલ ગરમ મૂકવું. સાથે ચકરીના સંચામાં ચકરી બનાઆવવાની પ્લેટ ગોઠવી લોટ ભરી એક પ્લેટમાં ચકરી પાડવી. તેલ ગરમ થાય એટલે તવેથાથી ઉપાડી એક એક ચકરી તેલમાં મૂકવી અને મિડિયમ તાપે ફીણ થતા ઓછા થાય ત્યાં સુધી તળી લેવી.

🥬આ રીતે બધાં લોટમાંથી ચકરી પાડી તળી લેવી. ઠંડી થાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી લેવી.૧૦-૧૫ દિવસ સુધી સારી રહેશે. બહુ જ ઝડપથી બની જતો અને બધાને પસંદ આવે તેવો નાસ્તો છે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *