ઉનાળો છે તો ફરવા કે પછી પિકનિક પર તો જવાના જ હશો, રાખો પ્રવાસમાં સ્વાસ્થ્યની સંભાળ..

રજાઓની સીઝન આવી રહી છે ત્યારે સ્વસ્થ રહેવું અને પ્રવાસે જવું બને સાથે રાખવું અઘરૂ પડે છે. પ્રવાસ દરમિયાન આખું કુટુંબ નજીક આવે છે માટે પ્રવાસ તો જરૂરી જ છે. જ્યારે નજર સમક્ષ આટલી જુદીજુદી વાનગીઓ આવતી હોય ત્યારે જીભને કન્ટ્રોલ કરવી અઘરી પડે છે. માટે જ પ્રવાસ દરમિયાન વજનને કન્ટ્રોલમાં રાખો તે જ અગત્યનું છે.મિત્રો અને કુટુંબીજનો તરફ ધ્યાન દોરો અને ખોરાક તરફ નહી. યાદ રાખો પ્રવાસ એ કુટુંબીજનોના સાથ માટે અને તમારા નોલેજના વધારા માટે કરવામાં આવે છે. ખાવા માટે પ્રવાસ કરવાની જરૂર નથી.

જ્યારે જમવા જાવ ત્યારે બને ત્યાં સુધી તમે જ ખાવાનું સીલેક્ટ કરો. તમે જ્યાં હોવ ત્યાં પણ ઓછા તેલના શાકભાજીવાળા પરાઠા-દહીં, ઇડલી-સંભાર તેલ વગરના ઉતપ્પા અને સંભાર, દહીં-ભાત, રોટલી વિગેરે ઘણીબધી વાનગીઓ વજન મેઇન્ટેઇન કરવામાં મદદરૂપ થઈ શકશે.
પ્રવાસ દરમિયાન કસરત કરવાનું ભૂલશો નહીં. બને તો જીમમાં જાવ અથવા ચાલવા નીકળી પડો અને કેલેરી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો.
વાતો કરતા કરતા કુટુંબીજનોની કંપનીને માણતા બને તેટલુ ધીમું ખાવ. જેથી કરીને ખોરાકનું પાચન સારુ થાય અને ભૂખ જેટલું જ ખવાશે.

ટ્રેકિંગ કરવા જતાઃ-
વેકેશન દરમિયાન બાળકો અને મોટાઓને ટ્રેકિંગ કરવા જવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. ટ્રેકિંગ દરમિયાન ખૂબ જ કેલેરીનો વપરાશ થતો હોય છે, વળી ચાલતા ચાલતાં જ્યારે બ્રેક લો ત્યારે પણ ખોરાક લેવાની જરૂરિયાત હોય છે પરંતુ ત્યારે ચીપ્સ અથવા તળેલા નાસ્તા વાપરવાની જરૂરિયાત નથી. અહીં એવા ખોરાકની જરૂરીયાત છે. જેમાં કેલેરી તો મળે છે, પંરતુ તેમાંથી એનર્જી મળે છે. ટ્રેકિંગ દરમિયાન જરૂરીયાત પ્રમાણે ખોરાક ખાવો ખૂબ જ જરૂરી છે જે શરીરને જોઈતા બધા જ પોષકતત્ત્વો આ ખૂબ જ મહેનતવાળા પ્રવાસમાં આપી શકે.
– સૌથી જરૂરી તત્ત્વ કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટવાળો ખોરાક છે. જે ટ્રેકિંગ દરમિયાન સાથે રાખવા જરૂરી છે. માટે જ તાજા ફળો, સૂકોમેવો સાથે રાખવા જોઈએ. ઉપરાંત બીન્સ, આખા અનાજવાળા ખોરાક જેમ કે સીરીયલ બાર, ખજૂર અજીરના રોલ, ચીક્કી ઉપરાંત પોપકોર્ન, શેકેલા પૌંઆનો ચેવડો સાથે રાખી શકાય છે.

– ટ્રેકિંગ દરમિયાન પાણી સાથે રાખવું બહુ જ અગત્યનું અને જરૂરી છે ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. તેનાથી મસલ્સમાં ક્રેમ્પ આવવા, માથું દુઃખવું ચક્કર આવવા વગેરે થઈ શકે છે. ધ્યાન રાખો કે આખી ટ્રેકિંગ ટ્રીપ દરમિયાન ચાલે તેટલુ પાણી તમારી પાસે હોય.

– વિટામીન સીથી ભપૂર ખોરાક સાથે રાખવાથી ટ્રેકિંગ દરમિયાન ચક્કર આવવા, ઉબકા આવવા, ઉલટી થવી વગેરેને ટાળી શકાય છે, એટલે કે લીંબુ, દ્રાક્ષ, નારંગી, મોસંબી, ટામેટાં વગેરે સાથે રાખી જ્યારે જરૂર પડજે ત્યારે ચૂસી શકાય છે.

– વધુ પડતાં ખાંડવાળા, તળેલા ખોરાક ટ્રેકિંગ દરમિયાન લેવાનું ટાળવુ કારણ કે તે લેવાથી કેલેરી વધે છે. એનર્જી નહીં.

– ટ્રેકિંગ દરમિયાન ઉંડા ઉંડા શ્વાસ લેવાથી પણ કુદરતને માણી શકાય છે અને માનસીક આનંદ મેળવી શકાય છે.

દરિયા કિનારે પ્રવાસે જાવ ત્યારેઃ-
જ્યારે દરિયાકિનારાની સફરે ઉપડો ત્યારે તમારી રોજીંદી એક્ટીવીટી ઓછી થઈ જાય છે. દરિયાને માણવામાં વધુ કેલેરી વપરાતી નથી ત્યારે ?

– હોટલમાં જીમ હોય તો કસરત કરવાનું ભૂલશો નહીં.

– સવાર સાંજ બંને સમયે 25થી 30 મીનીટ દરિયાકિનારે ચાલી આવો.

– સવારનો બ્રેકફાસ્ટ અવશ્ય સારી રીતે કરી લો.

– બને તો બપોરના સમયે જમવાનું ટાળો. આ સમયે સૂપ, સલાડ, ઘઉંની બ્રેડ, છાશ, લીંબુપાણી વાપરી અને પેટ ભરી લો.

– સાંજના સમયે જમતાં પહેલાં સૂપ અથવા સલાડ લઈ લો જેથી વધુ પડતું જમાશે નહીં. બને તો ઓછા તેલવાળો ખોરાક વાપરો. સાંજના સમયે એકાદ બે દિવસ ફક્ત ફળ અને દૂધ વાપરો તો પણ વજન કદાચ ઉતારવામાં પણ મદદ મળી જાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *