પોષણથી ભરપૂર મકાઈના સ્ટફીંગવાળા પરોઠા બનાવી ઘરના લોકોને એક નવી જ વાનગી પીરસો

ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે વરસતા વરસાદમાં શેકેલા ડોડા એટલે કે મકાઈ ખાવાની મજા જ કંઈ ઓર છે. પણ બદલાતી જતી જીવનશૈલીના કારણે આપણે દરેક વસ્તુઓનો અનેક રીતે ઉપયોગ કરતાં શીખી ગયા છીએ. હવે મકાઈ ડોડાને માત્ર શેકીને જ નથી ખાવામાં આવતા પણ તેના દાણામાંથી વિવિધ જાતની વાનગીઓ બનાવવામાં આવે છે તો આજની અમારી સ્ટફ્ટ મકાઈના પરાઠાની રેસીપી નોંધી લો.

મકાઈના સ્ટફ્ડ પરાઠા બનાવવા માટેની સામગ્રી

2 મકાઈના ડોડા

1 નાનુ ગાજર

1 મીડીયમ બટાટુ

2 વાટકી રોટલીનો જીણો લોટ

મોણ માટે ત્રણ ચમચી તેલ

સ્વાદ અનુસાર મીઠુ

જોઈતી તીખાશ પ્રમાણે આદુ મરચા લસણની પેસ્ટ

જીણું સમારેલું એક નાનુ કેપ્સિકમ

જીણી સમારેલી એક નાની ડુંગળી

પૂરણને સાંતળવા માટે 2-3 ચમચી તેલ

અરધી ચમચી હળદર

અરધી ચમચી હીંગ

અરધી ચમચી લાલ મરચુ પાઉડર

½ લીંબુનો રસ

ગળપણ માટે ખાંડ

1 ચમચી જીણી સમારેલી તાજી કોથમીર

મકાઈના સ્ટફ્ડ પરાઠા બનાવવાની રીત

મકાઈના સ્ટફ્ડ પરાઠા બનાવવા માટે બે મકાઈના ડોડાને ધોઈને તેને કુકરમાં મુકવા અને સાથે સાથે મીડીયમ સાઇઝના 2 બટાટા પણ એડ કરી દેવા. અને કુકરમાં મકાઈ ડુબે તેટલું પાણી ઉમેરવું. હવે તેમાં અરધી ચમચી હળદર અને અરધી ચમચી મીઠુ ઉમેરીને તેને બરાબર હલાવી દેવું. મકાઈને જો મીઠા અને હળદર વાળા પાણીમાં બાફવામાં આવે તો તે ઓર વધારે સ્વાદિષ્ટ લાગે છે. હવે કુકરને ઢાંકીને તેની 5-6 સીટી વગાડી લેવી.

મકાઈ બટાટા બફાય ત્યાં સુધી પરોઠાનો લોટ બાંધી લેવો. તેના માટે બે વાટકી રોટલીનો જીણો લોટ લેવો. તેમાં બેથી ત્રણ ચમચી તેલ એડ કરી લેવું મોણ માટે અને એક ચમચી મીઠુ ઉમેરી બધી જ વસ્તુ બરાબર મીક્સ કરી લેવી.

હવે તેનો તમે સામાન્ય રીતે પરોઠા બનાવતા હોવ તેવો લોટ બાંધી લેવો. રોટલી નો લોટ બાંધો તેવો સોફ્ટ લોટ બાંધવો જેથી કરીને સ્ટફીંગ કર્યા બાદ સરસ રીતે પરોઠા વણાઈ જાય. હવે લોટ બંધાઈ જાય એટલે તેને ઢાંકીને બાજુ પર મુકી દેવો.

હવે આદુમરચા લસણની પેસ્ટ ખરલમાં વાટી લેવા અને તેની ઝીણી પેસ્ટ તૈયાર કરી લેવી. હવે એક નાનું કેપ્સીકમ અને એક નાની ડુંગળી લઈ તેને મીડીયમ સાઇઝમાં સમારી લેવા.

તેમજ નાનુ ગાજર લઈ તેની છાલ ઉતારી જીણું છીણી લેવું. જો ગાજર બજારમાં મળતું હોય તો તમે વાપરી શકો છો નહીંતર સ્કીપ પણ કરી શકો છો.  હવે એક કડાઈ લેવી તેમાં બે ત્રણ ચમચી તેલ ઉમેરવું અને ગેસ પર ગરમ થવા મુકી દેવું.

તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને કેપ્સીકમ એડ કરવા સાથે સાથે થોડી હીંગ અને વાટેલી આદુ મરચા લસણની પેસ્ટ પણ ઉમેરી દેવી. હવે બધી જ સામગ્રી બરાબર મીક્સ કરી લેવી. અને તેને ધીમા તાપે બરાબર સંતળાવા દેવું.

આ દરમિયાન મકાઈ અને બટાટા બફાઈ ગયા હશે. હવે બટાટાની છાલ ઉતારી લેવી અને બટાટાને મેશ કરી લેવા.

હવે ડુંગળી અને કેપ્સીકમ બરાબર સંતળાઈ જાય એટલે અરધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠુ તેમજ થોડું લાલ મરચું એડ કરવા. તેની સાથે જ તેમાં ગાજરનું છીણ એડ કરી લેવું. હવે તેને બરાબર હલાવી લેવું.

ત્યાર બાદ તરત જ તેમાં મેશ કરેલા બટાટા ઉમેરી દેવા હવે તેને બરાબર મિક્સ કરી લેવું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

હવે તેમાં અરધુ લીંબુ નીચોવવું અને જો સહેજ મીઠાશ પસંદ કરતા હોવ તો થોડી ખાંડ ઉમેરવી અને ફરી બધું હલાવી લેવું.

હવે મકાઈ ઠંડી થઈ ગયા બાદ તેના દાણા છરી વડે કાઢી લેવા. પણ અહીં પુરા દાણા નહીં કાઢવા એટલે કે આખાને આખા દાણા નથી કાઢવાના પણ જેમ બટાટાની પાતળી સ્લાઇસ કરો તે રીતે બે ત્રણ લેયરમાં જીણા-જીણા દાણા કપાય તે રીતે મકાઈ પર છરી ફેરવવી. આમ કવરાથી તમારે મિક્સરમાં મકાઈના દાણા વાટવાની જરૂર નહીં પડે.

હવે મકાઈના દાણાને બટાટા વાળા પુરણમાં એડ કરવા અને સાથે સાથે જીણી સમારેલી કોથમીર પણ એડ કરી લેવી અને બધું બરાબર મીક્સ કરી લેવું. તો તૈયાર છે પરોઠામાં ભરવા માટેનું પુરણ.

તમે જોશો કે થોડીવાર રાખી મુકવાથી પરોઠા માટે બાંધેલો લોટ પણ કુણો થઈ ગયો હશે. હવે પરોઠા બનાવવા માટે તમારે મોટો લૂઓ લેવાનો છે કારણ કે તેમાં સ્ટફીંગ ભરવાનું હોવાથી પરોઠા વણીને તેમાં સ્ટફીંગ ભર્યા બાદ પરોઠામાંથી સ્ટફીંગ બહાર ન આવી જાય. વણતી વખેત એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પરોઠાની કીનારીઓ પાતળી રાખવી અને વચ્ચેથી જાડો વણવો. હવે વણેલા પરોઠામાં એકથી ડોઢ મોટી ચમચી સ્ટફીંગ ઉમેરવું.

હવે તેની કીનારીઓને ભેગી કરીને તેની પોટલી બનાવી લેવી અને પોટલી બનાવતા જે વધારાનો લોટ હોય તેને કાઢી લેવો.

હવે તેને હળવા હાથેથી પહોળુ કરી લેવું. તેના માટે તેના પર થોડું અટામણ એટલે કે રોટલીનો જીણો લોટ જે આપણે રોટલીના અટામણ માટે લઈએ તે છાંટીને હાથેથી થોડું થેપી લેવું. જેથી વણતી વખતે તે ફાટી ન જાય.

આ સ્ટફીંગ બટાટા જેવું સોફ્ટ ન હોવાથી તેમજ તેમાં મકાઈના દાણા આવવાથી પરોઠો વણવામાં તકલીફ થશે. પણ સ્વાદ ખુબ જ સારો આવશે. હવે તેને વેલણથી હળવા હાથે વણી લેવું. અને પરોઠા સારા ન વણાય એટલા માટે તેમાં પુરણ ઉમેરતી વખતે કંજુસાઈ ન કરવી કારણ કે જો પુરણ ઓછું હશે તો નકરા ઘઉંના લોટના સાદા પરોઠા જેવો જ સ્વાદ આવશે પણ પુરણ વધારે ઉમેરવું જેથી સ્વાદ સારો લાગે.

પરોઠો બરાબર વણાઈ જાય એટલે રોટલી બનાવતા હોય તે તવીને ગરમ કરી લેવી અને તેના પર પરોઠો મુકી દેવો. ગેસ ધીમો રાખવો અને સામાન્ય રીતે તમે જે આલુપરોઠા શેકતા હોવ તેમ શેકવું.

બન્ને બાજુ કાચ્ચીપાક્કી શેકાઈ જાય એટલે તેમાં તેલ, બટર કે ઘી જે ભાવતુ હોય તે લગાવીને બન્ને બાજુથી વ્યવસ્થીત શેકી લેવા.

તો તૈયાર છે મકાઈના સ્ટફ્ડ પરાઠા. જેને તમે ચટની, સોસ, દહીં અને અથાણા સાથે પણ સર્વ કરી શકો છો.

નોંધઃ બટાટાને અહીં પુરણ એકબીજા સાથે બંધાઈ રહે એટલા માટે એડ કરવામાં આવ્યા છે જો તમે બટાટા એડ કરવા ન માગતા હોવ તો તમે તેની જગ્યાએ ડુંગળી-કેપ્સીકમ સાંતળ્યા બાદ ગેસ બંધ કરી દીધા બાદ છીણેલુ ચીઝ પણ એડ કરી શકો છો. ચીઝની જગ્યાએ પનીરનો ઉપયોગ પણ કરી શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

મકાઈના સ્ટફ્ડ પરાઠા બનાવવા માટેની વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *