રવા ના મોદક – મીઠાઈ કોઈ તહેવાર હોય તો જ બનાવાય એવું જરૂરી થોડું છે? જયારે મન થાય ત્યારે બનાવાય…

પરંપરાગત રીતે બનાવવા માં આવતા મોદક ચોખા ના લોટ માંથી બનાવવા માં આવે છે જેનું સ્ટફિંગ ટોપરાનું છીણ અને ગોળ માંથી બનાવેલું હોય છે. હવે મોદક માં ઘણી વેરાયટી બનવવા માં આવે છે. એમાં ના એક લોકપ્રિય એવા રવા ના મોદક છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં સરળ એવા રવા ના મોદક આજે જ ટ્રાય કરો.

સામગ્રી :-

બહાર ના લેયર માટે

1/2 કપ રવો

1/2 કપ કન્ડેન્સ મિલ્ક

1 કપ હુંફાળું દૂધ

2 ચમચા ગરમ દૂધ માં 15-20 તાંતણા પલાળેલું કેસર

ચપટી ઈલાયચી પાવડર

2 ચમચા ઘી

સ્ટફિંગ માટે

1/4 કપ ઝીણા સમારેલા મિક્સ ડ્રાયફ્રુટ ( બદામ, કાજુ અને પિસ્તા)

2 ચમચા કન્ડેન્સ મિલ્ક

1/4 કપ સૂકા ટોપરાનું છીણ

2 ઈલાયચી નો ભુકો

1 ચમચી ઘી

રીત:-

સૌ પ્રથમ કડાઈ માં 2 ચમચા ઘી મૂકી ને રવો ઉમેરો. ધીમી આંચ પર રવો આછા ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં દૂધ , કન્ડેન્સ મિલ્ક , ઈલાયચી પાવડર તેમજ પલાળેલા કેસર માંથી અડધું દૂધ રવા માં ઉમેરી ધીમા ગેસ પર બધું મિક્સ કરી ને હલાવતા જાવ . ધીમી આંચ પર મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ માં ભેગું થાય ત્યાં સુધી હલાવો. હવે આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એક પૅન માં 1 ચમચી ઘી ગરમ કરવા મુકો તેમાં સૂકા ટોપરા નું છીણ અને ડ્રાયફ્રુટ ઉમેરી ને 1-2 મિનિટ માટે સાંતળો. તેમાં કન્ડેન્સ મિલ્ક, થોડું બાકી રાખેલું કેસર વાળું દૂધ અને ઈલાયચી પાવડર ઉમેરી ને ઘટ્ટ થાય એટલી વાર ગરમ કરો. હવે એને એક બાઉલ માં નીકાળી લો. હવે મોદક નું મોલ્ડ અંદર ઘી થી ગ્રીસ કરો. હવે મોલ્ડ ને બંધ કરી ને અંદર હુંફાળું થયેલું રવા નું મિશ્રણ દબાવી ને ભરો. વચ્ચે થોડી જગ્યા રાખો જેમાં સ્ટફિંગ ભરી શકાય.( ફોટો માં દેખાડયા મુજબ) વચ્ચે ખાલી જગ્યા માં ડ્રાયફ્રુટ અને ટોપર નું છીણ ભરો અને ફરી થોડું રવા નું મિશ્રણ ભરી ને એકદમ દબાવી ને વધારા નું નીકાળી લો . હવે મોલ્ડ ખોલી ને મોદક બહાર નીકાળી લો. બધા મોદક આવી રીતે બનાવી લો. ગણપતિજી ની પૂજા માં મુકવા માટે સ્વાદિષ્ટ મોદક તૈયાર છે. તો આજે જ બનાવી લો આ સરળ અને ટેસ્ટી એવા મોદક ગણેશજી ને ધરાવા માટે ..

નોંધ :-રવો મોલ્ડ માં ભરતી વખતે વધુ કઠણ લાગે તો 2 ચમચી ગરમ દૂધ ઉમેરી ને સોફ્ટ કરો.

સ્ટફિંગ માં તમારી ઈચ્છા મુજબ ફેરફાર કરી શકાય .

ડ્રાયફ્રુટ અને માવા નું સ્ટફિંગ પણ સારું લાગે છે.

રવો વધુ પડતો ના શેકવો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *