ઇન્સ્ટન્ટ સેવ ખમણી અને ચટણી – ફક્ત અડધો કલાકમાં બનીને ખાવા માટે થઇ જશે તૈયાર…

ઇન્સ્ટન્ટ સેવ ખમણી અને ચટણી (Instant Sev Khamani & Chatney)

ચણાના લોટમાંથી ફક્ત 25-30 મિનિટમાં બની જાય છે. જલ્દીથી કંઇક ગરમ નાસ્તો બનાવવો હોય, કોઇ મહેમાન આવે ત્યારે કે મુસાફરીમાં સાથે લઇ જવું હોય તો આ ખૂબ સારું ઓપ્શન છે. આમ તો ખમણ પણ સારા જ લાગે છે. પણ તેમાંથી બનાવેલી ખમણી ખાવામાં વધારે સરસ લાગે છે અને ચમચીથી આસાનીથી ખાઇ શકાતી હોવાથી ક્યાંય લઇ જવામાં કે પેક કરવામાં આસાન રહે છે…

આમ તો વાટેલી દાળમાંથી ખમણ બનાવી સેવ ખમણી બનતી હોય છે. સાથે આ રીતે બનાવેલી ઇન્સ્ટન્ટ પણ એટલી જ સ્વાદમાં મસ્ત લાગે છે… સાથે સેવ ખમણીમાં ખાસ ખવાતી ચટણી પણ બનાવી છે…

3 વ્યક્તિ માટે, સમય: 30-40 મિનિટ

સામગ્રી:

▶️ખમણી માટે,

  • • 1+1/2 કપ ચણાનો લોટ(220 ગ્રામ જેટલો)
  • • 2 ટેબલ સ્પૂન આદું મરચાની પેસ્ટ
  • • 1/2 ટીસ્પૂન મીઠું
  • • 1/2 ટીસ્પૂન હળદર
  • • 3 ટેબલ સ્પૂન ખાંડ
  • • 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ
  • • 1 કપ પાણી
  • • 1 ટીસ્પૂન ઇનો

તેના વઘાર માટે,

  • • 1/2 કપ પાણી
  • • 1 ટેબલ સ્પૂન ખાંડ
  • • થોડુંક મીઠું
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 1 ટીસ્પૂન રાઇ
  • • 1/4 ટીસ્પૂન હીંગ
  • • 2 લીલા મરચાં
  • • 8-10 મીઠા લીમડાનાં પાન
  • • 2-3 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર

▶️ચટણી માટે,

  • • 2 ટેબલ સ્પૂન શીંગદાણા
  • • 3 ટેબલ સ્પૂન છીણેલું કોપરું
  • • 3-4 લીલા મરચાં
  • • 1 ટુકડો આદું
  • • 15-20 ગ્રામ કોથમીર
  • • 1/2 ટીસ્પૂન મીઠું
  • • 1 ટીસ્પૂન ખાંડ
  • • 1 લીંબુનો રસ
  • • 1/4 કપ પાણી

▶️ઉપરથી સજાવવા

  • • 1/2 કપ ઝીણી મોળી સેવ
  • • 1/4 કપ દાડમનાં દાણા
  • • 1-2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર

રીત:

1️⃣ ▶️ખમણી બનાવવા માટે, એક તપેલીમાં લોટ ચાળીને લેવો. તેમાં મીઠું,ખાંડ, હળદર નાખી થોડું થોડું પાણી ઉમેરી ઢોકળાં જેવું ખીરું બનાવવું. લગભગ 1 કપ પાણી જશે.

2️⃣આદું મરચા ખાંડીને ખીરામાં ઉમેરવા. લીંબુનો રસ પણ એડ કરી દેવો.બધું બરાબર મિક્સ કરી લેવું.

3️⃣ગેસ ઓન કરી સ્ટીમરમાં પાણી ગરમ મૂકવું. તેના પર સ્ટેન્ડ ગોઠવી ખમણનું મોલ્ડ તેલ લગાવી મૂકવું. પાણી ઉકળે એટલે ખીરામાં ઇનો ઉમેરી 1 મિનિટ માટે ફેંટવું. તરત જ તેને ગરમ મોલ્ડમાં પાથરી દેવું. બરાબર લેવલ કરી સ્ટીમરને ઢાંકી દેવું.

4️⃣10-15 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર સ્ટીમ થવા દેવું. પછી બહાર કાઢી ઠંડા કરી ખમણને ચોરસ ટુકડામાં કાપી લેવા.

5️⃣▶️વઘાર માટે, એક કપમાં વઘાર માટેનું પાણી લઇ તેમાં ખાંડ ઓગાળવી. મીઠું ઉમેરવું. બનેલા ખમણને હાથથી મસળી ભૂકો કરી લેવો. ખમણ સારા બન્યા હશે અને ફૂલ્યા હશે તો ભૂકો એકદમ છૂટો બનશે અને ચોંટશે નહીં. એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઇ હીંગ નો વઘાર કરવો. તેમાં લીલા મરચાં અને મીઠા લીમડાનાં પાન નાખવા. પછી બનાવેલું ખાંડ,મીઠાનું પાણી નાખવું.

6️⃣સહેજ ઉકળે એટલે ખમણનો ભૂકો ઉમેરવો. ખમણી પાણી શોષીને સોફ્ટ બનશે અને છૂટી જ રહેશે. તેમાં ઉપરથી કોથમીર નાખી મિક્સ કરી લેવી.

7️⃣▶️ચટણી બનાવવા માટે, કોથમીર બરાબર ધોઇ લેવી. તેમાં લીલા મરચાં અને આદું ને સમારીને નાખવા. મિક્સર જારમાં સૌથી પહેલા શીંગદાણા અને કોપરાને પીસી લેવા. પછી તેમાં કોથમીર, મરચાં, આદું, ખાંડ, મીઠું, લીંબુનો રસ,થોડુંક પાણી નાખી ફરી બરાબર પીસવું. પાણી જરુર મુજબ ઉમેરવું. આ ચટણીમાં બીજી સામગ્રી સામે કોથમીર પ્રમાણમાં ઓછી લેવી. એકરસ પીસાઇ જાય એટલે બાઉલમાં કાઢી લેવી.

8️⃣▶️સર્વ કરવા માટે, એક પ્લેટમાં નાનું રીંગ મોલ્ડ મૂકી ચારેબાજુ ખમણી પાથરવી. મોલ્ડ સાચવીને ઉઠાવી તે જગ્યાએ ચટણી મૂકવી. ખમણી પર ચારેબાજુ સેવ,દાડમનાં દાણા, કોથમીર પાથરવી. તમને ભાવે તેટલી સેવ ઉપરથી નાખી ચટણી સાથે ખમણીની મજા લેવી.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *