બાળકો રોટલી ન ખાતા હોય તો વધેલી રોટલીમાંથી બનાવો સ્પાઇસી રોટલી નૂડલ્સ..

બાળકોને ચાઈનીઝ ખુબ ભાવતું હોય છે અને તેમાં મંચુરિયન અને નૂડલ્સ તો તેમના ફેવરીટ હોય છે. પણ નૂડલ્સ વધારે ખાવા તે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી માટે તેમને આ રીતે રોટલીના નૂડલ્સ ખવડાવીને તેમના નૂડલ્સના ચટાકાને સંતોષી શકાય છે. તો સીમાબેન લાવ્યા છે વધેલી રોટલીમાંથી બનાવેલી સ્પાઇસી ટેંગી રોટલી નૂડલ્સ. તો ચાલો નોંધી લો રેસીપી

સ્પાઇસી રોટલી નૂડલ્સ બનાવવા માટેની સામગ્રી

5-6 નંગ રોટલી

2 ટેબલ સ્પૂન તેલ

½ ચમચી લસણની પેસ્ટ

1 મિડિમય ડુંગળી લાંબી સમારેલી

½ કેપ્સિકમ લાંબુ સમારેલું

½ કપ કોબી લાંબી સમારેલી

½ કપ છીણેલું ગાજર

2 ટેબલ સ્પૂન સોયાસોસ

2 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ

1 ટેબલ સ્પૂન કેચપ

સ્પાઇસી રોટલી નૂડલ્સ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 5-6 નંગ વધેલી રોટલી અથવા તાજી જ બનેલી રોટલી લેવી. તેના રોલ્સ બનાવી તેને અહીં બતાવ્યું છે તે પ્રમાણે કટ કરી લેવા.

ઉપર જણાવ્યું છે તે પ્રમાણે જો રોટલીને કટ કરવામાં આવશે તો અહીં બતાવવામં આવ્યું છે તે રીતે રોટલીના લાંબા નૂડલ્સ જેવા કટકા થશે. અને બાળકોને ખબર પણ નહીં પડે કે તે રોટલી છે.

હવે રોટલી નૂડલ્સ બનાવવા માટે એક પેન લેવું. તેમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં અરધી ચમચી લસણની પેસ્ટ ઉમેરવી. તેને મધ્યમ તાપે જ અરધી મીનીટ માટે સાંતળી લેવી.

અરધી મિનિટ બાદ તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરી દેવી. તેને હાઈ ફ્લેમ પર એક મિનિટ માટે તેલમાં સાંતળી લેવી.

હવે એક મિનિટ બાદ તેમાં અરધુ કેપ્સિકમ લાંબુ પાતળુ સમારીને તેમજ કોબીને પણ લાંબી પાતળી સમારીને ઉમેરી દેવી. તમને ગમે તેટલા પ્રમાણમાં શાક લેવા. આ બન્ને વસ્તુને અરધી મિનિટ માટે સાંતળી લેવી.

હવે અરધી મિનિટ બાદ તેમાં અરધો કપ છીણેલુ ગાજર ઉમેરી દેવું. જો તમે ગાજર છીણ્યું ન હોય પણ લાંબુ સમારેલું હોય તો તેને કેપ્સીકમ સાથે જ ઉમેરી દેવું.

હવે તેમાં બે મોટી ચમચી ડાર્ક સોયા સોસ અને તીખાશ માટે બે મોટી ચમચી રેડ ચીલી સોસ ઉમેરવો. જો સાથે સાથે તમારે ગ્રીન ચીલી સોસ ઉમેરવો હોય તો રેડ ચીલી સોસ એક જ ચમચી ઉમેરવો.

હવે તેમાં એક મોટી ચમચી ટોમેટો કેચપ ઉમેરી દેવો. ટોમેટો કેચપથી રોટલી નુડલ્સમાં ટેન્ગી ટેસ્ટ આવશે જે છોકરાઓને ભાવશે. હવે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.

મસાલો અગાઉથી બનાવી ન રાખવો નહીંતર વેજિટેબલ્સ ક્રિસ્પી નહીં રહે અને ખાવાની મજા નહીં આવે. હવે અરધી મિનિટ બાદ તેમાં રોટલીના કાપેલા જે નૂડલ્સ તૈયાર કર્યા છે તે ઉમેરી દેવા.

હવે તેને બરાબર મસાલા તેમજ વેજિટેબલ્સ સાથે મિક્સ કરી લેવા. તેને હળવા હાથે મિક્સ કરવા જેથી કરીને રોટલી ટૂટે નહીં. અહીં મીઠુ ઉમેરવામાં નથી આવ્યું કારણ કે ચીલી સોસ તેમજ સોયાસોસ તેમજ કેચપમાં પહેલેથી જ મીઠુ હોય છે. માટે તમે પણ ટેસ્ટ કર્યા બાદ જ જરૂર લાગે તો જ મીઠુ ઉમેરો.

તો તૈયાર છે રોટલીના નૂડલ્સ. અહીં પહેલી નજરે તો ખ્યાલ પણ ન આવે કે આ રેગ્યુલર નૂડલ્સ નહીં પણ રોટલીના નૂડલ્સ છે. અને બાળકોને નૂડલ્સ બહુ ભાવતા હોય છે જે રોજ રોજ ન ખવડાવી શકાય તો અઠવાડિયે એકવાર રોટલીના નૂડલ્સ પણ બનાવી શકાય.

રસોઈન રાણીઃ સીમાબેન

સ્પાઇસી રોટલી નૂડલ્સ બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *