આજે ઉપવાસ કરવાના ફાયદા જાણીને તમે પણ ઉપવાસ કરવાના શરૂ કરી દેશો !!!

ઉપવાસઃ એક ઉત્તમ ડીટોક્સ

ઉપવાસની શરૂઆત ખૂબ જ ધીમી રીતે કરવી જોઈએ. પહેલો એક પણ ઉપવાસ કર્યા વગર ચાતુર્માસ કે અઠ્ઠાઈ ન કરાય. ઉપવાસ કરતી વખતે ઉપવાસના બેઝિક મુદ્દા અનુસરવા જોઈએ. એ વાત જુદી છે કે આજના સમયમાં આ પ્રમાણેના ઉપવાસ કોઈ કરતું જ નથી. અત્યારે તો ઉપવાસ એટલે રોજીંદા જીવનમાંથી છૂટકારો લઈને ભાવતાં ફરાળી ચવાણા અને તળેલા બફવડાની ઉજવણી. હવે તો બાકી હતાં તો ફરાળી બીસ્કીટ પણ મળે છે એટલે ઉપવાસના નામે ફક્ત તહેવારોની ઉજવણી જ કરવામાં આવે છે.
ઉપવાસની શરૂઆત ધીમેથી કરવાનું કારણ એ કે તેમ કરવાથી શરૂઆતમાં શરીર કેળવાય છે અને પછી એ તે માટે લાંબાગાળા માટે તૈયાર થાય છે. ખરેખર તો ઉપવાસનોં ધાર્યા પ્રમાણેનો ફાયદો મેળવવા ઉપવાસ દરમિયાન ચા, કોફી, દારૂનું વ્યસન બીલકુલ બંધ કરી દેવું જોઈએ. આ ઉપરાંત માંસ મચ્છી વિગેરેનો પણ તંયાગ કરવો જોઈએ.

ઉપવાસ અને ભૂખમરો એ બંને જૂદી વસ્તુઓ છે. ઉપવાસ કરવાથી શરીર તેણે ભેગી કરેલી એક્સ્ટ્રા ચરબીનો બળતણ તરીકે ઉપયોગ કરે છે જ્યારે ભૂખમરો કરવાથી શરીરે તેની ભેગી કરેલી એક્સ્ટ્રા એનર્જી વાપરીને શરીરના ટીશ્યુ અને મસલમાસ વાપરવા લાગે છે. શરીરને આવી પોઝીશનમાં નાંખતા પહેલાં ઉપવાસ બંધ કરી દેવા જોઈએ.
વધુ પડતાં ઉપવાસ કરવાથી આખો દિવસ જાણે ભૂખ લાગ્યા કરતી હોય તેવું લાગવા માંડે છે. આ ઉપરાંત શરીર દુઃખવું, માથાનો દુઃખાવો અને સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે આ ઉપરાંત વારંવાર ઉલટી થવી એલર્જી, મોમાંથી વાસ આવવી તે ઉપરાંત શરદી અને કફના જેવા લક્ષણો લાગવા માંડે છે. ઉપવાસ દરમિયાન જાણે શરીર ચાલતું નથી તેવું લાગવું બહુ જ સામાન્ય બાબત છે. પરંતુ જેવા સામાન્ય ખોરાક ચાલુ થાય ત્યારે બધું જ નોર્મલ લાગવા માંડે છે.

ફક્ત દૂધ અને ફ્રૂટવાળા ઉપવાસઃ-

દૂધ એ કમ્પ્લીટ મીલ છે. તે ઉપરાંત તેમાંથી કેલ્શીયમ, વિટામીન, પ્રોટીન બધું જ મળી રહે છે. અઠવાડિયામાં એકાદ વખત ફક્ત દૂધ અને ફ્રૂટ પર રહેવામાં આંતરડાને આરામ મળી રહે છે. ફ્રૂટ એ એક પ્રકારનું ક્લીન્ઝર છે. તેમાં એનર્જી વિટામીન અને મીનરલ્સ મળે છે. આમ દૂધ અને ફ્રૂટ લેવાથી શરીરમાં ક્લીન્ઝીંગ થાય છે અને તાકાત પણ મળે છે.

ફરાળી ઉપવાસઃ-
ફરાળમાં મોરૈયો, સાબુદાણા, રાજગરો, ફળ, દૂધ. વિગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ પડતી ફરાળી વાનગીઓ આરોગવાથી વજન ઘટવાને બદલે વધી શકે છે. જો દિવસમાં એક વખત ફરાળી વાનગીઓ ઓછા તેલ, ઘી વાળી વાપરવામાં આવે તો તે નુકસાન કરતી નથી.

ઘણા લોકો અલૂણા કરે છે પરંતુ સામે માવા-મિઠાઈ ઝાપટી જાય છે. ત્યારે શરીરમાં સોડિયમ ઓછુ થાય છે અને કોલેસ્ટેરોલ વધી જાય છે.
જો તમે એસીડીટીના પેશન્ટ હોવ તો લાંબો ટાઇમ ભુખ્યા રહેવાથી તે વધી શકે છે. થોડો, થોડો ખોરાક, થોડા થોડા અંતરે લેવો હિતાવહ છે. આ ઉપરાંત એક જ સમયે ભૂખ્યા પેટે ભારે ખોરાક લેવાથી પણ એસીડીટી વધી જાય છે.

વધુ પડતાં ફરાળી ખોરાક ડાયાબીટીસ અને હાઇબ્લડ પ્રેશરવાળા દર્દીઓને માફક આવતાં નથી. સાબુદાણા બટાકા વિગેરેમાં કાર્બોહાઇડ્રેટ્સની માત્રા વધુ હોવાથી તે તકલીફ સર્જી શકે છે. તળેલા ખોરાક અને મીઠાઈ ન વાપરી દૂધી, કોળુ, સફરજન, પપૈયુ તથા સ્કીમ મિલ્કનો ઉપયોગ કરવો જોઈએ.

આ ઉપરાંત ઉપવાસ દરમિયાન લીકવીડનો ઉપયોગ એકદમ વધારી દેવો જોઈએ. લીકવીડમાં જેટલું બને તેટલું વધુ પાણી ઉપરાંત સ્કીમ મિલ્ક, સ્કીમ મિલ્કની છાશ, લીંબુ પાણી, નાળીયેર પાણીનો સમાવેશ કરી શકાય છે.

ઉપવાસ પત્યા પછી શું ?
એ તો આપણે બધા જ સમજીએ છીએ કે ઉપવાસ પતે પછી થોડું અને ધીરે ધીરે ખાવું જોઈએ પણ મન માનતું નથી. કસીને પકડી રાખેલું અને દિવસો સુધી ભાવતાં ભોજનથી દૂર રહીને, છેલ્લી રાત્રે તો ભાવતા ભોજનમાં સ્વપ્ના આવે છે. ઉપવાસ પત્યા પછી વ્યક્તિને આખો દિવસ ફક્ત ખાવાનું જ મન થાય છે. જે વસ્તુઓએ ઉપવાસ પહેલાં નહોતી ભાવતી તે પણ ખાવાનું મન થાય છે. અહીં એ વસ્તુ યાદ રાખવાની રહે છે કે તમે ધીરે ધીરે ખાવાનું ચાલુ કરો કે ગમે તેટલુ ધ્યાન રાખો ઉપવાસ દરમિયાન ઉતારેલુ વજન લગભગ 3થી 6 દિવસમાં અડધાથી ઉપર તો વધી જ જાય છે.

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ઉપવાસ દરમિયાન આંતરડા નબળા પડી ગયા છે. અને પાચનશક્તિ મંદ. માટે જો ઉપવાસના પારણામાં જ વધુ પડતા તળેલા કે ભારે ખોરાક ખાધા તો પેટ દુઃખવા માંડશે અને અપચો થઈ જશે. શરૂઆતના 2-3 દિવસ ખૂબ જ હલકો અને થોડો ખોરાક ખાવો જરૂરી છે.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *