સ્ટોર કરો વરીયાળી શરબત અને આખો ઉનાળો ઇન્સ્ટન્ટ બનાવીને પીઓ…

મિત્રો, ઉનાળાની સીઝન આવી ચુકી છે. આ સીઝનમાં ઠંડક બક્ષે તેવા જાતજાતના શરબત ઠેર ઠેર પીવાય છે. આજે હું ઇન્સ્ટન્ટ વરીયાળીનું શરબત બનાવવા જઈ રહી છું જેને ફટાફટ બનાવી શકાય તેમજ સ્ટોર પણ કરી શકાય. તેને બનાવવું પણ સાવ ઇઝી છે અને માત્ર બે જ ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી બનાવી શકાય છે.

વરીયાળીનો અનેરો સ્વાદ તેમજ મનમોહક સુગંધને લીધે સૌને પ્રિય છે વળી, આ શરબત ઠંડક તેમજ તાજગી બક્ષે છે. તો ચાલો બનાવીએ વરીયાળીનું ઠંડુ ઠંડુ શરબત

સામગ્રી :


# 100 ગ્રામ વરીયાળી

# 200 ગ્રામ ખડી સાકર

સાકરના ઓપ્શનમાં ખાંડ પણ લઇ શકાય.

તૈયારી :

# વરીયાળી અને સાકરનો બારીક પાવડર બનાવી લેવો.

રીત :

1) સૌ પ્રથમ એક તપેલીમાં સાકરનો પાવડર લો.

2) તેમાં સાકર ડૂબે તેનાથી થોડું વધુ (લગભગ 250 મિલી) પાણી નાખી મીડીયમ આંચ પર ગરમ કરો. સતત હલાવતા રહી સાકરને મેલ્ટ થવા દો.

3) સાકરનો પાવડર પાણીમાં મેલ્ટ થઇ જાય અને પાણીમાં બબલ્સ દેખાવાના શરુ થાય એટલે તુરંત સ્ટવ ઓફ કરી દેવો. સાકરને ફક્ત મેલ્ટ કરવાની છે ચાસણી બિલકુલ બનાવવાની નથી. જો ચાસણી બની જાય તો શરબત જામી જાય છે, અને જો ભૂલથી ચાસણી બની જાય, તો થોડું પાણી ઉકળે તેવું ગરમ કરી તેમાં નાખીને સ્લો ફ્લેમ રાખી સ્ટવ પર ચડાવીને પાછું પાડી શકાય.

4) સાકર અને પાણીનું આ મિશ્રણ સાવ ઠંડુ પડે ત્યારબાદ તેમાં વરીયાળી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.

5) તો તૈયાર છે વરીયાળીનું શરબત, તેને એરટાઈટ કન્ટેનર અથવા કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકાય.જયારે શરબત પીવું હોય ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં દોઢ થી બે ટેબલ સ્પૂન આ શરબત નાખી બરાબર મિક્સ કરી, ગાળીને બનાવી શકાય.
આ શરબત રેફ્રિજરેટરમાં રાખવાથી ચાર થી પાંચ મહિના સુધી ખરાબ થતું નથી.

નોંધ : ખાંડ પાણીમાં ઝડપથી મેલ્ટ થઇ જાય છે, માટે જો સાકરના ઓપ્શનમાં ખાંડ લીધી હોય તો પાવડર બનાવવાની જરૂર નથી

મરી અને વરીયાળીનું સારું કોમ્બીનેશન છે, જે વરિયાળીના સ્વાદને ખુબજ સ્વાદિષ્ટ બનાવે છે, માટે અડધી ચમચી મરી પાવડર વરિયાળીના પાવડર સાથે નાખી શકાય. તેમજ સર્વ કરતી વખતે ચપટી ચંચળ પાવડર તેમજ શેકેલ જીરાનો પાવડર પણ ઉમેરી શકાય.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠિયા (રાજકોટ)

Join the discussion

Your email address will not be published. Required fields are marked *