વેજીટેબલ પરાઠા – બાળકો ના ટિફિન માં આપી શકાય એવા સરળ વેજીટેબલ પરાઠા.

આલુ પરાઠા બધા જ બાળકો ને ભાવતા હોય છે જો આપણે એકલા બટેટા ના સ્ટફિંગ બદલે વેજીટેબલ નું પણ જોડે સ્ટફિંગ કરીએ તો ટેસ્ટ તો સરસ આવશે જ અને હેલ્થી પણ થઇ જશે.

બાળકો ના ટિફિન માં આપી શકાય એવા સરળ વેજીટેબલ પરાઠા ની રીત આ મુજબ છે.

સામગ્રી:-

કણક માટે:-

3 કપ ઘઉં નો લોટ

2 ચમચી તેલ

મીઠું સ્વાદાનુસાર

પાણી

સ્ટફિંગ માટે:-

3 બાફેલા બટેટા

1/4 કપ બાફેલા વટાણા

1/4 કપ બાફેલા ગાજર

1/4 કપ બાફેલી ફણસી

1/4 સમારેલું કેપ્સિકમ

1 સમારેલી ડુંગળી

1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ

2 ચમચા સમારેલી કોથમીર

1 ચમચી તેલ

હિંગ ચપટી

1 ચમચી મરચું

1 ચમચી ધાણાજીરુ

1/2 ચમચી હળદર

1/8 ચમચી ગરમ મસાલો

1/4 ચમચી આમચૂર પાવડર

મીઠું સ્વાદાનુસાર

2 ચમચાં ટોસ્ટ નો ભૂકો

ઘી પરાઠા શેકવા માટે

રીત:-

સૌ પ્રથમ ઘઉં ના લોટ માં તેલ અને મીઠું નાખી ને મિક્સ કરો. હવે પાણી ની મદદ થી સોફ્ટ કણક બાંધી લો. આ કણક ને 30 મિનિટ રેસ્ટ આપો એનાથી પરોઠા વધુ પોચા બને છે.

એક કડાઈ માં એક ચમચી તેલ મુકો અને તેમાં હિંગ અને હળદર ઉમેરો. ત્યાર બાદ સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી ને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરો અને ઠંડુ થાય પછી ઉપયોગ માં લો.

હવે એક બીજા બાઉલ માં બાફેલા બેટેટા, વટાણા, ગાજર, ફણસી લો. તેમાં સાંતળી ને રાખેલા ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો. બધા મસાલા મરચું, ધાણાજીરું, આમચૂર, ગરમ મસાલો, આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો. કોથમીર પણ ઉમેરો.

બધું બરાબર પાઉભાજી ક્રશર થી ક્રશ કરી ને મિક્સ કરો અને ટોસ્ટ નો ભૂકો ઉમેરો. ફરી થી બધું મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે.

પરોઠા વણવા માટે:-

ઘઉંની કણક માંથી રોટલી ના કરીએ એવા લુઆ કરો. હવે 2 લુઆ લો માંથી 2 એકસરખી જાડી નાની રોટલી વણો.

એક રોટલી પર થોડું સ્ટફિંગ મૂકી ને વચ્ચે સ્પ્રેડ કરો. કિનારી એ થોડું પાણી લગાવો અને બીજી રોટલી ઉપર મુકો. કાંટા ની મદદ થી કિનારી બંધ કરો. ફોટો માં બતાવ્યા મુજબ.

હવે થોડું અટામણ લઇ ને હલકા હાથે પરાઠું વણી લો.

બધા પરોઠા આ રીત થી તૈયાર કરો.

ગરમ તવા પર પરોઠા બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘી લગાવી ને શેકી લો.

આ પરાઠા ને દહીં, ચટણી, સોસ, રાયતું કે સૂપ સાથે સર્વે કરો.

બાળકો ને ટિફિન માં ચીઝ સ્પ્રેડ સાથે પણ આપી શકાય.

નોંધ:-

બટેટા અને બધા શાક થોડા વહેલા બાફી લેવા જેથી તે સ્ટફિંગ ને ચીકણું ના બનાવે.

બાફેલા શાક પાણી પોચા ના હોવા જોઈએ. બને તો બધું વરાળે બાફો.

સ્ટફિંગ વહેલા બનાવી ને ફ્રીઝ માં મૂકી શકાય છે.જેથી પરોઠા માં સ્ટફિંગ સરસ થાય છે.

ટોસ્ટ ના ભૂકા ને બદલે ફ્રેશ બ્રેડ નો ભૂકો પણ લેવાય અથવા કોર્નફ્લેક્સ નો ભૂકો પણ લેવાય. તમને ગમતાં બીજા શાક ઉમેરી શકાય.

ભાજીપાવ નો મસાલો પણ ઉમેરી શકાય છે .એનાથી ટેસ્ટ સારો આવે છે

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *