હવે તરબુચની સીઝન ચાલુ થઇ ગઈ છે તો તમે શરૂઆત કરી કે નહિ તરબૂચ ખાવાની…

તરબુચના સ્વાસ્થ્યવર્ધક ફાયદા


નાનપણમાં મને તરબુચ ખાવું ખુબ જ ગમતું હતું. નાનપણમાં હું તેની ચીરીઓ ખાતી ત્યારે તેમાંથી નીકળતા બીયા હું ફેંકી દેતી હતી. જો કે મને તેના ફાયદાની તે વખતે જાણ હોત તો કદાચ મેં તેને ન ફેંક્યા હોત. બહાર ઉકાળી નાખતી ગરમી હોય અને હું ઘરની ઠંડકમાં સોફા પર બેઠી હોઉં મને વળી બહારના તાપની શું ખબર હોવાની. જોકે તરબુચ એ ઉનાળાના દિવસોમાં જાણે રોજનો ખોરાક જ થઈ જતો હતો. ગયા ઉનાળે જ્યારે મારા મમ્મીએ મને કાપેલા તરબુચના ટુકડા એક ડીશમાં આપ્યા ત્યારે મારા મનમાં કૂતુહલ જાગ્યું કે તરબુચ આપણા શરીર માટે કેટલું લાભપ્રદ ? તો મેં શું જાણ્યું તે આ રહ્યું. તરબુચ ખાવાથી આપણને આ 6 મુખ્ય લાભો થાય છે જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભપ્રદ છે.


1. તરબુચનો જ્યુસઃ વર્કઆઉટ કરતા પહેલાં પીવા માટેનું બેસ્ટ પીણું

શું તમે હાર્ડકોર એક્સરસાઈઝ કરો છો ? તો તમારે એક પ્યાલો તરબુચનો જ્યૂસ તો પી જ જવો જોઈએ. આ ફળમાં પ્રાણમૂલક એમિનો એસિડ હોય છે જે વર્કઆઉટ બાદ સ્નાયુઓમાં જે દુઃખાવો થાય છે તેમાં રાહત આપે છે. એથલિટો પર કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે L- સાટ્રુલિન (એટલે કે પ્રાણમૂલક એમિનો એસિડ જેની આપણે હમણા જ વાત કરી) તે તરબુચમાં મળી આવતો એક ઉત્તમ ઘટક છે તે માત્ર તિવ્ર શારીરિક કસરત બાદ થતું સ્નાયુઓનું કળતર જ નથી ઘટાડતું પણ તેનાથી વધી ગયેલા હૃદયના ધબકારા પણ સામાન્ય થાય છે. જો તમે તિવ્ર વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝ બાદ તમારા હાથ ન હલાવી શકતા હોવ, તો ચિંતામુક્ત થઈ જાઓ, તરબુચનો જ્યુસ ગટગટાવી જાઓ. એ પણ યાદ રાખો કે કસરત કરતાં પહેલાં પણ તમારે થોડો વોટરમેલન જ્યૂસ પી લેવો જોઈએ.


જો તમે મને એવું પુછતા હોવ કે આ એલ-સાઇટ્રુલિન ઘટક કળતરમાં રાહત આપે છે, તો તેને સપ્લિમેન્ટ દ્વારા લઈ શકાય ? તો હું તમને સલાહ આપીશ કે આ એમિનો એસિડનું શરીરમાં શોષણ ત્યારે સારી રીતે થશે જ્યારે તેને તરબુચના જ્યૂસ તરીકે લેવામાં આવે નહીં કે બીજી કોઈ રીતે. હકીકતમાં, આ એમિનો એસિડનું પ્રમાણ વધારી તેને તેને જ્યૂસમાં ભેળવવામાં આવે, ત્યારે પણ કુદરતી તરબુચના જ્યુસ પીવા જેટલું પ્રમાણ તમને તેમાંથી મળશે.


2. લાઇકોપિનનો ઉત્તમ સ્રોત

આ ફળનો બીજો ઘટક છે લાઇકોપીન જે તમને ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક લાભ પ્રદાન કરે છે. તમે તરબુચના માવાનો પેલો લાલ-ગુલાબી રંગ તો જોયો જ છે ? તે આ લાઇકોપિન ઘટકને આભારી છે (આ તે જ ઘટક છે જે ટામેટાને લાલ અને જામફળને ગુલાબી રંગ આપે છે.) તેનો અર્થ એ થાય છે કે તરબુચના સેવન પછી તરત જ તમને લાઇકોપીન મળી જાય છે જેના માટે આગળ કોઈ પણ જાતની પ્રક્રિયાની જરૂર પડતી નથી (ટામેટામાં મળી આવતા લાઇકોપીનની વિરુદ્ધ). લાઇકોપીન ઘટક ડાયાબિટિસ, ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર્સ, કાર્ડિયોવાસ્ક્યુલરની જટીલતાઓ, અને વ્યાધિજનક હૂમલાઓ સામે રક્ષણ આપે છે. તો હવે જ્યારે તમે તરબુચના પીસ ખાઈલો અને ત્યાર બાદ જે પેલું ગુલાબી પાણી વધે તેને ફેંકી નહીં દેતા પી જવું, તે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.


3. એન્ટિઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્રોત

શરીરમાં ચાલતી વિવિધ પ્રક્રિયાઓના પરિણામે, કેટલાક મુક્ત અણુઓ બને છે જે નુકસાનકારક હોય છે અને તમારા શરીરને નક્કર રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ મુક્ત અણુઓની અસરને સામાન્ય કરવા માટે તેમજ ઓક્સિડેટિવ સ્ટ્રેસમાં ઘટાડો કરવા, શરીરને એન્ટિઓક્સિડન્ટ્સ પુરા પાડવા પડે છે. લિકોપેને અને સાઇટ્રુલાઇન ઉપરાંત, તરબુચમાં આ બીજા એન્ટિઓક્સિડેન્ટ્સ પણ હાજર છે જેને એસ્કોર્બિક એસિડ અને બેટા-કેરોટિન કહેવાય છે. તે મુક્ત અણુઓ દ્વારા શરીરને થયેલી હાની જેવી કે લોહીની નળીઓ સાથે જોડેયાલી સમસ્યાઓ, હૃદયના રોગો, અને ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર્સ જેમ કે પાર્કિન્સન્સ અને અલઝાઈમર્સ જેવા રોગો થવાનું જોખમ ઘટાડે છે.


4. એક કુદરતી વાયગ્રા

તમને યાદ છે મેં તમને ઉપર જણાવ્યું કે તમારે જીમમાં કસરત કરતા પહેલાં એક ગ્લાસ વોટરમેલન જ્યુસ પી જવો જોઈએ અને તે કસરત દરમિયાન તમારા વધી ગયેલા હૃદયના ધબકારાને બેલેન્સ કરે છે ?


હા, તેવું એટલા માટે થાય છે કારણ કે તરબુચ હૃદય તરફનો બ્લડનો ફ્લો વધારે છે. આ બ્લડ ફ્લો માત્ર હૃદય પુરતો જ નથી વધતો પણ સાઇટ્રુલાઇ, આર્જીનાઇન અને નાઇટ્રીક ઓક્સાઇડ જે તરબુચમાં હોય છે તે લોહીની નળીઓને રિલેક્સ કરે છે જેના કારણે સમગ્ર શરીરમાં લોહીનો ફ્લો વધી જાય છે ખાસ કરીને જનનેન્દ્રીઓમાં. બરાબર આ જ રીતે વાયગ્રા કામ કરે છે – તે પણ શરીરના નીચેના ભાગમાં લોહીનું વહેણ વધારી દે છે.


5. તરબુચ એ વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે. વધારામાં તે સદંતર લો કેલરીમાં હોય છે.

100 ગ્રામ તરબુચમાં માત્ર 30 ગ્રામ કેલરી જ હોય છે. શું તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે કોઈ સ્વાદિષ્ટ ખોરાક ખાધો હોય જે માત્ર 30 કેલરીનો જ હોય ? માત્ર આટલા પ્રમાણમાં તરબુચ લેતાં જ તમારા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને ખનીજતત્ત્વો ઉમેરાય છે જેને તમે નિશ્ચિંત પણે વધારે પ્રમાણમાં લઈ શકો છો. બધા જ વિટામિન્સ અને મિનરલ્સ એટલે કે વિટામિન એ (જેનાથી દૃષ્ટિ સુધરે છે), બી, સી અને ડી. અને બધા મિનરલ્સ એટલે, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને આયર્ન. વધારામાં એ તો ન જ ભુલતા કે તેમાં 92% પાણીનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત તરબુચના બધા જ ભાગ તમે ખાઈ શકો છો તેના પણ અગણિત સ્વાસ્થ્ય લાભો છે. તરબુચના બિયામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટિન હોય છે અને તેની છાલ ડાયેટરી ફાયબરનો ઉત્તમ સ્રોત છે.


6. ગર્ભવતિ સ્ત્રી માટે ઉત્તમ

ગર્ભવતિ સ્ત્રી માટે તરબુચ એક ઉત્તમ મિત્ર સાબિત થાય છે, ગર્ભાવસ્થાની મોટા ભાગની સમસ્યાઓ જેમ કે મોર્નિંગ સિકનેસ, છાતીમાંની બળતરા અને સ્નાયુઓના કળતરમાં તરબુચથી રાહત મળે છે. એક પ્યાલો તાજો તરબુચનો જ્યુસ સવારે પીવાથી મોર્નિંગ સિકનેસમાં થતી સુસ્તિ તેમજ બેચેનીની જે ફિલિંગ થાય છે તે દૂર થાય છે. આ ઉપરાંત છાતીની બળતરા અને ઉલટીમાં પણ તરબુચ રાહત આપે છે. માટે તરબુચ ગર્ભવતિ સ્ત્રીએ હંમેશા ઘરમાં રાખવું જ જોઈએ. ગર્ભવતિ સ્ત્રીઓની એક સર્વસામાન્ય સમસ્યા હોય છે સ્નાયુઓનું કળતર તો તે પણ તરબુચનું સેવન કરવાથી તેના કારણે વધતા બ્લડ સરક્યુલેશનથી દૂર થાય છે.

શું તરબુચ ખાવા માટે તમારે હજુ પણ વધારે કોઈ કારણોની જરૂર છે ? નહીં ને ! તો પછી હવે તમે નિશ્ચિંત પણે તરબુચનું સેવન કરી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *