લીલા ચણાનું દહીં બેસણવાળું શાક – માર્કેટમાં બહુ ફ્રેશ ચણા મળે છે તો આજે જ લાવો અને બનાવો આ મસાલેદાર શાક…

મિત્રો, કઠોળમાં સૌને પ્રિય એવા ચણા કે જેમાં ખુબ જ માત્રામાં પ્રોટીન તેમજ ડાયેટરી ફાઇબર્સ અને ઘણાબધા મિનરલ્સ રહેલા છે તો આપણે ચણાને રેગ્યુલર ખોરાકમાં એડ કરવા જોઈએ. આમ તો સૂકા ચણાનું શાક તો આપણે અવારનવાર બનાવતા હોઈએ છીએ જે લગભગ બધાને ભાવતું હોય છે પણ શું તમે ક્યારેય લીલા ચણાનું શાક બનાવ્યું છે?

હા મિત્રો, લીલા ચણાનું દહીં તેમજ બેસન સાથે ખુબ જ સ્વાદિષ્ટ શાક બને છે જે તમને પંજાબી છોલે કરતા ટેસ્ટી લાગશે તેમજ ચણા ન ભાવતા હોય એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે અને જે પણ આ શાક ટેસ્ટ કરશે તે તમને રેસિપી બતાવવાનું તો અચૂક પૂછશે. તો ચાલો બતાવી દઉં આ ટેસ્ટી અને ચટાકેદાર લીલા ચણાનું શાક બનાવવાની રેસિપી.

સામગ્રી :

  • Ø 1/2 કપ લીલા ચણા
  • Ø 1/2 કપ બારીક ચોપ કરેલા કાંદા
  • Ø 1/2 કપ બારીક ચોપ કરેલા ટમેટાં
  • Ø 1/2 કપ દહીં
  • Ø 1&1/2 ટેબલ સ્પૂન આદુ, લસણ,મરચાની પેસ્ટ
  • Ø 2 ટેબલ સ્પૂન બેસન
  • Ø 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું
  • Ø 1/4 ટેબલ સ્પૂન ગરમ મસાલો
  • Ø ચપટી હળદર ચપટી રાઈ-જીરું
  • Ø તમાલપત્ર, સૂકું લાલ મરચું, મીઠી લીમડી
  • Ø 3 ટેબલ સ્પૂન તેલ
  • Ø મીઠું સ્વાદ અનુસાર

રીત :

1) સૌપ્રથમ દહીં તૈયાર કરવાનું છે તો મોટા બાઉલમાં દહીં લઈ તેમાં મીઠું, લાલ મરચું પાવડર, ધાણાજીરું તેમજ ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લો.

2) દહીંને ફેંટીને બરાબર મિક્સ કરી લેવું જેથી બધા જ મસાલા દહીં સાથે સરસ મિક્સ થઈ જાય. દહીંમાં મીઠું અગાઉથી એડ કરી શાકમાં ઉમેરવાથી દહીં ફાટતું નહિ. બરાબર ફેટી લીધા બાદ દહીંને ઢાંકીને સાઈડમાં રાખી દો.

3) હવે સીઝનિંગ માટે કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ લો. તેલ અપને અહીં વધુ લીધેલ છે કારણ કે ચણાને શેલો ફ્રાય કરવાના છે તેમજ શાકમાં આપણે કાચો બેસન એડ કરવાનો છે જેથી તેલનું પ્રમાણ વધારે લીધું છે. તેલ ગરમ થાય એટલે ચણા ઉમેરી શેલો ફ્રાય કરી લો.

4) ચણાને તમે હળવા બાફીને કે પછી એમના એમજ કાચા શાકમાં નાખી શકો પરંતુ શેલો ફ્રાય કરીને એડ કરવાથી શાકમાં ખુબ જ સરસ ટેસ્ટ આવે છે. થોડીવાર માટે ઢાંકણ ઢાંકીને ફ્રાય કરી લો. ફ્રાય થઈ જાય એટલે તેલ નિતારીને બહાર કાઢી લો.

5) ચણા ફ્રાય કરી લીધા બાદ તે જ કડાઈમાં સીઝનિંગ કરવાનું છે તો તેમાં ચપટી રાઈ-જીરું ઉમેરો. રાઈ તતડી જાય પછી તેમાં સૂકું લાલ મરચું, તમાલપત્ર અને મીઠી લીમડી ઉમેરો.

6) ત્યારપછી તેમાં આદુ,મરચા અને લસણની પેસ્ટ એડ કરો અને 30 સેકન્ડ માટે પેસ્ટને સાંતળી લો જેથી લસણની કચાશ દૂર થાય.

7) 30 સેકન્ડ પછી બારીક ચોપ કરેલા કાંદા એડ કરી જરા મિક્સ કરી લો.

8) હવે બેસન એડ કરી અને બેસનને તેલમાં ચડવા દો જેથી બેસનની કચાશ દૂર થાય. અહીંયા આપણે સ્ટવની ફ્લેમ સૌ સ્લો રાખીને જ સીઝનિંગ કરવાનું છે. ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ધીમે ધીમે ચડવા દો.

9) બેસનનું ટેક્ચર ફ્લફી થાય અને તેમાં બબલ્સ જોવા મળે એટલે તેમાં ચપટી હળદર એડ કરો અને મિક્સ કરી લો. સાથે જ બારીક ચોપ કરેલ ટમેટું પણ એડ કરી લો. હવે ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને ફરી ચડવા દો.

10) કાંદા ટમેટાં ચડીને ગળી જાય અને બધું એકરસ થાય એટલે તેમાં તેલ છૂટું પડી જશે, તો હવે તેમાં મસાલા એડ કરેલ દહીં ઉમેરી દો, બરાબર મિક્સ કરી લો અને ફરી ઢાંકણ ઢાંકીને ચડવા દો.

11) દહીંમાંથી છૂટું પડેલ પાણી બળી જાય અને તેલ છૂટું પડતું દેખાય એટલે તેમાં શેલો ફ્રાય કરેલા ચણા એડ કરી દો. થોડીવાર પછી ફ્રેશ કોથમીર ઉમેરી મિક્સ કરી લો તેમજ ફરી ઢાંકણ ઢાંકીને ચડવા દો જેથી ચણા સાથે સીઝનિંગનો ટેસ્ટ ભળી જાય.

12) થોડીવાર પછી ચણાને પ્રેસ કરીને ચેક કરી લો. ચણા સોફ્ટ થઈ જાય એટલે સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને ગરમ-ગરમ સર્વ કરો.

13) તો તૈયાર છે ચટાકેદાર લીલા ચણાનું શાક, માત્ર અડધા કપ ચણામાંથી ઘણીબધી ક્વોન્ટીટીમાં શાક બને છે જે લગભગ ત્રણથી ચાર વ્યક્તિ માટે ઇનફ છે. તો મિત્રો અત્યારે લીલા ચણા બજારમાં સારી એવી ક્વોલિટીમાં મળે છે તો એકવાર અચૂક બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારુ આ શાક કેવું લાગ્યું. અને હા મિત્રો એકવાર નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી શાક બનાવવામાં સરળતા રહે.

વીડિયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *