આજે સાંજના ભાણામાં બનાવો સોડમદાર ઘીના વઘારવાળી ઘટ્ટ કઢી અને પુલાવ…

સવારનું ભાણું મોટાભાગે ફિક્સ જ હોય છે કે ભઈ દાળ-ભાત, શાક અને રોટલી પણ સાંજના ભાણું એટલે ઘરમાં એક મોટો ચર્ચાને વિષય પણ એક દીવસ માટે અમે તમને આ ચર્ચાથી છુટકારો અપાવશું કારણ કે આજે અમે લાવ્યા છીએ સોડમદાર કઢી અને પુલાવની રેસીપી. તો નોંધી લો અને આજે જ બનાવો.

પુલાવ માટેની સામગ્રી

1 વાટકી ચોખા

1 નાનુ ગાજર

½ વાટકી વટાણા

1 મિડિયમ સાઇઝનું બટાટુ

સ્વાદઅનુસાર મીઠુ

કઢી બનાવવા માટેની સામગ્રી

1 વાટકી દહીં

½ વાટકી કરતાં ઓછો ચણાનો લોટ

2-3 લીલા મરચા તીખાશ પ્રમાણે

5-6 કળી લસણ

½ ઇંચ આદુનો ટુકડો

1થી ડોઢ ચમચી ખાંડ

સ્વાદ અનુસાર મીઠું

1 ચમચી જીણી સમારેલી તાજી કોથમીર

વઘાર માટે એકથી ડોઢ ચમચી ઘી

બે ચમચી તેલ

½ ચમચી જીરુ

½ ચમચી હીંગ

1-2 નાના ટુકડા તજ

2 નંગ લવિંગ

કઢી અને પુલાવ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાટકી પુલાવના સ્પેશિયલ ચોખા લેવા તેને બરાબર ધોઈ લેવા, ત્યાર બાદ તેને એક તપેલીમાં લઈ લેવા. હવે જે વાટકી ચોખા લીધા છે તે જ 5 વાટકી પાણી લઈ ચોખામાં ઉમેરી દેવુ. જો તમે અગાઉથી બે કલાક માટે ચોખા પલાળ્યા હોય તો તો તમારે એક વાટકી પાણી ઓછું ઉમેરવું.

હવે તેમાં શાકભાજી ઉમેરવા માટે ચોખા અને પાણીવાળા પાત્રમાં જ, એક નાનુ ગાજર છાલ ઉતારીને જીણું સમારેલું, એક મીડીયમ બટાટુ છાલ ઉતારીને જીણુ સમારેલું અને અરધી વાટકી ફ્રોઝન વટાણા ઉમેરી દેવા અને સાથે સાથે 1 ચમચી જેટલું મીઠું પણ ઉમેરી દેવું.હવે ગેસ ઓન કરી તેના પર આ ભાત વાળી તપેલી મુકી દેવી. ગેસ ધીમો જ રાખવો અને ધીમા ગેસે જ ભાતને ચડવા દેવા. ફુલ ગેસ કરવાની જરૂર નથી. જ્યાં સુધી ચોખાનો દાણો સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને ચડવા દેવું.

હવે કઢી બનાવવા માટે એક વાટકી દહીં, અરધી વાટકીથી ઓછો ચણાનો લોટ, અને ત્રણ વાટકી પાણી લેવા.

આ ત્રણે સામગ્રીને એક તપેલીમાં લઈ લેવી. તેમાં સ્વાદઅનુસાર મીઠું ઉમેરવું અને તેને બ્લેન્ડર ફેરવીને મિક્સ કરી લેવું.

આ કઢીવાળી તપેલીને ગેસ ઓન કરી તેના પર મુકી દેવી. કઢી ઉકળે તે દરમિયાન તમને જોઈતી તીખાશ પ્રમાણે મરચા, 5-6 કળી લસણ અને અરધો ઇંચ આદુનો ટુકડો ખરલમાં ખાંડીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને ઉકળવા મુકેલી કઢીમાં ઉમેરી દેવી.

હવે કઢીને દસ મીનીટ સુધી ઉકળવા દેવી. કઢી જેમ જેમ ઉકળશે તેમ તેમ ઘટ્ટ થતી જશે.

આ દરમિયાન ભાત પણ ચડી ગયા હશે. હવે આ ભાતને ચારણીમાં કાઢી લેવા જેથી કરીને વધારાનું પાણી નીકળી જાય.

હવે તેને ઠંડા કરવા માટે તેમ જ 20-25 મીનીટ રહેવા દેવું. અને જો તમારે તરત જ પુલાવ પિરસવો હોય તો તમે તેમાં અરધી વાટકી ફ્રીઝનું ઠંડુ પાણી નાખીને ઠંડા કરી દેવા અને પછી પીરસવા માટે લેવા. આમ કરવાથી પુલાવનો એક એક દાણો છુટ્ટો રહે છે. અહીં તમે પુલાવમાં એક ડોઢ ચમચી ઘી પણ ઉમેરી શકો છો અને એમનમ પણ ખાઈ શકો છો. પુલાવ તૈયાર થઈ ગયો છે તેને બાજુ પર મુકી દેવો.

કઢી બનાવતી વખતે ગેસને જરા પણ ફુલ ન રાખવો નહીંતર તેમાં વારંવાર ઉભરો આવતો રહેશે માટે તેને ધીમા તાપે જ ઉકળવા દેવી.

હવે કઢી બરાબર ઉકળી જાય એટલે વઘારીયામાં બે ચમચી જેટલું ઘી અને એકચમચી જેટલું તેલ ઉમેરવું.

તેલ-ઘી ગરમ થાય એટલે તેમાં અરધી ચમચી જીરુ, અડધી ચમચી હીંગ, એક-બે ટુકડા તજ અને લવિંગ ઉમેરવા.

અને કઢીમાં લીમડાના પાન ઉમેરવા અને તેના પર જ વઘાર રેડી દેવો. અને કઢીને બરાબર હલાવી લેવી.

હવે કઢીમાં એક ચમચી ખાંડ ઉમેરવી અહીં તમે ગોળ પણ ઉમેરી શકો છો. અને જો તમને ગળી કઢી ન ભાવતી હોય તો તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો પણ પુલાવ સાથે ઘીવાળી ઘાટી કઢી વધારે સ્વાદિષ્ટ લાગે છે.

હવે ગેસ બંધ કરી દેવો અને કઢીમાં થોડી કોથમીર ભભરાવી દેવી. દાળની જેમ આ કઢીમાં પણ કોથમીર ખુબ સારી લાગે છે.

તો સોડમદાર, ઘીના વઘારવાળી કઢી તૈયાર છે. વેજ રાઇસ સાથે આ કઢી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

સાંજના સમયે જો કોઈ મહેમાન આવવાનું હોય અથવા સવારની બાજુએ હળવું ભોજન થયું હોય તો તમે શાક, ભાખરી સાથે કઢી પુલાવનું કોમ્પીનેશન કરી શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

સોડમદાર, ઘીના વઘારવાળી કઢી અને પૂલાવની વિગતવાર રેસીપી માટે વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *