આલૂ મટર પટ્ટી સમોસા – સમોસા ચાહક મિત્રો માટે આજે લાવ્યા છીએ એક નવીન સમોસાની રેસિપી.

મારા ફેમિલીમાં બધાને ક્લાસિક આલૂ મટર સ્ટફીંગવાળા સમોસા સૌથી વધારે ભાવે છે. તો આજે પટ્ટી સમોસા સાથે મેં આ જ સ્ટફીંગ બનાવ્યું છે. આ રીતમાં સમોસા પટ્ટી પહેલાથી અધકચરી ચડેલી હોવાથી જ્યારે તળીએ ત્યારે પડ એકદમ સરસ ક્રિસ્પી ને એકસરખું પાતળું બને છે. અને સમોસાનો આકાર પણ એકસરખો સપ્રમાણ સચવાય છે.

સમય: દોઢ કલાક, સર્વિંગ : 3-4 વ્યક્તિ

⏩સમોસા પટ્ટી બનાવવા માટે,

  • • 1-1/2 કપ મેંદો
  • • 2-3 ટીસ્પૂન તેલ
  • • 1 ટીસ્પૂન મીઠું
  • • પાણી જરૂર મુજબ

⏩આલૂમટર સ્ટફીંગ બનાવવા માટે,

  • • 4-5 મિડિયમ સાઇઝના બટાકા
  • • 1/2 કપ લીલા વટાણા
  • • 1/2 નાની કાચી કેરી
  • • 1-2 ટેબલ સ્પૂન આદું મરચાની પેસ્ટ
  • • 1/4 કપ સમારેલી કોથમીર
  • • 1/4 કપ ફૂદીનાનાં પાન
  • • 1/2 ટીસ્પૂન જીરુ
  • • 1 ટીસ્પૂન આખા ધાણા
  • • 1 ટીસ્પૂન વરિયાળી
  • • 1 મિડિયમ સાઇઝની ડુંગળી
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • ચપટી હીંગ
  • • 1/2 ટીસ્પૂન રાઇ
  • • 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1/4 ટીસ્પૂન હળદર
  • • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • • 1/4 ટીસ્પૂન આમચૂર પાઉડર
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 1/4 ટીસ્પૂન ચાટ મસાલો

⏩સ્લરી બનાવવા,

  • • 3 ટેબલ સ્પૂન મેંદો
  • • 1-2 ચમચી પાણી
  • ⏩તળવા માટે તેલ

પધ્ધતિ:

🔸️સમોસા પટ્ટી માટે, એક બાઉલમાં મેંદો ચાળીને લઇ તેમાં તેલ અને મીઠું નાખી મસળીને પરોઠા જેવો મિડિયમ કઠણ લોટ બાંધવો. 2 મિનિટ માટે મસળી,તેલ લગાવી ઢાંકીને મૂકવો.

🔸️સ્ટફીંગ માટે, બટાકા અને વટાણાને અલગ-અલગ વરાળથી બાફી લેવા. બટાકા ઠંડા પડે પછી છાલ નીકાળી અધકચરા સ્મેશ કરી લેવા. તેમાં બાફેલા વટાણા ઉમેરી દેવા.

🔸️એક કઢાઇમાં સૂકા આખા ધાણા, જીરુ અને વરિયાળી શેકી લેવા. ઠંડા કરી ખલમાં અધકચરા વાટી લેવા. કાચી કેરીની છાલ કાઢી છીણી લેવી. આદું મરચાની પેસ્ટ રેડી રાખવી. કોથમીર, ફૂદીનો ધોઇને સમારી લેવા. ડુંગળી પણ ઝીણી સમારી લેવી.

🔸️તે જ કઢાઇમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી રાઇ, હીંગનો વઘાર કરવો. તેમાં આદું મરચાની પેસ્ટ નાખી સાંતળવી. પછી સમારેલી ડુંગળી નાખવી. સંતળાય એટલે છીણેલી કાચી કેરી નાખવી.

🔸️પછી લાલ મરચું, હળદર, મીઠું, આમચૂર પાઉડર, ચાટ મસાલો નાખી વટાણા-બટાકા ઉમેરવા. હલાવીને બધું બરાબર મિક્સ કરવું. કાચી કેરી છે તો વધારે ખટાશ ના જોઇતી હોય તો આમચૂર ના ઉમેરવો. મારા ફેમિલી માં પસંદ છે તો મેં ઉમેર્યો છે.

🔸️છેલ્લે ગરમ મસાલો અને કોથમીર, ફૂદીનો ઉમેરી હલાવી મિક્સ કરી લેવું. સ્ટફીંગ તૈયાર છે.

🔸️હવે સમોસા પટ્ટી બનાવવા, લોટના મોટા પાતળા રોટલા બને તેવા લૂઆ કરી લેવા. મોટો તવો ગરમ મૂકવો. એક લૂઓ લઇ પાતળો રોટલો વણવો.અટામણ જરુર લાગે તો થોડું લેવું. તેને સાઇડમાં મૂકી બીજો લૂઓ લઇ પાતળો રોટલો વણવો. તેના પર ચારેબાજુ તેલ લગાવી, પહેલો બનાવેલો રોટલો મૂકવો. ફરી અટામણ લઇ તેને બને તેટલું પાતળું વણી લેવું.

🔸️પછી આ બેપડી મોટી રોટલીને ગરમ તવા પર 30 સેકન્ડ એક તરફ અને 15 સેકન્ડ માટે બીજી તરફ ચડવી લઇ લેવી. ગરમ હોય ત્યારે જ બે પડ અલગ કરી લેવા. આ રીતે બધા લૂઆમાંથી પાતળી અડધી પકવેલી રોટલીઓ બનાવી લેવી.

🔸️3 ચમચી મેંદામાં 1-2 ચમચી પાણી નાખી સ્લરી બનાવવી. બનાવેલી રોટલીને કટરથી ચાર સરખા ટુકડામાં કાપવી. એક ટુકડો લઇ ફોટોમાં બતાવ્યા પ્રમાણે સ્લરી લગાવી કોન બનાવવો. તેમાં 1 ચમચી જેટલું સ્ટફીંગ ભરી, કિનારી પર સ્લરી લગાવી કોન પેક કરી ચોંટાડી દેવો. જેથી ત્રિકોણ સમોસું બનશે.

🔸️આ રીતે બધી રોટલીના ટુકડા કરી, સ્ટફીંગ ભરી સમોસા વાળી લેવા. તેલ ગરમ મૂકી, તેલ આવે એટલે બિલકુલ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સમોસા તળવા.

🔸️વાળેલા બધા સમોસા આ રીતે તળી લેવા. આ માપથી 20-24 સમોસા બનશે. તેને ગરમ હોય ત્યારે જ લીલી ચટણી, આમલીની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવા.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *