જાણીલો ચશ્મા આવવાના સંકેતો અને ચેતી જાઓ…

શું તમને ભય છે કે તમને ચશ્મા આવી જશે ?

શું તમે ઇચ્છો છો કે તમને ચશ્મા ન આવે ?

તો જાણીલો ચશ્મા આવવાના સંકેતો અને ચેતી જાઓ.

શું તમને નથી લાગતું કે એક નહીંને બીજી વ્યક્તિ આજકાલ ચશ્મા પહેરવા લાગી છે ?

પણ તેનાથી પણ વધારે લોકોએ ચશ્મા પહેરવા જોઈએ. તે એટલા માટે કે ઘણા બધા લોકોને એ નથી ખબર હોતી કે તેમને પણ દ્રષ્ટિની તકલીફ છે. બની શકે કે તેમણે વર્ષો ચશ્મા વગર કાઢ્યા હોય અને તેમની દ્રષ્ટિમાં આવેલા ધીમાધીમા તફાવતની તેમણે નોંધ ન લીધી હોય. અથવા તો તેમણે ક્યારેય પોતાની આંખોની તપાસ કરાવવાની તકલીફ જ ન લીધી હોય.

સમય જતાં આપણી દ્રષ્ટિમાં ફેર પડવા લાગે છે, માટે એ જરૂરી છે કે તમે તમારી આંખોની જ્યોતિને જાળવી રાખો. રોજિંદી પ્રવૃત્તિ જેમ કે વાંચન અથવા કંપ્યુટર સામે એકધારા બેસીને કામ કરવું વિગેરે માટે આપણી નજર સારી હોય તે જરૂરી છે.

ઓપ્ટોમેટ્રિસ્ટ અથવા ઓપ્થેલમોલોજિસ્ટની નિયમિત મુલાકાત લેતા રહો. જો તમને કોઈ સમસ્યા હોય તો તમે તરત જ મુલાકાત લો. બની શકે કે તમને કોઈ જ સમસ્યા ન હોય અથવા બને કે કોઈ સમસ્યા હોય અને તેને ચશ્મા દ્વારા સોલ્વ કરી શકાય તેમ હોય. આય કેયર પ્રોફેશનલને મળવાથી તમને કોઈ જ નુકસાન થવાનું નથી. ઉલટાનું જો કોઈ સમસ્યા હશે તો તેનું નિરાકણ આવશે.

અહીં કેટલાક સામાન્ય સંકેતો આપવામાં આવ્યા છે જે કદાચ જણાવી શકે કે તમને ચશ્માની જરૂર છે.

1. અવારનવાર આંખો જીણી કરવી

જ્યારે તમે તમારી આંખો જીણી કરો છો ત્યારે તમે વધારાના પ્રકાશને તમારી આંખમાં પ્રવેશતા રોકો છો અને ઝાંખી છવીના કદને ઘટાડો છો. હા બની શકે કે તે ક્ષણિક હોય. પણ બની શકે કે તે તમારી નબળી દૃષ્ટિનું એક લક્ષણ હોય. તે સિગ્નલ આપે છે કે તમને દૂરનું કે નજીકનું સ્પષ્ટ દેખાતુ નથી. જો તમારું બાળક આમ કરતું હોય, તો તેની દૃષ્ટિ પણ નબળી હોવાની સંભાવના છે.

2. આંખ થાકી જવી અથવા તો આંખને જોર પડવું

આખને જોર પડવું અથવા તો આંખમાં દુઃખવું તેની પાછળ ઘણાબધા પરિબળો કામ કરે છે જેમ કે પુરતી ઉંઘ ન મળવી, ફ્લૂ, શરદી અથવા એલર્જી હોવી.

પણ જો તમારી આંખનો દુઃખાવો વધારે દિવસ ચાલે, તમારી આંખો ફેરવવાથી તમને દુઃખાવો થતો હોય અથવા તમારી રોજિંદી પ્રવૃત્તિઓથી તમારી આંખ થાકી જતી હોય જેમ કે ટીવી જેવું, વાંચવું તો તરત જ તેની તપાસ કરાવો. તમારે એ વાતની ખાતરી ખરવાની છે કે તમને કોઈ પણ પ્રકારનું આંખનું સંક્રમણ ન હોય, નિદાન ન થયું હોય તેવી સ્વાસ્થ્ય સ્થિતિ હોય અથવા તમારી દ્રષ્ટિમાં કોઈ પરિવર્તન આવ્યું હોય.

3. માથાનો એકધારો દુઃખાવો

એકધારો માથાનો દુઃખાવો થતો હોય તો બની શકે કે તમને દ્રષ્ટિની સમસ્યા હોઈ શકે. માથાનો દુઃખાવો દૂરની દ્રષ્ટિની ખામી અથવા એસ્ટિગ્મેટિઝમ એટલે કે આંખ કે કીકીની રચનાત્મક ખામી જેમાં નજીક તેમજ દૂરની વસ્તુઓ જાંખી દેખાય છે. આ સમયે તમારી આંખ એકાગ્ર થવા માટે જોર કરે છે માટે માથાનો દુઃખાવો થાય છે.

4. જાંખી દ્રષ્ટિ

જાંખી દ્રષ્ટિ દૂરની નજર અથવા નજીકની નજર નબળી હોય તેવો સંકેત આપે છે. મોટા લોકોને તેઓ જ્યારે વાંચતા હોય અથવા વાહન ચલાવતા હોય અથવા કંપ્યુટર આગળ બેઠા હોય ત્યારે અનુભવી શકે છે. જ્યારે બાળકોને તેનો અનુભવ વાંચતી, હોમવર્ક કરતી વખતે અથવા શાળાએ થાય છે.

5. પ્રકાશની આજુબાજુ પ્રભામંડળ દેખાવું

જ્યારે તમારી આંખ પ્રકાશ પર બરાબર ફોકસ ન કરી શકતી હોય ત્યારે પ્રકાશ ધુંધળો દેખાવા લાગે છે. જેના કારણે તમને લાઇટ બલ્બ, કારની હેડલાઇટ્સ, અને વિવિધ પ્રકારની તેમજ કદની અને આકારની લાઇટો આસપાસ વર્તુળ દેખાય છે. કેટલીક વાર આ સમસ્યા ચશ્મા દ્વારા સોલ્વ થઈ જાય છે તો કેટલીકવાર આ લક્ષણ મોતિયાના પણ હોઈ શકે છે.

6. ટીવીની નજીક બેસવું

જો તમે ટીવીની નજીક બેસતા હોવ તો બની શકે કે તમારી દૂરની દ્રષ્ટિ નબળી હોય. માટે જ તમે ટીવી દૂરથી નહીં પણ નજીકથી જોવાનું પસંદ કરતા હોવ.

7. આંખો ચોળવી

જો તમે વારંવાર તમારી આંખો ચોળતા હશો તો બની શકે કે તમારી આંખને થાક લાગતો હશે અથવા તમારી આંખ પર જોર પડતું હશે. તે માટે તમને ચશ્મા મદદ કરી શકે છે. બની શકે કે આંખો ચોળવી તે તમારી તબિબિ સ્થિતિના કારણે હોય જેમ કે કોઈક પ્રકારની એલર્જીક કન્જક્ટીવાઇટીસ, જેના કારણે આંખ ગુલાબી થઈ જાય અને તે કોઈ સંક્રમણ કે એલર્જીના કારણે પણ હોઈ શકે, માટે તપાસ કરાવો કે તેની પાછળ શું કારણ હોઈ શકે.

8. પુસ્તકને નજીકથી વાંચવું અથવા તો તમારા બાવડાની લંબાઈ પર વાંચવું.
તમે પુસ્તક કે મેનુને કેવી રીતે પકડો છો તે તમારી દ્રષ્ટિ સમસ્યાને ખુલ્લી પાડી શકે છે. જો તમે નજીકનું વાંચી શકતા હોવ તો તમે તેને તમારા ચહેરા નજીક મુકશો.

અથવા તો તમે તેને તમારા બાવડાની લંબાઈ પર મુકશો. મોટાભાગના લોકોને નજીકની દ્રષ્ટિની સમસ્યા હોય છે. અથવા તો બેતાલા આવે છે જે મોટે ભાગે તેમની ચાલીસીમાં આવે છે. વાંચવાના ચશ્મા તેમની આ સમસ્યામાં મદદ કરે છે.

9. વાંચતી વખતે લાઈન ભુલી જવી

જો તમે વાંચતી વખતે તમારી લાઈન ભૂલી જાઓ અથવા લાઈન ગુપ્ચાઈ જાઓ તો બની શકે કે તમારી નજર નબળી હોય. બની શકે કે આંખો ત્રાંસી હોય – એટલે કે બન્ને આંખોની કીકી એક પોઇન્ટ પર કેન્દ્રિત ન થઈ શકતી હોય અને જુદી જુદી દિશામાં પોઇન્ટ કરતી હોય – અથવા તો તમને બેતાલા આવવાની પણ શક્યતા રહેલી છે.

વાંચતી વખતે શબ્દે શબ્દે આંગળી ચિંધવી. બાળકો હંમેશા શબ્દો તરફ આંગળી ચિંધતા હોય છે. પણ આવી રીતે આંગળી ચિંધીને વાંચવું તે તમારી દ્રષ્ટિ નબળી હોવાનો સંકેત આપે છે.

10. ટીવી જોતી વખતે અથવા વાંચતી વખતે કોઈ એક આંખ બંધ કરવી.
બની શકે કે તમે વાંચતી વખતે અથવા ટીવી જોતી વખતે તમારી નબળી આંખને બંધ કરી દો અને સારી આંખ દ્વારા જુઓ. તો બની શકે કે તમારી આંખો ફાંગી હોય અથવા તો તમને બેતાલા હોઈ શકે છે. અથવા તો બની શકે કે તમને મોતિયો હોય અથવા સ્ટ્રેબિસમસ હોઈ શકે છે જેના કારણે તમારી બન્ને કીકીઓ એક તરફ નથી જોઈ શકતી.

11. રાત્રે જોવામાં તકલીફ થવી.

રાત્રે જોવામાં તકલીફ થવી તે પાછળ ઘણા બધા પરિબળો કામ કરે છે, બની શકે કે તમને મોતિયો હોય અથવા તમે કોઈક પ્રકારની દવા લેતા હોવ અને તમને આ સમસ્યા થતી હોય. જો આ સમસ્યા દૂરની દૃષ્ટિ નબળી હોવાના કારણે હોય તો તે માટે તમને ચશ્મા મદદરૂપ થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *