કેરીની સીઝન જતી રહે તે પહેલા જ, બી-12થી ભરપુર કેરીની ગોટલીનો સ્વાદિષ્ટ મુખવાસ આજે જ બનાવો

ગુજરાતીઓ મુખવાસના શોખીન હોય છે. તેમને જમ્યા બાદ મોઢું ચોખ્ખુ કરવા માટે મુખવાશ જોઈતો જ હોય છે. તો આજે તમે ગોટલીનો મુખવાસ બનાવતા શીખી લો.

ગોટલીનો મુખવાસ એ માત્ર મુખવાસ જ નથી. પણ આધુનિક જીવનશૈલી અપનાવીને આપણે નળનું પાણી નહીં પીને જે આરોના પાણીનો ઉપયોગ કરીએ છીએ તેના કારણે શરીરમાં બી12ની ઉણપ રહે છે. તે ઉણપને દૂર કરવા માટે કેરીની ગોટલી એક ઉત્તમ સ્રોત છે. તો આખું વર્ષ સંચવાઈ રહે તેવી સ્વાદિષ્ટ ગોટલીની રેસીપી નોંધી લો.

કેરીની ગોટલીનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી

15-20 કેરીના ગોટલા

2 ચમચી ઘી

1 નાની ચમચી સંચળ

1 નાની ચમચી મીઠુ

1 નાની ચમચી બુરુ

કેરીની ગોટલી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ પાક્કી કેરીનો રસ કાઢ્યા બાદ વધેલા 15-20 ગોટલા લેવા. એક સાથે આટલી બધી કેરીનો રસ ન કાઢતા હોવ તો કંઈ વાંધો નહીં ધીમે ધીમે ગોટલાઓ ભેગા કરતા જવા અને સુકવતા જવા.

રોજ જેટલા ગોટલા ભેગા થાય તેટલા ગોટલાને ચોખ્ખા પાણીમાં થોડીવાર પલાળી રાખવા અને બરાબર ઘસીને ધોઈ લેવા.

તેમાંથી પાણી સાવ જ નીતારી લેવું અને થાળી જેવા પહોળા વાસણમાં કાઢી લેવા.

હવે આ ગોટલાને ધાબા પર અથવા તો તમારા ઘરમાં જ્યાં આખો દીવસ તડકો રહેતો હોય તેવી જગ્યાએ સુકવી દેવા. જ્યારે જ્યારે તમે કેરીનો રસ કાઢો અને ગોટલા વધે ત્યારે ત્યારે તમે રોજ આ પ્રોસેસ રીપીટ કરી શકો છો.થોડા દીવસમાં તમારી પાસે ઓછામાં ઓછા 15-20 ગોટલા તો ચોક્કસ ભેગા થઈ જ જશે.

હવે આ ગોટલાને તડકામાં બરાબર તપવી દેવા. તેને અડવાથી તે સાવ જ પથ્થર જેવા કડક લાગશે. અને તેને હલાવશો એટલે ગોટલાની અંદર રહેલી ગોટલીનો ખખડવાનો અવાજ પણ આવશે.

હવે આ સુકાઈ ગયેલા ગોટલાની કીનારીએ દસ્તો મારીને તેને તોડી તેમાંની ગોટલી કાઢી લેવી. અને પેલા ખોખાને કરચામાં જવા દેવાં. આવી રીતે ગોટલાની અંદરથી બધી જ ગોટલીઓ બહાર કાઢી લેવી. દસ્તો મારતા ગોટલાની અંદરની ગોટલી ટૂટી જાય તો ચિંતા ન કરશો. છેવટે આપણે તેના ટૂકડા જ કરવાના છે.

હવે આ ગોટલી પર એક ગ્રે-બ્રાઉન કલરનું શાઇની લેયર હશે તે કાઢી નાખવું. જો રહી જાય તો ચીંતા ન કરવી. ગોટલી બાફ્યા બાદ તે પોચું થઈ જશે એટલે સરળતાથી કાઢી શકાશે.

આવી રીતે બધી ગોટલી પરની છાલ ઉતારી લેવી.

હવે એક તપેલીમાં 3-4 ગ્લાસ પાણી ઉમેરવું તેમાં થોડું મીઠું એડ કરવું અને તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું.

તે જ પાણીમાં ગોટલીઓ નાખી દેવી અને તેને 5 મીનીટ માટે ઉકાળી લેવી. તેને ફરી હલાવી લેવું.

અને ફરી તેને 2-3 મીનીટ પાણીમાં ઉકળવા દેવી. હવે ગેસ બંધ કરી ગોટલીને તે ગરમ પાણીમાં જ રાખી મુકવી.

હવે તેને મોટી ચારણીમાં ગાળી લેવી.

હવે ગોટલી ઠંડી થાય એટલે કે તેને તમે અડી શકો તેવી હુંફાળી થાય એટલે તેની જીણી ચીપ્સ કરી લેવી. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં. ગોટલી બાફેલી હોવાથી સોફ્ટ થઈ જાય એટલે તમે તેના ઇઝીલી ટુકડા કરી શકો છો.

હવે એક જાડા તળીયાવાળુ પેન લેવું અથવા તમે નનસ્ટીક પેન પણ લઈ તેને ગેસ પર મુકી દેવું. તેમાં 1-2 ચમચી ઘી લેવું. અહીં વધારે ઘી લેવાની જરૂર નથી.

હવે તેમાં કાપેલી બધી જ ગોટલી નાખી દેવી. અને તેને 10-15 મીનીટ શેકવી. અને શેકતી વખતે તેને સતત હલાવતા રહેવું. ધીમે ધીમે ગોટલી લાલ થઈ જશે. જો કાપી લીધા બાદ ગોટલીને 3-4 કલાક સુકાવા દઈને શેકવામાં આવશે તો તેમાં વધારે વાર નહીં લાગે.

ગોટલી બરાબર શેકાઈ જાય એટલે કે લાઈટ બ્રાઉન થઈ જાય એટલે તેમાં. એક નાની ચમચી સંચળ, એક નાની ચમચી જીરુ પાઉડર ઉમેરવા અને બરાબર હલાવી નાખવું.

હવે તેમાં એક ચપટી મીઠું નાખવું. અહીં તમે તમારી પ્રમાણે મસાલા કરી શકો છો.

તેમાં તમે તીખાશ માટે મરી નાખી શકો અને જો ગળપણ ગમતું હોય તો અરધી ચમચી બુરુખાંડ પણ નાખી શકો છો. પણ તે તમારે ગોટલી શેકાઈ જાય અને ગેસ બંધ કરી દો ત્યારે નાખવી.

બધા જ મસાલાઓને બરાબર હલાવી લીધા બાદ મુખવાસ તૈયાર થઈ જશે. હવે શેકાયેલી મસાલો કરેલી ગોટલીને એક નાના બોલમાં કાઢી લેવી. હવે તમે જો ખાંડ નાખતા હોવ તો આ સમયે તેમાં બુરુ ખાંડ ભભરાવી દેવું અને બરાબર હલાવી લેવું. તૈયાર છે કેરીની ગોટલીનો મુખવાસ.

રસોઈની રાણીઃ નીધી પટેલ

કેરીની ગોટલીનો મુખવાસ બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *