ઘણો પ્રયાસ કર્યો છતાં બફવડા સારા નથી બનતા ? તો નોંધી લો બફવડા બનાવવા માટેની આ પર્ફેક્ટ રીત

આપણે શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન ઘરે પણ બફવડા બનાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને બહારથી પણ મંગાવતા હોઈએ છીએ પણ તેમાં જોઈએ તેટલી મજા નથી આવતી. જો તમને પણ બફવડા બનાવવામાં તકલીફ પડતી હોય તો આ બફવડા માટેની આ પર્ફેક્ટ રેસીપી નોંધી લો.

બફવડા બનાવવા માટેની સામગ્રી

1 ½ કપ બાફેલા બટાટાનો માવો

2 ટેબલ સ્પૂન અધકચરી વાટેલી મગફળી

2 ચમચી ખાંડ

2 ચમચી ટોપરાનું છીણ

2-3 ચમચી જીણી સમારેલી કોથમીર

1 ટી સ્પુન તલ

1 ટી સ્પૂન વરિયાળીનો પાઉડર

1 મોટી ચમચી દાડમ

½ લીંબુનો રસ

1 મોટી ચમચી લીલા મરચા અને આદુની પેસ્ટ

1 ચમચી જીણા સમારેલા કાજુ

1 ચમચી જીણી સમારેલી કીશમીશ

થોડો ગરમ મસાલો

1 ટી સ્પૂન ફરાળી મીઠુ

અરધા લીંબુનો રસ

3 ચમચી આરારૂટ

બફવડા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ સ્ટફીંગ તૈયાર કરવા માટે 1 ½ કપ બાફેલા મેશ કરેલા બટાટા લેવા. તેમાંથી પા કપ બટાટાનો માવો એક નાના બોલમાં લઈ લેવો જેમાંથી આપણે બફવડાની અંદરનું મસાલાવાળુ પુરણ બનાવીશું.

હવે આ પા કપ મેશ કરેલા બટાટામાં બે મોટી ચમચી અધકચરી વાટેલી મગફળી ઉમેરવી. બે મોટી ચમચી ખાંડ ઉમેરવી, સાથે સાથે બે ચમચી ટોપરાનું છીણ ઉમેરવું.

ત્યાર બાદ બે-ત્રણ મોટી ચમચી જીણી સમારેલી કોથમીર, એક ટી સ્પુન તલ, એક ટી સ્પૂન વરિયાણીનો પાઉડર, એક મોટી ચમચી દાડમ ઉમેરવા.

ત્યાર બાદ એક મોટી ચમચી લીલા મરચા અને આદુની પેસ્ટ, એક ચમચી જીણા સમારેલા કાજુ, જીણી સમારેલી કીશમીશ, થોડો ગરમ મસાલો, એક ટી સ્પૂન ફરાળી મીઠુ, અરધા લીંબુનો રસ ઉમેરવા અને બધી જ સામગ્રીને હાથેથી મિક્સ કરી લેવી અને એક પુરણની જેમ તૈયાર કરી લેવું.

હવે આ તૈયાર કરેલા પુરણની ગોળીઓ વાળવા માટે હાથમાં થોડું તેલ લગાવી લેવુ અને અહીં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે તેના ગોળ-ગોળ નાના બોલ્સ બનાવી લેવા.

હવે સ્ટફીંગના બોલ્સ તૈયાર થઈ ગયા બાદ. બાકીના જે સવા કપ બટાટા મેશ કરેલા બચ્યા છે તેને એક બોલમાં કાઢી લેવા. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, ત્રણ ચમચી આરારૂટ નાખવો અને તેને વ્યવસ્થીત રીતે મિક્સ કરી દેવું.અહીં બટાટાને તાજા જ વાપરવા ફ્રીઝમાં રાખેલા બટાટાના વડા બરાબર નહીં થાય. તાજો બટાટાનો માવો લેવામાં આવશે તો જ તેની સારી પેટીસ બનશે.

હવે તેમાં એક નાની ચમચી તેલ ઉમેરવું અને ફરી તેને મિક્સ કરી લેવું. જેમ લોટ બાંધતા હોવ તે રીતે અહીં પણ લોટ બટાટા અને આરારૂટનો મિક્સ લોટ બાંધી લેવો.

અહીં બતાવ્યું છે તેમ તેની કન્સીસ્ટન્ટી રહેવી જોઈએ. અહીં તેલ નાખવાનું કારણ એ છે કે તેનાથી વડાનું ટેક્સચર સારું બનશે અને તેમાં તીરાડ નહીં પડે.

હવે આ તૈયાર કરેલા બટાટા-આરા લોટના મિક્સ્ચરના નાના-નાના ભાગ કરી લેવા અને તેને ગોળ બોલ જેવા બનાવી લેવા. કારણ કે તેમાં આપણે પેલું જે સ્ટફીંગ બનાવીને નાના બોલ્સ તૈયાર કર્યા છે તે મુકવાના છે.

હવે બટાટાનો જે બાંધેલો માવો છે તેના એક બોલને અહીં બતાવવામાં આવ્યું છે તેમ હાથ પર લઈને ચપટો કરી લેવો અને સ્ટફીંગના જે નાના બોલ્સ તૈયાર કર્યા છે તેમાંથી એક બોલ લઈને તેમાં મુકી દેવો.

હવે તેને બટાટાના માવાથી કરવ કરી લેવું. એ વાતનું ધ્યાન રાખવું કે તેમાં ક્યાંય તીરાડ ન રહે.

હવે થોડો આરા લોટ લેવો અને તેને એક પ્લેટ પર પાથરી દેવો જેમ આપણે અટામણ લેતા હોઈ તેમ. આ દરમિયાન બફવડા તળવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મુકી દેવું. હવે તૈયાર કરેલા સ્ટફ્ડ બોલને આરાલોટમાં રગદોળી લેવા. અને આવી જ રીતે બાધા જ બોલ્સ તૈયાર કરી લેવા.

હવે તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા સ્ટફ્ડ બોલને તેલમાં તળાવા માટે મુકી દેવા. ફ્લેમ મિડિયમ ટુ હાઈ રાખવાની છે.

એક બે મિનિટ માટે તેને તેમજ તેલમાં પડ્યા રહેવા દેવા અને ત્યાર બાદ જ હલાવવા.

હવે ગેસને સ્લો કરી દેવો. હવે ધીમા તાપે તેનો રંગ સોનેરી થાય ત્યાં સુધી તળવા.

તો તૈયાર છે પર્ફેક્ટ બફવડા, તેને તમે સોસ તેમજ લીલી ચટની સાથે સર્વ કરી શકો છો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તાજા જ બાફેલા બટટા લેવા. બાફીને ફ્રીઝમાં મુકેલા બટાટાનો ઉપયોગ ન કરવો. તેનાથી બટાટાનું જે ઉપરનું કવર છે તે ફાટી જાય છે.

રસેઈની રાણીઃ ચેતના પટેલ

પર્ફેક્ટ બફવડા બનાવવા માટેની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *