વધેલી રોટલીમાંથી બનાવો હેલ્ધી રોટી મસાલા કોન…

વધેલી રોટલીમાંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવતા હશો જેમ કે રોટલીનું શાક, શેકેલી રોટલી, રોટલીનો ચેવડો પણ આ વાગની તમે ક્યારેય નહીં ટ્રાય કરી હોય. આજે સીમા બેન લઈને આવ્યા છે વધેલી રોટલીમાંથી બનતી સ્વાદિષ્ટ, ચટપટી હેલ્ધી રોટી મસાલા કોનની વાનગી.

રોટી મસાલા કેન બનાવવા માટેની સામગ્રી

5-6 નંગ વધેલી કે પછી તાજી રોટલી

2 ચમચી મેંદો

2 ચમચી કોર્ન ફ્લોર

2 મોટી ચમચી તેલ

¼ ચમચી હીંગ

1 મીડીયમ ડુંગળી જીણી સમારેલી

1 કેપ્સિકમ

½ વાટકી છીણેલી કોબી

½ વાટકી બીટ

½ વાટકી ગાજર

½ વાટકી વટાણા

1 ચમચી લીલા તીખા મરચા જીણા સમારેલા

3 મિડિયમ સાઇઝના બાફેલા બટાટા

½ ચમચી પાવભાજી મસાલો

સ્વાદ પ્રમાણે મીઠુ

તળવા માટે તેલ

રોટી મસાલા કોન બનાવવા માટેની રીત

સૌ પ્રથમ તમારી પાસે વધેલી રોટલી જેટલી પડી હોય એ લઈ લેવી. અથવા જો તમે આ નાશ્તાને તાજી રોટલી સાથે બનાવવા માગતા હોવ તો તમે તાજી રોટલી પણ લઈ શકો છો. તો 5-6 નંગ તાજી રોટલી લેવી.

હવે આ રોટલીના વચ્ચેથી ટુકડા કરી લેવા જેથી કરીને તેના કોન બનાવી શકાય.

કોન બનાવવા માટે સૌ પ્રથમ તો તેનો ગ્લુ એટલે કે સ્લરી તૈયાર કરવાની છે તેના માટે એક નાનો વાટકો લેવો. તેમાં બે ચમચી મેંદો અને બે ચમચી કોર્ન ફ્લોર ઉમેરવા

હવે તેમાં ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરતા જવું અને મધ્યમ થીકનેસ વાળી સ્લરી એટલે કે ગુંદર તૈયાર કરી લેવો.

હવે કોન બનાવવા માટે અરધી કાપેલી રોટલીને કોન શેપ આપવો અને તેની બાજુઓ ચોંટાડવા માટે અહીં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે રોટલી પર તૈયાર કરેલી સ્લરી લગાવી લેવી.

હવે સ્લરી લગાવીને તેને કોન શેપમાં વાળીતું જવું અને દબાવતું જવું એટલે રોટલી ચોંટી જાય. તેને બેથી પાંચ સેકન્ડ દબાવી રાખવું એટલે તે ચોંટી જશે.

આ રીતે જ બધા કોન તૈયાર કરી લેવા. કોન તૈયાર થઈ જાય એટલે તેને બાજુ પર મુકી દેવા.

હવે કોનમાં ભરવા માટે સ્ટફીંગ તૈયાર કરવા માટે સૌ પ્રથમ એક પેન લેવું તેને ગેસ પર ગરમ કરવા મુકવું અને તેમાં બે મોટી ચમચી તેલ ઉમેરવું તેલ ગરમ થાય એટલે તેમાં પા ચમચી હીંગ ઉમેરી દેવી.

ત્યાર બાદ તરત જ એક મોટી ડુંગળી જીણી સમારેલી ઉમેરી દેવી. ડુંગળી અહીં ઓપ્શનલ છે. તે ન ખાતા હોવ તો તમે સીધા જ શાકભાજી પણ ઉમેરી શકો છો. ડુંગળીને 2-3 મિનિટ મીડીયમ ફ્લેમ પર સંતળાવા દેવી.

ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં જીણું સમારેલું અરધુ લીલુ કેપ્સીકમ, જીણુ સમારેલું લાલ કેપ્સીકમ અને તીખાશ માટે એક ચમચી તીખા મરચા જીણા સમારીને ઉમેરી દેવા. તમારી પાસે જો કેપ્સીકમ લીલુ જ હોય તો એક આખુ લીલુ કેપ્સીકમ જીણુ સમારીને ઉમેરી દેવું.

હવે તેમાં અરધી વાટકી જેટલી કોબી લાંબી સમારીને ઉમેરી દેવી હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. અને તેને મિડિયમ ગેસ પર સંતળાવા દેવું.

બે મિનિટ બાદ વટાણા ઉમેરી દેવા અહીં ફ્રોઝન વટાણા ઉમેર્યા છે એટલે આ સ્ટેજ પર ઉમેર્યા છે પણ જો તમારે તાજા વટાણા વાપરવા હોય તો તેને તમારે ડુંગળીની સાથે જ ઉમેરી દેવા જેથી કરીને તે ચડી જાય. હવે તેને પણ મિક્સ કરી લેવું અને બે મિનિટ સાંતળી લેવું.

હવે બે મિનિટ બાદ અરધી વાટકી ખમણેલું બીટ ઉમેરવું અને સાથે સાથે જ અરધી વાટકી ખમણેલુ ગાજર ઉમેરી દેવું. હવે બધું જ હલાવી લેવું. તેને તમે ખમણ્યા વગર કટકા કરીને પણ ઉમેરી શકો છો. પણ કટકા કરીને ઉમેરવું હોય તો તેને કેપ્સીકમ નાખ્યા તે વખતે જ ઉમેરી દેવા જેથી કરીને તે ચડી જાય.

હવે બીટ અને ગાજર ઉમેર્યા બાદ તેમાં પાવ ભાજી મસાલો ઉમેરી દેવો. હવે બધું જ બરાબર મિક્સ કરી લેવું અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું.

હવે એકે મીનીટ બાદ તેમાં બાફેલા બટાટા મેશ કરીને ઉમેરી દેવા. અહીં મિડિયમ સાઇઝના ત્રણ બાફેલા બટાટા લીધા છે. આટલા મસાલામાં તમે પંદરથી સોળ કોન ભરી શકો છો. હવે તેને બરાબર મિક્સ કરી લેવું અને તેને ટેસ્ટ પણ કરી લેવું અને ટેસ્ટ પ્રમાણે જે ઉમેરવું હોય તે ઉમેરી દેવું. હવે ગેસ બંધ કરી દેવો.

હવે એક બાજુ તેલ ગરમ કરવા મુકી દેવું અને તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા રોટલીના કોન તળવા માટે ઉમેરી દેવા.

કોનને બધી જ બાજુએથી હળવા બ્રાઉન રંગના તળી લેવા. રોટલીને વધારે તળાવા દેવાની જરૂર નથી કારણ કે તે પહેલેથી જ શેકેલી છે. તેને ચિપિયાની મદદથી ઉલટાવતા રહેવા. હવે કોન તળાઈ જાય એટલે તેને ચિપિયાની મદદથી તેલ નીતારીને કાઢી લેવા.

હવે તૈયાર થયેલા કોનને થોડી વાર માટે ઠંડા થવા દેવા. ઠંડા થઈ ગાય બાદ કોનમાં તૈયાર કેરલો મસાલો ઉમેરી દેવો.

હવે અહીં બતાવવામાં આવ્યું છે તેમ તેના પર સોસ લગાવી દેવો. જ્યારે કોન ખાવા હોય ત્યારે જ સોસમાં ડીપ કરવું નહીંતર બધું ઢીલુ થઈ જશે. ત્યાર બાદ તરત જ તેને અહીં બતાવ્યું છે તેમ પૌઆ અને સેવથી કોટ કરી દેવા.

તો તૈયાર છે વેસ્ટમાંથી બેસ્ટ એવા રોટી મસાલા કોન. બાળકોને આ ખુબ જ ભાવશે. બાળકો સામાન્ય રીતે વેજીટેબલ્સ નથી ખાતા પણ આ કોન તેમને ખુબ જ ભાવશે.

રસોઈની રાણીઃ સીમાબેન

રોટી મસાલા કોન બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *