કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ – ગરમીમાં હવે ઘરે જ બનાવો બાળકોનો મનપસંદ આઈસ્ક્રીમ…

કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & cream Ice-cream)

માર્કેટમાં મળતા આઇસ્ક્રીમમાં ખૂબ જ પ્રખ્યાત એવી ફ્લેવર એટલે કુકી એન્ડ ક્રીમ. બાળકોને પણ બહુ જ ભાવતો આઇસ્ક્રીમ છે. ફ્લેવર માટે બેઝીક વેનીલા આઇસ્ક્રીમ બનાવી તેમાં ઓરીયો અને હાઇડ એન્ડ સીક બિસ્કીટનો ભૂકો લીધો છે. એકદમ પરફેક્ટ બન્યો છે. ઘરે બજાર જેવા ક્રીમી અને બરફની પતરી ના બાઝે તેવા સરસ આઇસ્ક્રીમ 2 રીતે બનાવી શકાય છે. બન્ને રીતથી આઇસ્ક્રીમ એકદમ મસ્ત બને છે.

ફક્ત ફર્ક એ હોય છે કે એક રીતમાં હેવી ક્રીમ સાથે રીડ્યુસ કરેલું દૂધ ઉમેરી બનાવાય છે. તો ખૂબ કેલરી ને ફેટવાળો હોય છે. અને બીજી રીતમાં કોઇપણ પ્રકારની મલાઇ કે ક્રીમ ઉમેર્યા વગર સાદા દૂધમાં ઇમલ્સીફાયર( emulsifier) અને સ્ટેબીલાઇઝર( Stabilizer) નાખીને બને છે. આ ઘટકોને આપણે રૂટીનમાં GMS અને CMC પાઉડરથી ઓળખીએ છીએ. મને આ બીજી રીત વધારે પસંદ છે કેમ કે ફેટ ઓછું જાય છે આઇસ્ક્રીમમાં.

આ રીતથી આઇસ્ક્રીમ મારા ઘરે છેલ્લા 20 વર્ષથી બને છે. તો જિજ્ઞાસાવશ મેં આ ઘટકો વિષે થોડુંક રિસર્ચ કર્યું હતું. અને જાણ્યા પછી સંતોષ થયો હતો કે આ GMS ,CMC પાઉડર વેજીટેરીયન, ખાવાલાયક જ હોય છે. અને કોમર્શિયલ ઘણી પ્રોડક્ટ્સ પર નંબર તરીકે જોવા મળે છે. તો હવે ના બનાવ્યો હોય તો તમે પણ જલ્દીથી બનાવી લો આ યમી આઇસ્ક્રીમ…👍🏻.. અને ખાસ વાત એ કે માર્કેટ કરતા 4 ગણો આઇસ્ક્રીમ અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય છે…

સમય: 45 મિનિટ, 1.5 લીટર જેટલો

ઘટકો:-

  • • 500 મિલી દૂધ(અમૂલ શક્તિ)
  • • 8 ટેબલ સ્પૂન ખાંડ
  • • 1 +1/2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર
  • • 1 +1/2 ટેબલ સ્પૂન જી.એમ.એસ. પાઉડર
  • • 1/4 ટીસ્પૂન સી.એમ.સી. પાઉડર
  • • 1/2-1 ટીસ્પૂન વેનીલા એક્સટ્રેક્ટ
  • • 150 ગ્રામ ઓરીયો બિસ્કીટ પેકેટ
  • • 150 ગ્રામ હાઇડ એન્ડ સીક બિસ્કીટ પેકેટ

પધ્ધતિ:

🍦1 કપ જેટલું ઠંડું દૂધ એક બાઉલમાં લઇ તેમાં કોર્નફ્લોર,GMS પાઉડર,CMC પાઉડર બરાબર મિક્સ કરી લેવો. બાકીના દૂધને ગરમ મૂકવું. તેમાં ખાંડ નાખવી.

🍦એક ઊભરો આવે એટલે પાઉડર મિક્સ કરેલું ઠંડું દૂધ ઉમેરી એકધારું હલાવવું. 2-3 મિનિટ ગરમ કરવું. પછી ગેસ બંધ કરી ઠંડું થવા દેવું. સામાન્ય તાપમાન પર આવે તેટલું ઠંડું કરી એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં 6-8 કલાક જામવા માટે મૂકવું.

🍦ઓરીયો બિસ્કીટનો વચ્ચેનો ક્રીમનો ભાગ કાઢી તેને ક્રશ કરી લેવા. એ જ રીતે હાઇડ એન્ડ સીક બિસ્કીટ ને પણ ક્રશ કરી લેવા.

🍦હવે જામેલા દૂધ ના ટુકડા કરી ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરવું.જો બીટર ના હોય તો મિક્સરમાં પણ કરી શકાય. જો બીટરથી કરતા હો તો શરુઆત માં દૂધ જામેલું હોવાથી ઉછળશે તો સાચવીને ટાઇટ પકડીને કરવું. મેં અહીં ફોટામાં 1 લિટર દૂધને ફ્રીઝ કર્યું છે. તો આ આઇસ્ક્રીમ માટે ડબ્બાનો અડધો ભાગ લીધો છે.

🍦ફૂલીને બમણું થઈ જાય ત્યાં સુધી બીટ કરવું. 5-10 મિનિટ લાગશે. તેમાં બિસ્કીટ નું નીકળેલું ક્રીમ અને વેનીલા એક્સટ્રેક્ટ ઉમેરી ફરી ચર્ન કરી લેવું.

🍦ચર્ન થઇ જાય પછી છેલ્લે તેમાં બિસ્કીટ નો ભૂકો ઉમેરી ચમચાથી બરાબર મિક્સ કરી લેવું. કોઇપણ ફ્લેવર માટે ઉમેરવાની એસેન્સ સિવાયની સામગ્રી, પૂરું ચર્ન કર્યા બાદ જ ઉમેરવી. તે પછી ફરી ચર્ન ના કરવું. હવે આ આઇસ્ક્રીમના મિશ્રણને પહોળા ડબ્બામાં ભરી સેટ થવા માટે 6-8 કલાક ફ્રીઝરમાં મૂકી દેવું. ઉપરથી થોડોક બિસ્કીટ નો ભૂકો ભભરાવવો. તમે ફોટામાં જોઇ શકો છો કે જે અડધો ડબ્બો જામેલું દૂધ હતું તે જ ડબ્બો ચર્ન કર્યા બાદ આખો ભરાયા પછી પણ આઇસ્ક્રીમ વધ્યો છે.

🍦સેટ થયેલા આઇસ્ક્રીમ ને સ્કૂપરથી લઇ સર્વ કરવો. બિલકુલ સોફ્ટ ને બરફ વગરનો બને છે. આ જ રીતે તમે તમારી મનપસંદ ફ્લેવર ઉમેરી કોઇપણ આઇસ્ક્રીમ બનાવી શકો છો.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *