જો તમે બેઠાડુ જીવન જીવી રહ્યા હોવ તો ચેતી જાઓ ! તમે મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો…

શું તમે એકધારા બેસી રહો છો ?

તો તમે મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો

એકધારા બેસી રહેવાથી તમારા શરીરમાં ઉદ્ભવતા રોગોના જોખમમાં વધારો થાય છે અને તમે તમારા મૃત્યુને વહેલું આમંત્રણ આપો છો

કેટલાક ડોક્ટરો બેસી રહેવાની ટેવને ધુમ્રપાન સાથે સરખાવી રહ્યા છે. ધુમ્રપાનની જેમ તે પણ તમારા શરીરમાં ગંભીર રોગ થવાના જોખમને વધારે છે, તેમાં કેન્સર તેમજ હૃદયને લગતા રોગોનો પણ સમાવેશ થાય છે.

અને ધૂમ્રપાનની જેમ જ તમારી આ આદત પણ છૂટવી અઘરી છે
“બેસી રહેવાનો રોગ” એ કંઈ કોઈ જાતની તબીબી ભાષા નથી, પણ તેનું જોખમ તો તેટલું જ છે.

વધારે પડતાં બેસી રહેવા સાથે જોડાયેલું સ્વાસ્થ્યનું જોખમ તે લોકોને વધારે રહે છે જેઓ શ્રમ નથી કરતાં અને સામે કોઈ પણ જાતની કસરત પણ નથી કરતા, પણ તે લોકો જે કસરત કરે છે તેઓ પણ હૃદય, ડાયાબિટીસ, કેન્સર અને મૃત્યુના જોખમથી કંઈ બહાર છે તેવું ન કહી શકાય.

તે સત્ય છેઃ

ખુંબ લાંબા સમય સુધી બેસી રહેવાથી તમને વિવિધ જાતના ગંભીર રોગો તેમજ વહેલા મૃત્યુનું જોખમ રહી શકે છે પછી તમે ભલે ગમે તેટલી સ્વસ્થ જીવનશૈલી કેમ ન ધરાવતા હોવ.

આપણે એટલા બેઠાડુ થઈ ગયા છે કે માત્ર રોજની 30 મિનિટ પણ જીમ માટે નથી ફાળવી શકતા. કલાકો સુધી બેસી રહેવાની આપણી આ કુટેવને કારણે જ આપણે આટલા આળસુ બની ગયા છીએ – અને હવે તમારે પ્રમાણિક થવાની જરૂર છે, શું તમારામાંના કેટલાક પણ રોજ માત્ર 30 મિનિટ માટે પણ જીમમાં જાય છે ?

જો તમે તે દુર્લભ લોકોમાંના એક હોવ જે દિવસનો અરધો એક કલાક કસરત કરતા હોવ તો પણ તમે બાકીના 23 કલાક કંપ્યુટર, તમારા સોફા અથવા તો બેડમાં જ પસાર કરતા હશો.

શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે, એ મહત્ત્વનું છે કે તમે નિયમિત કસરત તો કરો જ પણ સાથે સાથે તમારા આ લાંબાગાળાના બેઠાડુપણાને પણ અંકુશમાં રાખો. સ્વસ્થ ખોરાક એ પણ એક મહત્ત્વની બાબત છે જેને પણ ન ભુલવી જોઈએ.

આજના આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે તમારો બેસવાનો સમય ઘટાડી શકો છો.

બેસવાનો સમય કેવી રીતે ઘટાડશોઃ

અહીં અમે તમને કેટલાક સરળ છતાં અસરકારક રસ્તાઓ બતાવ્યા છે કે તમે કેવી રીતે દિવસ દરમિયાન હલનચલનમાં રહી શકો છો.

તમારા બેસવાના સમય પર નજર રાખોઃ

આ માટે તમે તમારા સ્માર્ટ ફોન પર ટાઇમ ટ્રેકર એપનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમારા કાંડા પર ફિટનેસ માટેનો જે હાઇટેક રિસ્ટબેન્ડ આવે છે તે પણ લગાવી શકો છો અને તે દ્વારા તમે તમારા બેસવાના કલાકો પર નજર રાખી શકો છો. જેમ જેમ તમે તેના પર ધ્યાન રાખતા થશો તેમ તેમ તમે તમારી વર્તણુકમાં પરિવર્તન લાવતા થશો.

તમારા કામના દિવસ દરમિયાન વધારે હલનચલન માટેની તકો શોધોઃ

ઓફિસમાં, દર અરધા કલાકે બ્રેક લઈ ઉભા થાઓ, તમારું શરીર થોડું સ્ટ્રેચ કરો તમારી આસપાસ એકાદો નાનકડો આંટો મારી લો, રેસ્ટરૂમમાં જાઓ અથવા તમારા માટે તમારી કોફી જાતે જ બનાવી લો. તમારા કોઈ સહકર્મીને ઇમેઇલ કરવા કરતાં તેના ડેસ્ક પર જઈ જરૂરી વાત કરી લો. તમારા કલીગ સાથેની ચર્ચામાં તમે ઉભા ઉભા વાત કરો, અથવા તો તેની પાસે ચાલતા ચાલતા વાત કરવાનો આગ્રહ રાખો.

આ ઉપરાંત જ્યારે તમે સાંજે ટીવી જોતા હોવ તો જાહેરાત દરમિયાન પણ તમે તમારા શરીરને થોડું સ્ટ્રેચ કરો, સ્કવોટ અથવા પુશઅપ્સ કરી શકો છો.

તમારો રોજિંદો રૂટ બદલોઃ

બને ત્યાં સુધી તમારી કાર તમે તમારી ઓફીસ કે પછી તમારા વ્યવસાયના સ્થળેથી થોડી દૂર પાર્ક કરવાનું રાખો. તેનો મતલબ એવો નથી કે તમે ક્યાંય દૂર પાર્ક કરો પણ તમારા પાર્કિંગમાં જ તમે દૂરની જગ્યા પસંદ કરી શકો છો. અને આમ કરીને તમે મહિનાઓ તેમજ વર્ષમાં જ ઘણો ફરક જોઈ શકશો.

લિફ્ટ કે એસ્કેલેટરની જગ્યાએ પગથિયાનો ઉપયોગ કરોઃ

તમે જેટલો પગથિયાનો ઉપયોગ કરશો તેટલા જ વધારે તમારા પગના સ્નાયુઓ તેમજ તમારા શરીરનો નિચેનો ભાગ ઘાટીલો બનશે. અઠવાડિયામાં પાંચ દિવસ બે મિનિટ સુધી પગથિયા ચડવા-ઉતરવાનું રાખો. આમ કરી તમે તમારા શરીરમાં અત્યંત સ્વસ્થ પરિવર્તન લાવી શકો છો.

ઉભા ઉભા વાત કરોઃ

જ્યારે તમે ફોન પર વાત કરતા હોવ ત્યારે બેસો નહીં પણ તમે ઉભા ઉભા પણ વાત કરી શકો છો. વાતો કરતાં કરતાં આંટા મારો.

ચાલતા ચાલતા મિટિંગ કરોઃ

તમારા મિત્રોને કોઈ રેસ્ટોરન્ટ કે કેફેટેરિયામાં મળવાની જગ્યાએ કોઈક પાર્કમાં મળી ચાલતા-ચાલતા વાતો કરવાનું રાખો. તમે પાર્કમાં વાતો કરતાં કરતાં આખા ગામના ગપાટા મારી શકો છો અને જ્યારે તમારી પ્રિય કંપની તમારી સાથે ચાલી રહી હોય ત્યારે તમે કેટલું ચાલ્યા હશો તેનું પણ તમને ભાન નહીં રહે અને તમને થાક પણ નહીં લાગે. ત્યાર બાદ તમે મસ્ત મજાની કોફીની ચુસ્કી તો લઈ જ શકો છો.

વિકએન્ડમાં ક્યાંક સુંદર જગ્યાએ ચાલવા કે ચઢવાનું આયોજન કરોઃ

અઠવાડિયાના અંતે તમે બહાર સુંદર જગ્યાએ ચાલવા જઈ શકો છો અથવા તો નજીકમાં જો કોઈ પર્વતાળ પ્રદેશ આવ્યો હોય તો નાનકડું ચઢાણ પણ કરી શકો છો. કુદરતી વાતાવરણમાં તમારા શરીરને પણ સારું લાગશે અને સાથે સાથે તમારું મગજ પણ ફ્રેશ થઈ જશે. અને આમ થવાથી તમે નવા અઠવાડિયાની શરૂઆત માટે સંપૂર્ણ તાજગી અનુભવશો.

તમારી રોજિંદી ઘરેડમાં આ નાનકડા પરિવર્તનો લાવી તમે તમારા સ્વાસ્થ્યને એક મોટો ફાયદો પહોંચાડી શકો છો. અને માત્ર આટલું કરવાથી તમે રોજ જીમમાં અરધો કલાક પસાર કરતા લોકો કરતાં તો ક્યાંય વધારે હેલ્ધી જીવનશૈલી તરફ વળતા જાઓ છો.

આમ કરવાથી તમને સારું લાગશે, તમે પોતાની જાતને હળવા અનુભવશો અને તમારા સ્વાસ્થ્યને પરેશાન કરતીં કેટલીક મોટી સમસ્યાઓથી અજાણતા જ છુટકારો મેળવી શકશો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *