જેગરી છૂંદો – ખુબજ ઝડપથી બની જતા જેગરી છૂંદો બનાવવાની સરળ રીત

જેગરી છૂંદો :

અત્યારે અથાણાની કેરીની સિઝનમાં ગૃહિણીઓ કાચી કેરીઓમાંથી અનેક પ્રકારના ખાટા કે મીઠા અથાણા બનાવવા લાગે છે. આ અથાણાઓ આખું વર્ષ ઉપયોગમાં લઇ શકાય છે. કેરીમાંથી ખાટી કેરી, મેથીયા કેરી, ગુંદા કેરી, દાબડા કેરી, લસણ કેરી જેવા ખાટા અથાણા બનાવવામાં આવે છે. તેમજ કેરીનો મુરબ્બો, મીઠો છૂંદો, ગોળકેરી વગેરે કેરીના મીઠા અથાણા બનાવવામાં આવે છે. મીઠો છુંદો ગોળ-જેગરી ઉમેરીને અથવા તો ખાંડ ઉમેરીને બનાવવામાં આવતો હોય છે. જેમાં આખા જીરુ વગેરેનો વઘાર કરીને બનાવવામાં આવે છે. આ જેગરી છૂંદો હેલ્ધી અને ખુબજ ટેસ્ટી બને છે. અને જલ્દીથી બની જાય છે. ખાંડ નાખીને તડકામાં મુકીને કરવામાં આવતો છૂંદો બનાવવામાં વધારે સમય લાગે છે.

અહીં હું આપસૌ માટે ખુબજ ઝડપથી બની જતા જેગરી છૂંદો બનાવવાની સરળ રીત આપી રહી છું. નાના બાળકોથી માંડીને વડીલો સુધીના દરેક લોકોને ખુબજ ભાવશે અને ખાવો માફક પણ આવશે. આ જેગરી છૂંદો નાસ્તામાં ખાખરા, થેપલા, પરોઠા, પૂરી કે રોટલી સાથે પણ ખુબજ ટેસ્ટી લાગે છે. બહુ થોડી અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી જેગરી છૂંદો બનાવી શકાય છે.

જેગરી છૂંદો બનાવવાની સામગ્રી :

  • ૧.૧/૨ કપ કેરીનું છીણ
  • ૧ ટેબલ સ્પુન સોલ્ટ
  • ૧ ટી સ્પુન હળદર પાવડર

સૌ પ્રથમ કેરીની છાલ કાઢી તેને પાણીથી ધોઈને, કપડાથી એકદમ સરસ કોરી કરીને ખમણી લ્યો. હવે કેરીના ખમણને એક બાઉલમાં ભરીને તેમાં ૧ ટેબલ સ્પુન સોલ્ટ અને ૧ ટી સ્પુન હળદર પાવડર ઉમેરી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બરાબર મિક્ષ કરી હાથથી જરા પ્રેસ કરી લ્યો.

૧/૨ થી ૧ કલાક માટે ઢાંકીને રાખી મુકો. ત્યારબાદ તેને થોડું થોડું મુઠીમાં મૂકી હલકા હાથે પ્રેસ કરીને તેમાં હળદર –મીઠુંનું થોડું પાણી રહે તે રીતે બાકીનું પાણી એક નાના બાઉલમાં નીચોવી લ્યો. આ પ્રોસેસ તમે સાથે આપેલા વીડીયોમાં જોઈ શકો છો. ( કેરીનું ખમણ એકદમ વધારે નીચોવી લેવું નહી. તેને કુક થવા માટે થોડું તેનું જ પાણી જોઇશે. સાદું પાણી ઉમેરવાનું નથી ).

વધારાનું નીચોવેલું પાણી બીજા ખાટા અથાણા બનાવવાના ઉપયોગમાં લેવા માટે બોટલમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરો.

જેગરી છૂંદો વઘારવા માટેની સામગ્રી અને રીત :

  • ૧.૧/૨ કપ ગોળ
  • ૫ ટેબલ સ્પુન ઓઈલ
  • ૧/૨ ટી સ્પુન રાઈ
  • ૧/૨ ટી સ્પુન આખું જીરું
  • ૨ લાલ સુકા મરચા
  • ૨ પીસ તજ પત્તા
  • ૧ ટેબલ સ્પુન ધાણા
  • ૧ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર
  • હિંગ (ઓપ્શનલ )

રીત :

સૌ પ્રથમ મીડીયમ ફ્લેઈમ પર ૫ ટેબલ સ્પુન ઓઈલ ગરમ મુકી ગરમ કરો. હવે તેમાં ૧/૨ ટી સ્પુન રાઈ ઉમેરી તતડે એટલે તેમાં ૧/૨ ટી સ્પુન આખું જીરું, ૨ લાલ સુકા મરચા, ૨ પીસ તજ પત્તા અને ૧ ટેબલ સ્પુન ધાણા ઉમેરી સાંતળો. ( આ સ્ટેપ પર હિંગ ઉમેરી શકાય, મેં ઉમેરી નથી).

ત્યારબાદ તેમાં થોડું પાણી નીતારેલું, રેડી કરેલું કેરીનું ખમણ જરા હાથથી છુટું કરીને ઉમેરો.

હવે તેને બરાબર મિક્ષ કરી લ્યો. ત્યારબાદ તેને ટ્રાન્સપરન્ટ થાય ત્યાંસુધી સતત હલાવતા રહી કુક કરો.

ત્યારબાદ વીડિઓમાં બતાવ્યા પ્રમાણે તેમાં અધકચરો કરેલો ગોળ ઉમેરી મિક્ષ કરી લ્યો. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

હવે સ્લો મિડિયમ ફ્લેઈમ પર હલાવતા રહી જેગરી છુંદામાં બબલ દેખાવા લાગે અને ૧ તાર ની ચાસણી થઇ જાય ત્યાં સુધી કુક કરો. ત્યારબાદ ફ્લેઈમ બંધ કરી નીચે ઉતારી લ્યો. જેથી વધારે પ્રોસેસ ના થાય.

બનાવેલો આ જેગરી છૂંદો એકદમ ઠરીને રુમ ટેમ્પરેચર પર આવે એટલે તેમાં ૧ ટેબલ સ્પુન કાશ્મીરી મરચું પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. હવે તને થોડી થોડીવારે સ્પુન વડે હલાવી લેવો, જેથી તેમાં કાશ્મીરી મરચું પાવડરનો સરસ રેડ કલર તેમાં બેસી જાય.

હવે જેગરી છૂંદો સર્વ અને સ્ટોર કરવા માટે રેડી છે. હવે આ જેગરી છૂંદાને ક્લીન કરીને તપાવીને ઠંડા થયેલા ગ્લાસ જારમાં ભરી લ્યો. ફ્રીઝમાં રાખવાથી આ છૂંદો આખું વર્ષ ફ્રેશ રહેશે. ૨ મહિના સુધી બહાર સારો રહેશે.

તો તમે પણ આ સરળ અને જલ્દી બની જતા ટેસ્ટી જેગરી છુંદાની મારી આ રેસીપી ફોલો કરીને ઘરના દરેક લોકો માટે કેરીની આ જ સિઝનમાં ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *