સ્પાઈસી કોર્ન હલવા વિથ રોટી કોન – તમને તમારું બાળપણ યાદ આવી જશે આ વાનગી ખાઈને…

દેશી મકાઇનું છીણ કે છુંદો, રોટલી કોન માં(Corn spicy Halwa in Roti cone)

અમેરિકન નહીં પણ ચોમાસાની સિઝન માં ખાસ આવતી દેશી તાજી મકાઇમાંથી સરસીયામાં બનાવીએ તો વધુ ટેસ્ટી બને છે. મારા પિયરમાં બનતી વાનગી છે અને નાનપણથી મને ભાવે છે, પણ સાસરીયામાં ખાસ કોઇ ખાતા કે બનાવતા નથી તો આ સિઝનમાં જ્યારે પણ મારા પિયર જવાનું થાય ત્યારે મારા મમ્મી ખાસ બનાવે છે. નાનપણથી મને આ છુંદા સાથે એકાદ રોટલી ખાવાની આદત છે. તો અહીં મેં સાદી રોટલીના કોન બનાવી તેમાં આ છુંદાનું સ્ટફીંગ કર્યું છે. રોટલીના કોન તળીને કે ઓવનમાં બેક કરીને બનાવી શકાય. મેં અહીં બેક કર્યા છે. એકદમ ક્રિસ્પી રોટલીમાં ભરેલું આ છીણ ખાવામાં સરસ લાગે છે.

સમય:૪૦ થી ૪૫ મિનિટ, સર્વિંગ: ૨ થી ૩ વ્યક્તિ માટે

ઘટકો:

  • • ૧ કિલોગ્રામ દેશી મકાઇ અથવા કડક દાણાવાળી અમેરિકન મકાઇ
  • • ૪૦૦ મીલી દૂધ
  • • ૨ ટેબલ સ્પૂન સરસીયું (મસ્ટર્ડ ઓઇલ)
  • • ૨ ટેબલ સ્પૂન ઘી
  • • ૩ લવિંગ
  • • ૧ તજનો ટુકડો
  • • ૧ તમાલપત્ર
  • • ૧ સૂકું લાલ મરચું
  • • ૧ ટી સ્પૂન જીરુ
  • • ચપટી હીંગ
  • • ૧ લીલું મરચું
  • • ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  • • ચપટી હળદર
  • • ૧ ટી સ્પૂન ધાણા જીરુ પાઉડર
  • • ૧ ટી સ્પૂન મીઠું
  • • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • • ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો
  • • ૨ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  • • ૨ મોટી રોટલી
  • • ૧ ચમચી મેંદો

રીત:

➡️મકાઇ ને છીણી લેવી. જો દેશી મકાઇ ના મળે તો થોડીક પાકી અમેરિકન મકાઇ લેવી. બહુ કુણી હશે તો છીણ સારું નહીં બની શકે. તેમાં લીલું મરચું વાટીને નાખવું .

➡️એક કઢાઇ માં તેલ અને ઘી લઇ ગરમ કરવું. તેમાં લવિંગ, તજ,તમાલપત્ર, સૂકું મરચું, જીરુ, હીંગ નો વઘાર કરવો. પછી તેમાં છીણ ઉમેરી ૫ મિનિટ માટે શેકવું.

➡️પછી તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી,૧૫ થી ૨૦ મિનિટ ચડવા દેવું. મકાઇ ચડી જાય અને દૂધ બળી જાય પછી એમાં બધા સૂકા મસાલા(મરચું, હળદર, મીઠું, ધાણાજીરુ,ખાંડ) નાખી મિક્સ કરવી અને ચડવા દેવું. થવા આવે એટલે ગરમ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી લેવું.

➡️છીણ શેકાઇને ઘી-તેલ છૂટું પડવા લાગશે. છુંદો તૈયાર છે.

➡️મેંદામાં ૧/૨ ચમચી જેટલું પાણી નાખી સ્લરી બનાવવી. રોટલીના ૪ સરખા ટુકડા કરી, આ સ્લરી વાપરી પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે કોન બનાવવો. કોનને સીધા તેલમાં તળી લેવા કે પ્રિહિટેડ ઓવનમાં 10-15 મિનિટ માટે 200° પર બેક કરી લેવા. તેમાં ગરમ છીણ ભરીને સર્વ કરવું.

રસોઈની રાણી : પલક શેઠ

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *