દહીં કબાબ – દહીં ના સોફ્ટ અને ટેન્ગી કબાબમાં વચ્ચે વોલનટના ટુકડાનો ક્રન્ચ મસ્ત લાગે છે…

દહીં કબાબ (Nutty Dahi Kebab)

બહુ જ સ્વાદિષ્ટ તેવી સ્ટાર્ટર રેસીપીમાં વોલનટનો પરફેક્ટ ટ્વીસ્ટ ઉમેર્યો છે. અને દહીં ના સોફ્ટ અને ટેન્ગી કબાબમાં વચ્ચે વોલનટના ટુકડાનો ક્રન્ચ મસ્ત જાય છે. આમાં સાથે મિક્સ ડ્રાયફ્રૂટ્સ અને શીંગદાણા પણ બહુ જ સરસ લાગે છે.

કબાબ ટેસ્ટમાં ખૂબ જ યમી બન્યા.. સાથે બ્રેડમાં સ્પ્રેડ, ચટણી, સલાડ સાથે આ કબાબ વચ્ચે મૂકી દહીં કબાબ સેન્ડવીચ પણ બનાવી. એ પણ એટલી જ મસ્ત લાગી. ફેમિલીમાં બધાને બહુ ભાવ્યા. ટ્રાય કરવા જેવી રેસીપી છે…

સમય: 1 કલાક, 14-15 નંગ બનશે

ઘટકો:

  • • 400 ગ્રામ ફૂલ ફેટ મોળું દહીં
  • • 120 ગ્રામ પનીર
  • • 7-8 અખરોટ
  • • 1 મોટી ડુંગળી
  • • 3-4 લીલા મરચાં
  • • 25 ગ્રામ કોથમીર
  • • 1 ટુકડો આદું
  • • 1 ટીસ્પૂન ફુદીનાનો પાઉડર (અથવા 25 ગ્રામ તાજો ફૂદીનો)
  • • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • • 1 ટીસ્પૂન મીઠું
  • • 1/2 ટીસ્પૂન સંચળ પાઉડર
  • • 1 ટીસ્પૂન મરી પાઉડર
  • • 1 ટી સ્પૂન ચાટ મસાલો
  • • 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાઉડર
  • • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • • 3 મોટી તાજી બ્રેડ
  • • 2-3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર
  • • 1 ટેબલ સ્પૂન તલ
  • • 1 ટેબલ સ્પૂન કાળા તલ

પધ્ધતિ:

🍢બધી પૂર્વતૈયારી પહેલા કરી લેવાની છે. કબાબ બનાવવાના હોય તેના 8-12 કલાક પહેલા દહીંનો મસ્કો બનાવવા રાખવો. તે માટે એક બાઉલની ઉપર ગરણી મૂકી તેમાં સુતરાઉ કપડું પાથરી તેમાં દહીં કાઢવું. કપડાની પોટલી વાળી બાઉલને ગરણી સાથે એમ જ ફ્રીઝમાં રાખી દેવું. જેથી દહીંનું પાણી અલગ થઇ જાય અને દહીં ખાટું પણ ના થાય. 400 ગ્રામ દહીંમાંથી 150-200 ગ્રામ મસ્કો બનશે.

🍢બધાં મસાલા એક પ્લેટમાં કાઢી લેવા. ડુંગળી,મરચાં અને કોથમીર ને ઝીણી સમારી લેવી. આદું ને છીણી લેવું.

🍢અખરોટને ફોલી નાના ટુકડા માં સમારી લેવા. તેને શેકી લેવા.પનીરને છીણી લેવું. એક કપ જેટલું છીણેલું પનીર લેવું. બ્રેડ ને મિક્સરમાં ક્રશ કરી ફ્રેશ બ્રેડ ક્રમ્સ બનાવવા.

🍢હવે દહીં ના મસ્કામાં પનીર, બધા સૂકા મસાલા, સમારેલા શાક, અખરોટ, 1/2 કપ બ્રેડ ક્રમ્સ ઉમેરવા. બધું બરાબર મિક્સ કરવું. સોફ્ટ ગોળા વળે તેવું મિશ્રણ બનાવવાનું છે. જો ઢીલું લાગે તો 1-1 ચમચી બ્રેડ ક્રમ્સ ઉમેરવા.

🍢કબાબનું મિશ્રણ તૈયાર છે.તેમાંથી 1-1 ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લઇ તેને પેંડા જેવો આકાર આપવો. અને તેના પર બન્ને પ્રકારના તલ લગાવવા. બધા આ રીતે બનાવી લેવા.

🍢હવે તેલ ગરમ મૂકવું. તેલ ગરમ થાય એટલે એક એક ટીક્કી ને કોર્નફ્લોર માં રગદોળી વધારાનો કોર્નફ્લોર ખંખેરી તેલમાં મૂકવી. હલકી બ્રાઉન થાય ત્યાં સુધી તળવી. આ રીતે બધા કબાબ તળી લેવા.

🍢તેને ગરમ જ સોસ અને ચટણી સાથે સર્વ કરવા. વોલનટના ટ્વીસ્ટ સાથેના કબાબ તૈયાર છે. આ કબાબ સેન્ડવીચ, બર્ગર માં પેટી કે ટીક્કી તરીકે પણ બહુ જ સરસ લાગે છે.

🍢આ કબાબમાં બ્રેડ ક્રમ્સ ની જગ્યાએ ચણાનો લોટ પણ લઇ શકાય છે. પણ દહીં હોવાથી બ્રેડ ક્રમ્સ થી સારું બાઇન્ડીંગ મળે છે. જો વહેલા બનાવી રાખવા હોય તો કોર્નફ્લોર નું કોટિંગ તળતી વખતે જ કરવું.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *