ડેઝર્ટ પ્રિય માટે ખુશખબર , ડેઝર્ટ ખાઓ અને પાતળા રહો

બેકરી આઇટમો કે ખાંડવાળી વસ્તુઓનો વપરાશ વધુ કરવાથી વજન વધતું નથી અને બંધ કરી દેવાથી તરત જ વજન ઘટતું પણ નથી. પરંતુ વધુ પડતી બેકરી આઇટમો અથવા ડેઝર્ટ ખાવામાં આવે તો વજન વધી જાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું દિકરાની બર્થ ડે અથવા અંગત વ્યક્તિના આનંદની ઉજવણી કરવા માટે ‘મોઢું મીઠું’ કરવામાં આવે અથવા તો એકાદ ટુકડો ‘કેક’ અથવા મિઠાઈ ખાવામાં આવે અથવા ચોકલેટ ખાવામાં આવે તો શું વજન વધી જાય ? જવાબ છે “ના”, જો વ્યવસ્થીત રીતે સમજીને ખોરાક ખાવામાં આવે તો અનહેલ્ધી આઈટમો પણ વજન વધારતી નથી.અહીં કહેવાનો મતલબ એમ નથી કે ‘અનહેલ્ધી’ ખોરાક જેટલો ખાવો હોય એટલો ખાઈ શકાય, પરંતુ હેલ્ધી ખોરાક ખાતાં ખાતાં બનેલી હેલ્થને એન્જોય કરવા માટે વચ્ચે વચ્ચે થોડીક છૂટછાટ તો જરૂરી છે. પરંતુ આ એન્જોયમેન્ટ કેટલું હોવું અને કેવું હોવું તે કોણ નક્કી કરે ? આ તમારે જ નક્કી કરવાનું છે. આનંદની પારાશીશી દરેક વ્યક્તિ માટે જુદી જુદી છે અને તે પ્રસંગને અનુરૂપ નક્કી કરવી જોઈએ. આમ, ભાવતા અનહેલ્ધી ભોજન થોડા પ્રમાણમાં ખાઈને પણ આનંદ માણી શકાય છે. આપણામાંના દરેક જ્યારે વજન ઉતારવાનો પ્રયત્ન કરતાં હોઈએ અને ડેઝર્ટ અથવા ચોકલેટ ખવાઈ જાય તો ખૂબ જ ‘ગીલ્ટી’ ગુનાહીત કાર્ય કર્યું હોય તેવું અનુભવતાં હોઈએ છે. માટે તમને તેવી કોઈ ફીલીંગ ન થાય તે માટે આજના આ લેખમાં તમારા માટે ડેઝર્ટ ખાવા માટેની કેટલીક છટકબારીઓ અમે શોધી કાઢી છે.

ડેઝર્ટ અઠવાડિયામાં એક વખત અથવા તેનાથી ઓછી વખત ખાવ.ડેઝર્ટ ખાવા માટેનો અઠવાડિયાનો એક દિવસ નનક્કી કરો. જો વજન ઉતારવાના પ્રયોગો ચાલતા હોય અને એમ લાગે કે ડેઝર્ટ ખાવાથી વજન વધી જશે તો 2 અઠવાડિયે એક વખત ડેઝર્ટ ખાવ. એક વખત જ ખાવામાં આવતા ડેઝર્ટથી મનને સંતોષ થઈ જશે અને મન પણ સ્વસ્થ રહેશે.

તમે એ તો જાણો જ છો કે વધુ પડતી ખાંડવાળો ખોરાક શરીરમાં ઇન્સ્યુલીનનું લેવલ વધારે છે અને તે દ્વારા લેવામાં આવતી એક્સ્ટ્રા કેલેરી ફેટમાં રૂપાંતરીત થાય છે. વધુ પડતી ખાંડ લેવાથી હાર્ટના રોગો તેમજ બ્લડપ્રેશર અને ડાયાબીટીસ જેવા રોગો થાય છે.

1. પ્રસંગ નક્કી કરોઃ- તમે અઠવાડિયામાં એક વખત ગળ્યું ખાવાનો નિયમ લીધા પછી તમારે ક્યા પ્રસંગે આ ખાંડવાળો ખોરાક ખાવો છે તે નક્કી કરો. તમારે એ નક્કી કરવાનું છે કે તમારે ઓફિસમાં ઉજવવામાં આવતા પ્રસંગો દરમિયાન મિઠાઈ ખાવી છે કે પત્ની અથવા બાળકની વર્ષગાંઠમાં ? મિત્રો સાથે પસાર થતાં વિકએન્ડમાં મિઠાઈ ખાવી કે બોસને ખુશ કરવા ? પણ આ ઉજવણી માત્ર અઠવાડિયામાં એકવાર જ થશે તે યાદ રાખવું.

2. એકલા કદી ન ખાઓઃ- સ્પેશ્યલ પ્રસંગે તમને ડેઝર્ટ ખાવાનો જે આનંદ મળશે અને સંતોષ થશે તે એકલા એકલા ખાવામાં આવશે નહીં જીવનમાં આવતાં મહત્ત્વના પ્રસંગો મિત્રો અથવા ફેમીલી સાથે માણવામાં જ મઝા છે. ટીવી જોતાં જોતાં અથવા એકલા એકલા મીઠાઈ કે ચોકલેટ તમે કેટલા ખાઈ જશો તેનો તમને ખ્યાલ પણ નહીં રહે અને જે આનંદ માટે અથવા ઉજવણી માટે આપણે ડેઝર્ટ ખાવાનું નક્કી કર્યું તે આનંદ તો મળશે જ નહીં.

જમ્યા પછી જો વધુ પડતું ગળ્યું ખાવાનું મન થતું હોય તો જમ્યા પછી ફ્રૂટ અથવા એકાદ ખજૂર ખાઓ. ઘરમાં મીઠાઈના ડબ્બા, અથવા આઇસ્ક્રીમ સંઘરશો જ નહીં જેથી અવારનવાર તે ખાવાનું મન થાય જ નહીં.

3.તમારા ડેઝર્ટને જાણોઃ-એવું જરૂરી નથી કે તમારી સામે મૂકવામાં આવતી દરેક મિઠાઈ તમારે ખાવી જ જોઈએ. લગ્નમાં મૂકવામાં આવેલી જુદી જુદી મિઠાઈને માણવાને બદલે મિત્રની બર્થડેમાં ચોકલેટ ખાવાનો અથવા ‘’કેક ખાવાનો આનંદ વધુ મળશે. કોઈક વખત ચાખ્યા પછી લાગે કે આ આઇસ્ક્રીમ આપણા સ્વાદ મુજબનો નથી તો તેવા આઇસ્ક્રીમનો બાઉલ ખાલી કરવાનો આગ્રહ રાખશો જ નહીં. તેને અધૂરો મુકવામાં શરમાશો નહીં. ડેઝર્ટમાં એક કોળિયામાં જ 25થી 100 કેલેરી હોઈ શકે છે. ડાર્ક ચોકલેટ વધુ હેલ્ધી છે અને ગળ્યું ખાવાનો સંતોષ પણ આપે છે.

4. બને ત્યાં સુધી મિઠાઈ તમારા ભોજન સાથે આરોગોઃ-
વધુ પડતાં ભૂખ્યા પેટે જો ડેઝર્ટ ખાવાનું શરૂ કરશો તો ખૂબ જ ખવાઈ જશે માટે તમારા રોજીંદા ખોરાકને ખાધા પછી જ પેટમાં જગ્યા પ્રમાણે ડેઝર્ટ ખાવ જેથી કરીને વધુ પડતું ખવાઈ ન જાય.

લેખક – લીઝા શાહ

Join the discussion

Your email address will not be published. Required fields are marked *