ઢોંસા લઝાનિયા – Dosa Lasagna – સાઉથ ઇન્ડિયન ફૂડના ચાહકો માટે ખાસ આ નવીન રેસિપી…

ઢોંસા લઝાનિયા (Dosa Lasagna)

આજે એક યુનિક ફ્યુઝન ટ્રાય કર્યું છે. લઝાગ્ના કે લઝાનિયા ઇટાલિયન ક્યુઝિનની ડીશ છે. જે ફ્લેટ લેયરમાં બનતા એક પ્રકારના પાસ્તા કહી શકાય. જેને અલગ-અલગ વ્હાઇટ, રેડ સોસ, ચીઝ, વેજીટેબલ્સ અને ઓરેગાનો, બેઝિલ, ગાર્લિક, ચીલી ફ્લેક્સ વગેરે જેવા સીઝનીંગ સાથે બનાવવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જે નાના બાળકોથી લઇ મોટા બધાને ભાવે.. લઝાનિયા શીટ્સ ઘરે મેંદાના લોટમાંથી બનાવી શકાય કે તૈયાર પણ મળતી હોય છે.બીજા પાસ્તાની જેમ બોઇલ કરી વાપરી શકાય છે.

આજે આ ડીશને મેં ઇન્ડિયન (સાઉથ ઇન્ડિયન) ટચ આપ્યો છે. અને ફ્યુઝન લઝાનિયા ટ્રાય કર્યા છે. જેમાં મેંદાની શીટ્સ ની જગ્યાએ ઢોંસા લીધા છે. સાથે સાઉથ ઇન્ડિયન ટેસ્ટ વાળું વેજીટેબલ સ્ટફીંગ બનાવ્યું છે. એની સાથે રેગ્યુલર વ્હાઇટ ચીઝ સોસ અને રેડ ટોમેટો સોસ બનાવ્યા છે.

રેડ ટોમેટો સોસમાં મેગી હોટ એન્ડ સ્વીટ સોસ નો યુઝ કર્યો છે. સાથે વેજીટેબલ સ્ટફીંગ માં મેગી મેજીક મસાલા અને સંભાર મસાલા વાપર્યો છે. આ આખી ડીશ ખૂબ જ ટેસ્ટી બની છે. જીની ઢોંસા જેટલું જ ટેસ્ટી લાગે છે આ ઢોંસા લઝાનિયા….😍

સમય: દોઢ કલાક 3 વ્યક્તિ માટે,

સામગ્રી :

  • • 2 કપ ઢોંસાનું ખીરું
  • • 1 કપ મોઝરેલા અને ચેદાર ચીઝ

👉રેડ સોસ માટે,

  • • 8 મિડિયમ સાઇઝ ટામેટાં
  • • 1 ડુંગળી
  • • 6-7 કળી લસણ
  • • 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • • 1/2 ટીસ્પૂન ઓરેગાનો
  • • 1/2 ટીસ્પૂન બેઝિલ
  • • 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  • • 1/2 ટેબલ સ્પૂન ખાંડ
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 2 ટેબલ સ્પૂન હોટ એન્ડ સ્વીટ ટોમેટો કેચઅપ
  • • 1 ટેબલ સ્પૂન તેલ

👉વ્હાઈટ સોસ માટે,

  • • 2 ટેબલ સ્પૂન મેંદો
  • • 2 ટેબલ સ્પૂન બટર
  • • 2 કપ દૂધ
  • • 1/4 ટીસ્પૂન મીઠું
  • • 1/2 ટીસ્પૂન મરી પાઉડર
  • • 50 ગ્રામ પ્રોસેસ્ડ ચીઝ

👉વેજીટેબલ સ્ટફીંગ માટે,

  • • 2 બટાકા
  • • 2 ડુંગળી
  • • 1 લીલું કેપ્સીકમ
  • • 1 નાનો ટુકડો ગાજર
  • • 1 લીલું મરચું
  • • થોડાક મીઠા લીમડાનાં પાન
  • • 1/2 લાલ કેપ્સીકમ (બેલ પેપર)
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 1/2 ટીસ્પૂન રાઇ
  • • ચપટી હીંગ
  • • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • • 2 ટીસ્પૂન સંભાર મસાલો
  • • 1 ટીસ્પૂન મેગી મેજીક મસાલો
  • • 1/4 ટીસ્પૂન હળદર
  • • મીઠું સ્વાદ પ્રમાણે

રીત:

👉 રેડ સોસ માટે, ટામેટાં ને 5 મિનિટ માટે ગરમ પાણીમાં બ્લાન્ચ કરી છાલ નીકાળી લેવી. પછી તેને મિક્સરમાં પીસી પ્યુરી બનાવી લેવી. ડુંગળી અને લસણને એકદમ બારીક ચોપ કરી લેવા. હવે એક પેનમાં તેલ ગરમ મૂકી લસણ અને ડુંગળી નાખી સાંતળવું. તેમાં લાલ મરચું પાઉડર નાખી 1 મિનિટ માટે સાંતળી પછી ટામેટાની પ્યુરી ઉમેરવી. હલાવી ઢાંકીને કુક થવા દેવું. પછી ઓરેગાનો, બેઝિલ, ચીલી ફ્લેક્સ, ખાંડ, મીઠું નાખી મિક્સ કરવું. ફરી થોડીવાર થવા દેવું. પછી મેગી હોટ એન્ડ સ્વીટ ટોમેટો કેચઅપ ઉમેરી મિક્સ કરી લેવો. રેડ સોસ તૈયાર છે.

👉વ્હાઇટ સોસ માટે, એક કઢાઇમાં બટર અને મેંદાને 2-3 મિનિટ માટે શેકવો. લોટ ફૂલે અને સુગંધ આવે પછી તેમાં થોડું -થોડું કરીને દૂધ ઉમેરી સતત હલાવતા જવું જેથી ગાંઠો ના પડે. બધું દૂધ નાખી થોડીવાર ઊકળવા દેવું. જાડું થાય એટલે મીઠું, મરી પાઉડર અને છીણેલું પ્રોસેસ્ડ ચીઝ નાખી હલાવી બરાબર મિક્સ કરી લેવું. વ્હાઇટ ચીઝ સોસ તૈયાર છે.

👉 વેજીટેબલ સ્ટફીંગ માટે, બટાકાને થોડાક કડક રહે તેવા બાફી, છાલ કાઢી નાના ટુકડામાં કાપી લેવા. ગાજર, ડુંગળી, બન્ને કેપ્સીકમ, લીલું મરચું ને ઝીણા સમારી લેવા. એક કઢાઇમાં તેલ ગરમ કરી રાઇ હીંગ નાખી વઘાર કરવો. તેમાં પહેલા ગાજર નાખી થોડીવાર સાંતળવા. પછી ડુંગળી, કેપ્સીકમ, લીલું મરચું, મીઠાં લીમડાના પાન નાખી મિક્સ કરી ફરી થોડીવાર ચડવા દેવું. પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, મેગી મેજીક મસાલો, સંભાર મસાલો, મીઠું નાખી હલાવી મિક્સ કરી લેવું. છેલ્લે બટાકા નાખી બરાબર મિક્સ કરી લેવા. સ્ટફીંગ તૈયાર છે.

👉 ઢોંસાના ખીરામાં મીઠું નાખી તેમાંથી થોડાક જાડા 4 ઢોંસા ઉતારવા. બધા ઢોંસાને કિનારીથી કાપી મોલ્ડની સાઇઝ ના ચોરસ કરી લેવા. સાથે ઓવનને 180° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દેવું.

👉હવે બેકીંગ ટ્રેમાં તળિયે થોડોક રેડ સોસ લગાવી તેની પર એક ઢોંસો મૂકવો. તેના પર ફરી રેડ સોસ બધી બાજુ લગાવી વેજીટેબલ સ્ટફીંગ પાથરવું. તેના પર થોડો-થોડો વ્હાઈટ સોસ બધી બાજુ પાથરવો.  ફરી બીજો ઢોંસો મૂકવો અને રેડ સોસ, વ્હાઈટ સોસ અને વેજીટેબલ નું લેયર કરવું. 4 લેયર સુધી આ રીતે કરી છેલ્લે ઉપર બધી બાજુ સારા એવા પ્રમાણમાં છીણેલું કે નાના ટુકડામાં ચીઝ પાથરવું. અને તેને ઓવનમાં ગોઠવી 15-20 મિનિટ માટે ઉપરનું ચીઝ પૂરું બેક થાય ત્યાં સુધી બેક કરવું.

👉ગરમ-ગરમ લઝાનિયાને તરત જ કાપી સોસ અને કોકોનટ ચટણી સાથે સર્વ કરવું.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *