ફરાળી કેરટ-સાગો ખીર – હવે સાબુદાણાની ખીર બનાવવાનું વિચારો તો આ ટેક્નિકથી બનાવજો.

ફરાળી કેરટ-સાગો ખીર :

ઘરના રસોડે અવારનવાર જુદી જુદી સામગ્રીઓ માંથી ખીર બનતી હોય છે. ખીર ફરાળ માટે અને ફરાળ ના હોય તો પણ ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ધાર્મીક પ્રસંગો હોય ત્યારે સ્વીટ તરીકે ખાસ ખીર હોય છે. સામાન્ય રીતે સાદા ભોજન સાથે ચોખાની ખીર વધારે બનતી હોય છે. પરન્તુ જ્યારે વ્રતના ઉપવાસ હોય ત્યારે ગાજર, દૂધી, શક્કરીયા જેવા શાકમાંથી ખીર બનાવવામાં આવતી હોય છે. બધા પ્રકારની બનતી ખીરને સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક માનવામાં આવે છે. કેમકે ખીર બનાવવાની મુખ્ય સામગ્રી સાથે દૂધ અને ડ્રાય ફ્રુટ અને ખૂબજ સરસ અરોમાવાળા સ્પાઇસ મિક્ષ કરવામાં આવે છે, જેવાકે એલચી, જાયફળ, કેશર…વગેરે.

ખીરમાં ઉમેરવામાં આવતી દરેક સામગ્રી પોતપોતાની આગવી પૌષ્ટિક્તા ધરાવતી હોય છે. તેથી ખીરની હેલ્થ માટેની વેલ્યુ ખૂબજ વધી જાય છે.

આજે હું આપ સૌ માટે ફરાળી કેરટ સાગો ખીરની રેસિપિ આપી રહી છું. જે કેરટની ખીર હોવાથી કેરટનો સરસ નેચરલ ઓરેંજ કલર ખીરમાં આવી જાય છે, અને સાથે એલચીની ખૂશ્બુદાર અરોમા તો ખરી જ. જે જોઇને જ ખાવાનું મન થઇ આવશે. તો આ વખતે ફરાળ માટે કોઇ સ્વીટ બનાવવાનું વિચારતા હોવ તો

ચોક્કસથી કેરટ સાગો ખીર બનાવજો.

કેરટ-સાગો ખીર બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ કેરટ(ગાજર) ખમણેલા
  • 2 ટી સ્પુન સાબુદાણા – ગ્રાઇંડ કરેલા
  • 5-6 ટેબલ સ્પુન પાણી
  • 2 કપ મિલ્ક
  • 1 ટી સ્પુન ઘી
  • 1/3 ક્પ સુગર (વન થર્ડ કપ)
  • ½ ટી સ્પુન એલચી પાવડર
  • 2 ટે સ્પુન કાજુના રોસ્ટ કરેલા નાના ટુકડા

ગાર્નિશિંગ માટે :

  • 3-4 કાજુના ફાડા થોડા ફ્રાય કરેલા
  • પિસ્તાનો અધકચરો ભુકો – જરુર મુજબ

કેરટ-સાગો ખીર બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 2 ટી સ્પુન સાબુદાણા લઇ પલાળ્યા વગર જ તેને ગ્રાઇંડ કરી અધકચરો ભુકો કરો.

ત્યારબાદ તેમાં 5-6 ટેબલ સ્પુન પાણી ઉમેરી ½ કલાક માટે પલાળી રાખો.

હવે એક થીક બોટમવાળુ પેન ગરમ કરી તેમાં 1 ટી સ્પુન ઘી લ્યો.

ઘી જરા ગરમ થાય એટલે તેમાં પહેલા કાજુના નાના ટુકડા અને ફાડા પિંક રોસ્ટ કરીને નાના બાઉલમાં કાઢી લ્યો.

હવે તે ગરમ થયેલા ઘીમાં 1 કપ ખમણેલું કેરટ (ગાજર) ઉમેરી દ્યો.

મિડિયમ ફ્લૈમ રાખી ઘી સાથે ખમણેલું કેરટ બરાબર મિક્સ કરી લ્યો. અને ખમણનો કલર થોડો રોસ્ટ થઇને બદલે ત્યાં સુધી રોસ્ટ કરો.

ખમણ રોસ્ટ કરતી વખતે સતત હલાવતા રહો.

(જેથી બધું ખમણ એકસરખું રોસ્ટ થઇને સંતળાય અને ટેસ્ટી બને. તેમજ બોટમ પર બેસી જઇને દાઝીના જાય).

કેરટનું ખમણ રોસ્ટ થઇને થોડું સ્મુધ થઇ જાય એટલે તેમાં 2 કપ મિલ્ક ઉમેરી દયો. તવેથાથી બરાબર મિક્ષ કરી લ્યો. ફ્લૈમ થોડી વધારી દ્યો.

હવે મિશ્રણ ઉકળીને એક ઉભરો આવે એટલે તેમાં ½ કલાક પાણીમાં પલાળેલા સાબુદાણાનો ભૂકો ઉમેરી દ્યો. સરસથી મિક્ષ કરી લ્યો.

હવે થોડી ફ્લૈમ સ્લો કરીને સાબુદાણાનો ભૂકો તેમાં કૂક થવા દ્યો. 2 મિનિટ ઉકાળો. ઉકળે ત્યારે પણ સતત હલાવતા રહો. મિશ્રણમાં સાબુદાણાનો ભૂકો બરાબર કૂક થઇને મિક્ષ થઇ જશે. એટલે મિશ્રણ ખીર જેવું ઘટ્ટ થઇ જશે.

ત્યારબાદ તેમાં 1/3 કપ સુગર ઉમેરો. (તમારા સ્વાદ મુજબ જરુર જણાય તો સુગરનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકાય છે). આમેય કેરટમાં થોડી સ્વીટ્નેસ હોય છે.

હવે સુગર સહિત બધું જ ખીરનું મિશ્રણ ઉકળીને એકરસ થઇ જાય એટલે સાથે તેમાં 2 ટે સ્પુન કાજુના રોસ્ટ કરીને લાઇટ પિંક કરેલા નાના ટુકડા અને 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરો.

કેરટ સાગો ખીર 1 મિનિટ ઉકાળી ફ્લૈમ બંધ કરી દ્યો.

સરસ લાઇટ ઓરેંજ કલરની એલચીની અરોમાવાળી ફરાળી કેરટ સાગો ખીર સર્વ કરવા માટે રેડી છે.

સર્વિંગ બાઉલમાં ફરાળી કેરટ સાગો ખીર ભરી તેના પર પિસ્તાનો અધકચરો ભુકો સ્પ્રિંકલ કરો. સાથે રોસ્ટેડ કાજુથી ગાર્નિશ કરો.

આ ખીર ગરમાગરમ કે રેફ્રીઝરેટરમાં ઠંડી કરીને પણ સર્વ કરી શકાય છે.

ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી આ ફરાળી કેરટ સાગો ખીર નાના મોટા બધાને ટેસ્ટ્માં બેસ્ટ લાગશે અને હેલ્થ માટે પણ સારી રહેશે. તો જરુરથી મારી આ રેસિપિને ફોલો કરીને બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *