ફરાળી સામા ઉપમા – ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ

ફરાળી સામા ઉપમા

આપણી પ્રાચીન ભારતીય પરંપરા મુજબ વ્રતના ઉપવાસ કરવા એ આધ્યાત્મિક દ્રષ્ટીકોણ હોવાની સાથે સાથે તેનો આયુર્વેદિક દ્રષ્ટીકોણ પણ છે. આપણે રેગ્યુલર ભોજન લેતા હોઈએ છીએ તે ખોરાક્ને કારણે કેટલાક ઝેરી તત્વો આપણી પાચન શક્તિમાં ભળી જતા હોય છે. તેથી શરીર થોડું અસ્વસ્થ બનતું હોય છે. તેથી સ્વસ્થ રહેવા અને ઝેરી તત્વો દૂર કરવા માટે શરીર ને શુધ્ધ કરવું જરુરી છે. તેના માટે ઉપવાસ કરીને, પાચન શક્તિને આરામ મળે તેવો ખોરાક લેવામાં આવે છે. જે શરીર શુધ્ધ કરે છે અને સ્વાસ્થ્ય સુધારે છે.

તેના માટે સામો એ એક ખૂબજ પ્રાચીન ધાન્ય છે. અને સદીઓથી તેના પોષણ મૂલ્યો માટે જાણીતુ ધાન્ય છે. સામો એ શ્રેષ્ઠ – જલ્દી પચી જાય તેવું ધાન્ય છે, જે ફરાળમાં પણ વાપરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં ઋષિ પંચમીના વ્રતના ઉપવાસમાં ફરાળમાં લેવામાં આવે છે. તેને ખાવાના ઉપયોગમાં લેવાથી ડાયાબિટીઝથી બચાવે છે, હ્રદય સ્વસ્થ રહે છે, કેંસર થતું અટકે છે.

તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો રહેલા છે, કોલેસ્ટ્રોલનું લેવલ જાળવી રાખે છે, હાડકાં મજબૂત બનાવે છે તેમજ પાચનમાં સહાય કરે છે. ડાયાબિટીઝના લોકો માટે આ એક શ્રેષ્ઠ ધાન્ય છે. કેમકે તેમાં ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે.

હાલ સામામાંથી અનેક વિધ વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ખીર, ટીક્કી, ખીચડી પુલાવ, ઉપમા તેમજ સામામાં અન્ય ફરાળી લોટ ઉમેરીને પણ ફરાળી વાનગી બનાવી શકાય છે. ( સામામાંથી ફરાળ સિવાય રેગ્યુલર બ્રેક ફાસ્ટ કે ડીનર માટે બનાવવામાં આવતી વાનગી માં ઓનિયન, મટર વગેરે ઉમેરવામાં આવે છે ).

ખૂબજ ઓછા સમયમાં તૈયાર થઈ જતી એવી હેલ્ધી ફરાળી સામા ઉપમાની રેસિપિ અહીં હું આપ સૌ માટે આપી રહી છું. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ વ્રતના ઉપવાસમાં ફરાળ કરવા માટે બનાવજો.

ફરાળી સામા ઉપમા બનાવવા માટેની સામગ્રી:

  • 1 કપ સામો
  • 2 બટેટા ( કાચા)
  • 1 ટમેટું બારીક સમારેલું
  • 2 લીલા મરચા બારીક સમારેલા
  • 1 ટી સ્પુન સુગર
  • 10-12 પતા મીઠો લીમડો
  • 2 ટેબલ સ્પુન ઓઇલ અથવા ઘી
  • 1 તજ પત્તુ
  • 2-3 લવીંગ
  • 4-5 મરી
  • 2-3 નાના કટકા તજ
  • 1 બાદિયાનનું ચક્ર
  • 1 ટી સ્પુન આખું જીરું (ઓપ્શનલ)
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પુન કોથમરી
  • 8-10 કાજુના ફાડા
  • 10- 15 દ્રાક્ષ

ફરાળી સામા ઉપમા બનાવવાની રીત :

સૌ પ્રથમ સામો ધોઇને તેને 15- 20 મિનિટ માટે પાણીમાં પલાળી લ્યો.

હવે બટેટાની છાલ પીલ કરીને તેને નાના નાના ટુકડામાં સમારી લ્યો.

ત્યારબાદ એક થીક બોટમ્ડ પેન અથવા લોયુ લઈ તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ કે ઘી ગરમ મૂકો. મિડિયમ ફ્લૈમ રાખો.

ઘી ગરમ થાય એટલે તેમાં 1 તજ પત્તુ, 2-3 લવીંગ, 4-5 મરી, 2-3 નાના કટકા તજ, 1 બાદિયાનનું ચક્ર, 1 ટી સ્પુન આખું જીરું (ઓપ્શનલ)(ઘણા લોકો પંચમીના ફરાળમાં જીરુ અને શિંગદાણા નથી ખાતા હોતા). ઉમેરો.

હવે બધું સંતળાઇ જાય એટલે તેમાં 8-10 કાજુના ફાડા, 10- 15 દ્રાક્ષ, 2 લીલા મરચા બારીક સમારેલા અને 10-12 પતા મીઠો લીમડો ઉમેરી બધુ મિક્ષ કરો. કાજુ બદામી ક્લરના થાય ત્યાં સુધી સાંતળો.

ત્યારબાદ તેમાં બારીક સમારેલા બટેટાના ટુકડા ઉમેરી મિક્ષ કરી લ્યો. તેમાં ½ ટી સ્પુન સુગર ઉમેરો. જેથી બટેટા જલ્દી કૂક થઈ જશે. થોડીવાર ઢાંકીને મિડિયમ ફ્લૈમ પર કૂક કરો. થોડી થોડી વારે હલાવતા રહો. જરુર પડે તો થોડું પાણી ઉમેરો.

(તેમાંથી થોડા કાજુ, દ્રાક્ષ, તજ પત્તુ, બાદિયાન અને 2-3 પાન લીમડાના એક પ્લેટ્માં અલગ કાઢી લ્યો. ગાર્નીશ કરવા માટે આ બધાનો ઉપયોગ કરવાનો છે).

બટેટા બરાબર કૂક થઈ જાય એટલે તેમાં 1 કપ પલાળેલો સાંબો પાણી નિતારીને પછી ઉમેરો.સાથે સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી દ્યો. બધું બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં બારીક સમારેલું ટમેટું ઉમેરી મિક્ષ કરો.

1-2 મિનિટ કૂક થાય, ત્યારબાદ તેમાં ગરમ કરેલું 3 કપ થી 3 ½ કપ પાણી ઉમેરો. બરાબર મિક્ષ કરી, ઢાંકીને તેને મિડિયમ સ્લો ફ્લૈમ પર કૂક કરો.

થોડીવાર બાદ તેને ચમચાથી હલાવી, ઉપર-નીચે કરી લ્યો. ફરી ઢાંકીને 2-3 મિનિટ કૂક કરો.

બધું પાણી શોષાઇને ઉપમા જેવી કંસીસ્ટંસી થાય, સામો બરાબર કૂક થઈને ઉપમા લોયાની દીવાલ છોડવા લાગે અને થોડું ઓઇલ છૂટું પડતું દેખાય એટલે ફ્લૈમ ઓફ કરી દ્યો.

તેમાં થોડી કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે ગરમા ગરમ, હેલ્ધી અને ટેસ્ટી ફરાળી સામા ઉપમા સર્વ કરવા માટે રેડી છે.

હવે સર્વિંગ બાઉલમાં ફરાળી સામા ઉપમા સર્વ કરી, તેમાં ફ્રાય કરેલા અલગ રાખેલા કાજુ, દ્રાક્ષ, તજ પત્તુ, બાદિયાન અને 2-3 પાન લીમડા વગેરેથી તેના પર ગાર્નિશ કરો.

અન્ય ફરાળી વાનગી સાથે અથવા એમ જ ગરમા ગરમ ફરાળી સામા ઉપમા વ્રતના ઉપવાસ માટે સર્વ કરો.

મારી આ રેસિપિ ફોલો કરીને, ઘરના દરેક લોકો માટે આ હેલ્ધી અને ટેસ્ટી ફરાળી ઉપમા ચોક્કસથી બનાવી, ગાર્નીશ કરી, ગરમા ગરમ સર્વ કરજો. બધાને ખૂબાજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *