મેથી ફૂલવડી – ગુજરાતીઓની ફેવરિટ આ ફૂલવાડી રસોઈયા બનાવે છે એવી જ ઘરે તમે પણ બનાવી શકશો…

મેથીની ભાજીની સૂકવણી ઘરની અંદર જ સરસ રીતે થાય છે. ભાજી તેવી જ લીલીછમ ને મસળતા સાથે ભૂકો થાય તેવી બનાવવાની ટીપ્સ પણ જાણો આ રેસીપીમાં…👇

આવી જ આ સીઝનની મેથીની સૂકવણી વાપરી ફુલવડી બનાવી છે.તાજી મેથી કરતા સ્વાદ ને ટેક્સ્ચર સરસ આવશે આ રીતે. સ્વાદમાં બહુ જ સરસ એવી આ ફુલવડી તમે પણ બનાવી જુઓ…👍👍

મારી પાસે જારો ના હોવાથી જારા વગર બનાવી છે..

સમય: 45 મિનિટ, 500 ગ્રામ જેટલી બનશે

ઘટકો

  • ➡️દોઢ કપ ચણાનો કરકરો લોટ
  • ➡️1/2 કપ ચણાનો લોટ
  • ➡️1/4 કપ ઘઉંનો કરકરો લોટ
  • ➡️1/3 કપ ચૂરો કરેલી મેથીની ભાજીની સૂકવણી
  • ➡️1/4 કપ તેલ
  • ➡️1/2 કપ દહીં
  • ➡️1/3 કપ ખાંડ
  • ➡️1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • ➡️1/2 ટીસ્પૂન હળદર
  • ➡️1/4 ટીસ્પૂન હીંગ
  • ➡️1 ટેબલ સ્પૂન તલ
  • ➡️1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ
  • ➡️મીઠું સ્વાદ પ્રમાણે
  • ➡️1 ટેબલ સ્પૂન સૂકા ધાણા
  • ➡️1/2 ટેબલ સ્પૂન આખા મરી
  • ➡️1 ટેબલ સ્પૂન વરિયાળી
  • ➡️1/8 ટીસ્પૂન સોડા
  • ➡️પાણી જરુર મુજબ
  • ➡️તેલ તળવા માટે

પધ્ધતિ:

1️⃣ મેથીની ભાજીના પાંદડા ચૂંટી, 2-3 વાર પાણીથી ધોઇ કોરી કરી ઘરની અંદર 4-5 દિવસ માટે કપડામાં પાથરી દો. તે પછી એક પહોળા વાસણમાં ભરી ફ્રીઝમાં ઢાંકયા વગર પાણી કે કાંઇ ના પડે તે રીતે 4-5 દિવસ માટે રાખો. વધારાનો ભેજ ફ્રીઝમાં ઊડી જશે અને બિલકુલ લીલો કલર જળવાઈ રહેશે. બહાર કાઢશો તો મસળતા સાથે ચૂરો થશે.

2️⃣ બધા લોટ અને મેથીની ભાજીને એક બાઉલમાં લો. તેમાં તેલ નાખી હાથથી બરાબર મસળી મિક્સ કરી લો.

3️⃣ એક બાઉલમાં દહીં લઇ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો. 5 મિનિટ માટે રાખો જેથી ખાંડ ઓગળીને ભળી જશે. પછી તેમાં બાકીના મસાલા પણ નાખી મિક્સ કરી લો.

4️⃣ આખા ધાણા,મરી, વરિયાળી ને મિક્સરમાં અધકચરા વાટી લો. તેનો ખૂબ સારો સ્વાદ ને સુગંધ ભળશે. વાટેલો મસાલો અને દહીંનું મિશ્રણ લોટમાં ઉમેરી લોટ બાંધી લો.

5️⃣ એક વાડકીમાં 1-2 ચમચી જેટલું પાણી ગરમ કરી તેમાં સોડા નાખો. પછી આ પાણી લોટમાં નાખી બરાબર હલાવી નરમ, ઢીલો લોટ બાંધો.મારે અહીં 1 ચમચી પાણી જ જરુર પડી હતી લોટ બાંધવા માટે.

6️⃣ તેલ લગાવી લોટ કેળવી સંચામાં ફૂલવડીની જાળી લગાવી લોટને ભરી લો.તેલ ગરમ મૂકો. બિલકુલ ધીમા તાપે નાની-નાની ફૂલવડી પાડી તળી લો. જારો હોય તો જારા પર લોટ ઘસીને પણ ફૂલવડી ઝડપથી ને સારી બને છે. કંઇ ના હોય તો હાથેથી વણીને પણ ફૂલવડી બનાવી શકાય.

7️⃣ બધી ફૂલવડી આ રીતે બનાવી લો. 7-10 દિવસ સુધી સારી રહેશે.ચા સાથે નાસ્તામાં કે ફરસાણમાં લઇ શકાય.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *