ગાજર, મરચાં, કાચી કેરી અને આદુનું ચટાકેદાર અથાણું…

મિત્રો, ઉનાળાની સીઝન શરુ થઈ રહી છે અને આ સીઝનમાં જાતજાતના અથાણાં બનાવવામાં આવતા હોય છે કારણ કે ઉનાળામાં કેરી, કેરડા, ગુંદા, ગરમળનો પાક આવે છે જેના અલગ અલગ ટેસ્ટ પ્રમાણે અથાણાં બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરવામાં આવતા હોય છે. એમાંય વળી ગુજરાતી એટલે અથાણાંના શોખીન, ગુજરાતી ઘરોમાં જાતજાતના અથાણાં તો મળે જ. ઘણા અથાણાં એવા તો ટેસ્ટી હોય છે કે શાકની પણ ગરજ સારે છે અને વળી અથાણાં હોય તો બે એક રોટલી વધારે પણ ચાલે.

તો આજે હું તમારી સાથે અથાણાની એક નવીન વેરાયટી બતાવવા જઈ રહી છું જે છે ગાજર, કાચી કેરી, લાલ-લીલા મરચા, આદુ તેમજ લીલી હળદરનું મિક્સ અથાણું. આ અથાણાંને બીજા જ દિવસથી ખાઈ શકાય અને એકાદ મહિના માટે સ્ટોર કરી શકાય. એવું તે ટેસ્ટી અને ચટપટું બને છે કે બધાને ખબ જ પસંદ આવશે. અથાણાની કેરી માર્કેટમાં આવે ત્યાં સુધી નાની કેસર કેરી કે કાગડા કેરી યુઝ કરીને આ અથાણું બનાવીને ખાઈ શકાય.

સામગ્રી :

  • Ø 350 ગ્રામ ગાજર
  • Ø 350 ગ્રામ કાચી કેરી
  • Ø 200 ગ્રામ લાલ-લીલા મરચા
  • Ø 100 ગ્રામ લીલી હળદર
  • Ø 50 ગ્રામ આદુ
  • Ø 100 ગ્રામ આચાર મસાલો
  • Ø 3 ટેબલ સ્પૂન તેલ
  • Ø 1&1/2 ટેબલ સ્પૂન મીઠું

રીત :

1) સૌપ્રથમ બધી જ સામગ્રીને સાફ પાણીથી ધોઇને કોરી કરી લેવાની છે, થોડીવાર પંખા નીચે વાહરવા દેવી જેથી પાણી સુકાઈ જાય.

અથાણાંની વસ્તુમાં પાણીનો ભાગ રહી જાય તો અથાણું જલ્દી ખરાબ થઈ શકે છે. કોરા કરી લીધા બાદ બધું જ લાંબી પાતળી ચીરીઓમાં કટ કરી લેવાનું છે. ગાજર, હળદર તેમજ આદુની છાલ ઉતારી ચીરીઓ કરી લેવાની છે.

2) ત્યારબાદ આ ચીરીઓને એક મોટા બાઉલમાં લઈ તેમાં થોડું થોડું મીઠું ઉમેરી મિક્સ કરી લેવાનું, થોડું થોડું મીઠું ઉમેરતું જવાનું અને મિક્સ કરતુ જવાનું. બધી જ ચીરીઓ પર મીઠાનું એક લેયર થઈ જાય એ રીતે ઉપર નીચે કરી મિક્સ કરી લેવાનું.

3) બરાબર મિક્સ કરી લીધા બાદ આઠેક કલાક માટે ઢાંકીને રાખી દો જેથી ચીરીઓમાં મીઠું ચડી જાય, વચ્ચે વચ્ચે બે ત્રણ વાર ઉપરનીચે કરી લેવું.

4) 8 કલાક પછી ચીરીઓને પાણી નિતારી સાફ કોટનના કપડાં પર પહોળી કરીને સૂકવવાની છે, ચીરીઓને રૂમમાં જ સૂકવવાની છે તડકે સૂકવવાની જરૂર નથી.

5) હવે તેલને ધુમાડા નીકળે તેટલું ગરમ કરવાનું છે. તેલમાં ધૂમાડા નીકળે એટલે સ્ટવની ફ્લેમ ઑફ કરી તેલને સાવ ઠંડુ થવા દેવાનું છે. એકાદ કલાકમાં તેલ ઠંડુ પડી જશે અને ત્યાં સુધીમાં ચીરીઓ પણ સુકાય જશે.

6) એક કલાક પછી ચીરીઓને બાઉલમાં લઈ આચાર મસાલો એડ કરો અને બરાબર મિક્સ કરી લો, દરેક ચીરીઓ પર મસાલો સારી રીતે ચડી જાય ત્યાંસુધી મિક્સ કરી લેવાનું છે. આચાર મસાલામાં મીઠું હોય છે માટે મેં મીઠું ઓછું લીધું છે પરંતુ તમે અથાણું ટેસ્ટ કરી મીઠું પાછળથી મિક્સ કરી શકો છો.

7) આચાર મસાલો મિક્સ કરી લીધા બાદ ગરમ કરી ઠંડુ પડેલું તેલ ઉમેરો અને ફરી બરાબર મિક્સ કરી લો.

8) તો તૈયાર છે આ મસ્ત મજાનું મિક્સ અથાણું, આ અથાણાંને કાચની સાફ બોટલમાં ભરી લો. અથાણું બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે અથાણામાં વપરાતી બધી જ વસ્તુ સાફ લેવી જેથી અથાણું ખરાબ ન થાય. તો આજે જ બનાવી લેજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારું અથાણું કેવું બન્યું અને બની શકે તો તમારા બનાવેલ અથાણાનો ફોટો પણ ટેગ કરજો.

પરંતુ અથાણું બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી અથાણું બનાવવામાં સરળતા રહે અને તમારું અર્થનું પણ મારી જેમ પરફેક્ટ બને.

વિડીયો લિંક :


રોસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *