ગલકા-મગની દાળનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો આજે ચોક્કસ બનાવો.

ગલકા અને મગનીદાળનું કોંબીનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેમજ જો ગલકાનું પ્રમાણ ઓછું હોય તો શાકની કોન્ટીટી વધારવા માટે તમે મગની મોગરનો ઉપયોગ કરીને શાક બનાવી શકો છો તે પણ સ્વાદિષ્ટ. તો આજે નીધીબેન તમારા માટે લાવ્યા છે ગલકા-મગનીદાળનું સ્વાદિષ્ટ શાક.

ગલકા-મગની દાળનુ શાક બનાવવા માટેની સામગ્રી

અડધી વાટકી મગની મોગર (ફોતરા વગરની મગની દાળ)

ત્રણ મિડિયમ સાઇઝના ગલકા

4-5 કળી લસણ

તીખાશ પ્રમાણે લાલ મરચુ પાઉડર

સ્વાદ પ્રમાણે મીઠુ

3 ચમચા તેલ

વઘાર માટે થોડી રાઈ, હીંગ, જીરુ

ગલકા-મગની દાળનુ સાક બનાવા માટેની રીત

સૌ પ્રથમ અરધી વાટકી મગની મોગર એટલે કે મગની છોતરા વગરની જે પીળી દાળ આવે છે તેને ધોઈ લેવી. અને તે જ વાટકીમા પાણી ઉમેરી તેને એકથી બે કલાક માટે પલળવા મુકી દેવી.

હવે ત્રણ ગલકાને છોલીને તેના મિડિયમ સાઇઝના ટુકડા જે તમે રેગ્યુલર શાક બનાવવા માટે ટુકડા કરો તેવા ટુકડા કરી લેવા.

હવે ગેસ ઓન કરી તેના પર એક પેન મુકવું તેમાં ત્રણ-ચાર ચમચા તેલ ઉમેરવું. હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી રાઇ ફુટી જાય એટલે તેમાં જીરુ અને હીંગ ઉમેરી દેવા.

હવે તેમાં ગલકા પણ ઉમેરી દેવા. અને તેને હલાવી લેવા. તેને 1 મીનીટ માટે થોડા સંતળાવા દેવા.

આ દરમિયાન 3 કળી લસણ અને મરચુ પાઉડર ખાઈણીમાં વાટી લેવા અને તેની પેસ્ટને શાકમાં ઉમેરી દેવી. ત્યાર બાદ તેમાં અરધી ચમચી હળદર, તીખાશ પ્રમાણે થોડું મરચું, થોડું ધાણાજીરુ ઉમેરી શાક બરાબર હલાવી લેવું.

હવે તરત જ તેમાં પલાળેલી દાળને પાણી સાથે જ ઉમેરી દેવી. તેને પણ શાક સાથે બરાબર મિક્સ કરી લેવી. મગની દાળને પલળવા માટે બે કલાક પુરતા છે. આટલી પલાળ્યા બાદ તેને શાકમાં ચડતી વખતે વાર નહીં લાગે અને સાથે ગલકાને પણ ચડતા તેટલો જ સમય લાગશે.

હવે બરાબર હલાવી લીધા બાદ તેમાં મીઠુ ઉમેરી દેવું અને ફરી શાકને બરાબર હલાવી લેવું. આ કોમ્બીનેશન એટલે કે ગલકા અને મગની દાળ એક સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત જો તમારી પાસે ગલકા ઓછા પ્રમાણમાં પડ્યા હોય તો તેવા સમયે પણ તમે મગની દાળને પલાળીને ગલકાના શાકમાં ઉમેરી તેની કોન્ટીટી વધારી શકો છો.

મીઠુ નાખીને હલાવી લીધા બાદ તેને ઢાંકી દેવું અને ત્રણ-ચાર મીનીટ માટે ચડવા દેવું.

ત્રણ-ચાર મીનીટ બાદ તમે જોશો તો લગભગ શાક ચડી ગયું ગયું હશે. જો ન ચડ્યું હોય અને શાકમાં પાણી વધારે હોય તો ફરી તેને બે મીનીટ માટે ઢાંકીને ચડાવી દેવું.

મગની દાળ સાવ ગળી જાય તેવું ન થાય તેનું ધ્યાન રાખજો નહીંતર શાકમાં મજા નહીં આવે. એટલે મગની દાળનો દાણો આકો હોય ત્યારે તે ચડ્યો છે કે નહીં તે ચેક કરીને ગેસ બંધ કરી દેવો.

હવે તમે જોશો તો શાકનુ બધું જ પાણી ઉડી ગયું હશે મગની દાળ પણ નહીં ઓછી અને નહીં વધારે માપમાં ચડી ગઈ હશે. તો તૈયાર છે સ્વાદિષ્ટ ગલકા-મગનીદાળનું શાક.

આ શાક ભાખરી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેને દહીં તેમજ જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. આ રીતે તમે ગલકાની જગ્યાએ તૂરિયાનુ શાક પણ બનાવી શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

ગલકા-મગની દાળનું શાક બનાવવા માટે વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *