ક્રીસ્પી મસાલા ગાંઠિયા – બહારના ગાંઠિયા લાવવા પોસિબલ નથી તો ઘરે જ બનાવો આ ક્રીસ્પી ગાંઠિયા.

ક્રીસ્પી મસાલા ગાંઠિયા :

નાસ્તા માટે અનેક પ્રકારના ગાંઠિયા બનાવવામાં આવતા હોય છે. વણેલા કે ચંપાકલી ગાંઠિયા, જાડા કે જીણા ગાંઠિયા… હવે ગાંઠિયા પણ અલગ અલગ ફ્લેવરવાળા મળે છે. જેવાકે મરીવાળા, સંચળવાળા કે મેથી, મસાલાવાળા. ઘણા સ્ટોરમાં પાણીપુરી, પિઝા કે મંચુરિયન ટેસ્ટનાં પણ ગાંઠિયા મળતા થયા છે. ગાંઠિયા સાથે મરચા, ચટણી કે સલાડ-કઢી પણ સર્વ કરવામાં આવતી હોય છે.

અહીં હું જે ગાંઠિયાની રેસિપિ આપી રહી છું. એ ક્રીસ્પી મસાલાવાળા ગાંઠિયા છે, જે સંચાથી પાડીને બનાવી શકાય છે. તેને એમજ અથવા તો ચેવડામાં પણ મિક્ષ કરીને ખાવામાં આવતા હોય છે. ઉપરાંત આ ગાંઠિયાનું ટમેટા, ઓનિયનની ગ્રેવીમાં ઉમેરીને શાક પણ બનાવવામાં આવતું હોય છે. તો ક્યારેક તેનું દહીં વાળું શાક બનાવવામાં આવે છે. ઘણા લોકો આ ગાંઠિયાની કઢી પણ બનાવતા હોય છે. તો તુરિયા કે ગલકા નાં શાક માં ઉમેરી મિક્ષ શાક પણ બનાવવામાં આવે છે. આમ આ ગાંઠિયા મલ્ટી પર્પઝ છે. તેમાંથી અનેક જાતની રેસિપિ બનાવી શકાય છે. એક વાર બાનાવીને સ્ટોર કરી લીધા પછી પણ ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને ‘ક્યુ શાક બનાવવું’ નું એ સોલ્યુશન છે. અને ખૂબજ ઇઝી અને ક્વીક છે.
તો આજે હું આપ સૌ માટે ખૂબજ ઉપયોગી એવા ક્રીસ્પી મસાલા ગાંઠિયાની રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે અને સ્ટોર કરીને રાખશો તો ઘણા ઉપયોગી પણ થશે.

ક્રીસ્પી મસાલા ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી :

  • 3 ¼ કપ બેસન
  • 1 કપ પાણી
  • ½ કપ ઓઇલ
  • ½ ટી સ્પુન અજમા
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હિંગ
  • ½ ટી સ્પુન સંચળ પાવડર
  • 1 ટી સ્પુન સુગર પાવડર
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • 1 ટી સ્પુન હળદર પાવડર
  • ઓઇલ ગાંઠિયા ફ્રાય કરવા માટે

ક્રીસ્પી મસાલા ગાંઠિયા બનાવવાની રીત :

એક મોટું મિક્ષિંગ બાઉલ લઇ તેમાં 1 કપ પાણી અને ½ કપ ઓઇલ ઉમેરો. હવે બન્નેને મિક્ષ કરો. ત્યારબાદ બ્લેંડરથી 2-3 મિનિટ બ્લેંડ કરો. અથવા તો ઓઇલ અને પાણી બરાબર મિક્ષ થઇ વ્હાઈટ કલરનું થઇ જાય ત્યાં સુધી બ્લેંડ કરો.

ત્યારબાદ બનેલા વ્હાઈટ પાણીમાં બધા મસાલા ઉમેરવાના છે.

તો હવે વ્હાઈટ મિશ્રણમાં ½ ટી સ્પુન અજમા, ½ ટી સ્પુન મરી પાવડર, ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હિંગ, ½ ટી સ્પુન સંચળ પાવડર, સ્વાદ મુજબ સોલ્ટ, 1 ટી સ્પુન સુગર પાવડર અને 1 ટી સ્પુન હળદર પાવડર ઉમેરી મિક્ષ કરી દ્યો.

હવે મસાલાવાળું મિશ્રણ એક મોટા બાઉલમાં કાઢી લ્યો.

3 ¼ કપ બેસન લ્યો. બેસનને ચાળી લ્યો.

હવે થોડો થોડો બેસન મસાલા વાળા મિશ્રણમાં ઉમેરતા જઇ મિક્ષ કરતા જવાનો છે.

એ રીતે એક જ સાઇડ સ્પેચુલા ફેરવતા જઇ સોફ્ટ લોટ બાંધો. (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

હવે સંચાને ઓઇલથી ગ્રીસ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ગાંઠિયાની ચકરી મૂકીને તેના પર મસાલાવાળો ગાંઠિયાનો બાંધેલો લોટ ભરી દ્યો.

હવે તેનું ઢાંકણ બંધ કરીને તૈયાર રાખો.

એક મોટા લોયામાં મસાલા ગાંઠિયા ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ગાંઠિયા ફ્રાય કરવા જેવું ગરમ થાય એટલે મિડિયમ ફ્લૈમ પર તેમાં લોટ ભરેલા સંચાથી 2 રાઉન્ડ જેટલા ગાંઠિયા પાડો.

વધારે પાડવા નહી. તેમ કરવાથી સરખા ફ્રાય થશે નહી.

ફ્રાય થઇને એકબાજુ બરાબર ક્રીસ્પી થઇ જાય એટલે ગાંઠિયાનું ગુંચળું ઓઇલમાં જારાથી ફ્લિપ કરી દ્યો.

બીજી સાઇડ પણ એ પ્રમાણે ક્રીસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લ્યો. ક્રીસ્પી અને લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે તેને પ્લેટમાં ટ્રાંસ્ફર કરી લ્યો. આ પ્રમાણે સંચામાં ભરેલા બધા લોટના ક્રીસ્પી મસાલા ગાંઠિયા બનાવી લ્યો.

બાકીનો લોટ ફરીથી સંચામાં ભરીને ગાંઠિયા બનાવી લ્યો.

ફ્રાય કરેલા ગરમા ગરમ બધાં ગાઠિયા એક મોટા વાસણમાં કાઢો અને રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો. ઠરે ત્યારબાદ જ સ્ટોર કરવા માટે એર ટાઇટ કન્ટેઇનરમાં ભરો. કેમકે મસાલા ગાંઠિયા ઠરે પછી એકદમ સરસ ક્રીસ્પી થઇ જશે.

તો સર્વ કરવા માટે ક્રીસ્પી મસાલા ગાંઠિયા રેડી છે. ચા સાથે એમ જ કે ચેવડામાં મિક્ષ કરી નાસ્તામાં લ્યો.

સ્ટોર કરેલા ગાંઠિયા જરુર મુજબ મિક્ષ શાક બનાવવા માટે ઉપયોગમાં લ્યો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *