ગાર્લિક રોટી – લોકડાઉનમાં હોટેલો બંધ છે ત્યારે ઘણા લોકો બહારનું ફૂડ મિસ કરતા હશે ખાસ તેમની માટે…

મિત્રો, લોકડાઉનમાં હોટેલો બંધ છે ત્યારે ઘણા લોકો બહારનું ફૂડ મિસ કરતા હશે ખાસ કરીને જે લોકોને બહારનો ચટપટો ટેસ્ટ ખુબ જ પસંદ છે અને અવારનવાર બહાર હોટલોમાં જમવાની ટેવ છે તો આજે હું તમારી સાથે આવી જ એક રેસિપીને થોડી ટવીસ્ટ કરીને બતાવવા જઈ રહી છું જે છે ગાર્લિક રોટી. હા મિત્રો, તમે ગાર્લિક બ્રેડ તો અવારનવાર ખાતા જ હશો પરંતુ આ ગાર્લિક રોટી પણ કંઈ ઓછી નથી અને 100% તમને ગાર્લિક બ્રેડ કરતા પણ વધારે પસંદ આવશે. બનાવવી પણ સાવ સરળ છે તો બહાર કરતા ઘરે શુદ્ધ અને હાઈજેનીક ફૂડ બનાવવાનો મોકો ચૂકશો નહિ. તો બનાવજો અને સાથે તમને લોકોને મારી રેસિપી કેવી લાગી તે ચોક્કસ કમેન્ટ કરજો, બનાવો તો ફોટો ટેગ કરવાનું ભૂલતા નહિ.

સામગ્રી :

 • Ø 1 & 1/2 કપ ઘઉંનો ઝીણો
 • Ø 1 & 1/2 ટેબલ સ્પૂન ગાર્લિક પેસ્ટ
 • Ø 3 ટેબલ સ્પૂન બટર(ગાર્લિક પેસ્ટ માટે)
 • Ø 1 ટેબલ સ્પૂન તેલ(મોણ માટે)
 • Ø પ્રોસેસ્ડ ચીઝ
 • Ø કાંદા
 • Ø કેપ્સિકમ
 • Ø લીલું મરચું
 • Ø ચીલી ફ્લેક્સ
 • Ø મરી
 • Ø તાજા કોથમીર
 • Ø ફ્રાય કરવા માટે બટર

રીત :

1) સૌ પ્રથમ ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી 1 ટેબલ સ્પૂન તેલનું મોણ આપો.

2) થોડું થોડું પાણી ઉમેરી રોટલીથી સહેજ કઠણ લોટ બાંધી લો, લોટ બાંધી 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો.

3) 10 મિનિટ પછી રેગ્યુલર રોટલીથી સહેજ જાડી રોટલી વણી લો.

4) રોટલી વણીને તેને પેન કે તવા પર બટર લગાવી એક સાઈડ શેકી લો, રોટલીને એક સાઈડ જ શેકવાની છે.

5) રોટલી તૈયાર કરી લીધા બાદ ગાર્લિક પેસ્ટ બનાવી લો, તે માટે 3 ટેબલ સ્પૂન બટર એડ કરી, બટરને મેલ્ટ થવા દો.

6) બટર મેલ્ટ થાય એટલે તેમાં લસણની પેસ્ટ એડ કરો અને પેસ્ટને સારી રીતે સાંતળી લો. સાંતળી લીધા બાદ બાઉલમાં કાઢી લો.

7) હવે રોટલીને શેકેલી સાઈડ ઉપર રહે તે રીતે રાખો, જે કાચી સાઈડ નીચે રાખવાની છે, આ રોટી પર સાંતળેલી લસણની પેસ્ટ લગાવો, બટરની જેમ આખી રોટી પર પેસ્ટ લગાવી દેવાની છે.

8) લસણની પેસ્ટ લગાવી લીધા બાદ તેના પર ચીઝ સ્પ્રેડ કરો. ચીઝ અહીં ખમણીને ડિરેક્ટલી સ્પ્રેડ કરવાનું છે.

9) ત્યાર પછી તેના પર કેસ્પીકમ, કાંદા, તાજા કોથમીર, ચીલી ફ્લેક્સ, બારીક કાપેલ લીલું મરચું, મરી પાવડર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું સ્પ્રિન્કલ કરો. ઓરેગાનો તેમજ મિક્સ હર્બ પણ નાખી શકાય.

10) તો ટોપિંગ કરેલી રોટી તૈયાર છે, હવે પેન કે તવા પર બટર લગાવો અને તેના પર ટોપિંગ કરેલી રોટી મૂકી દો.

11) સ્ટવની ફ્લેમ સ્લો સેટ કરી, ઢાંકણ ઢાંકીને રોટીને શેકી લો. આ રોટી શેકાઈ ત્યાં સુધીમાં બીજી રોટી ટોપિંગ કરીને તૈયાર કરી લો.

12) રોટી નીચેની સાઈડ શેકાય જાય તેમજ ચીઝ પીગળી જાય ત્યાં સુધી શેકી લો.

13) આ રીતે બધી જ ગાર્લિક રોટી તૈયાર કરી લો.

તો મિત્રો, તૈયાર છે આ ટેસ્ટી ગાર્લિક રોટી, ખરેખર લાજવાબ ટેસ્ટ છે તો તમારા બાળકોને એકવાર તો અવશ્ય બનાવી આપજો ખુશ થઈ જશે. અને હા મિત્રો આવી અવનવી રેસિપી જોવા નીચે આપેલ વિડીયો જોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

Join the discussion

Your email address will not be published. Required fields are marked *